કોલેજ: એક કમ્પ્લીટ પેકેજ !

મા-બાપો સમજે છે કે એમનાં છોકરાં કોલેજમાં ભણવા માટે જાય છે ! જોકે કદાચ છોકરાંઓને પણ ખબર નથી કે લાખ-દોઢ લાખની ફીમાં એમને શું શું મળે છે ! જુઓ…

*** 

ફ્રીડમ એન્ડ ફેશન પેકેજ : (૨૦ ટકા વસૂલ)
સૌથી પહેલાં તો સ્કુલ યુનિફોર્મમાંથી મુક્તિ ! પછી રોજે રોજની ફેશન પરેડ ! એમાંય અમુક તો કોલેજ તરફથી… જેમકે ‘ટ્રેડિશનલ-ડે’ ‘મિસ-મેચ ડે’ ‘રેટ્રો-ડે’ !

*** 

ફ્રેન્ડશીપ પ્લેટફોર્મ : (૩૦ ટકા વસૂલ)
નવા દોસ્તો બનાવો, નવી બહેનપણીઓ બનાવો ! એટલું જ નહીં, ચાય-ફ્રેન્ડઝ, દારૂ-ફ્રેન્ડઝ, સૂટ્ટા-ફ્રેન્ડઝ, એડવેન્ચર-ફ્રેન્ડઝ, ગ્રુપ-ફ્રેન્ડ્ઝ, ક્લાસ-ફ્રેન્ડ્ઝ, કોલેજ-ફ્રેન્ડઝ, હોસ્ટેલ-ફ્રેન્ડ્ઝ… આની કોઈ એકસ્ટ્રા ફી નથી, દોસ્ત !

*** 

રોમાન્સ પ્લેટફોર્મ : (૪૦ ટકા વસૂલ)
કોલેજ એ દુનિયાનું હજી પણ બેસ્ટ ઓફ-લાઈન રોમાન્સ પ્લેટફોર્મ છે ! બોયફ્રેન્ડ બનાવો, ગર્લફ્રેન્ડ બનાવો, પ્રેમમાં પડો, બ્રેક-અપ કરો, પેચ-અપ કરો… બધું જ અહીં પોસિબલ છે !

*** 

પાર્ટી પેકેજ : (૧૫ ટકા વસૂલ)
વરસમાં કેટલી પાર્ટીઓ ? ગણતા જ જાવ… ફ્રેશર્સ પાર્ટી, ફેરવેલ પાર્ટી, થર્ટી ફર્સ્ટ પાર્ટી, એન્યુઅલ ડે પાર્ટી… આ બધી તો કોલેજ તરફથી ! એ ઉપરાંત તમારી બર્થ-ડે પાર્ટીઓ તો ખરી જ…

*** 

કેન્ટિન કલ્ચર : (૨૫ ટકા વસૂલ)
ચાય, મસ્કા-બન, ખારી અને ઉધારી ! ક્લાસિસ કરતાં કેન્ટિનમાં એટેન્ડન્સ વધારે હોય છે. ‘જ્ઞાન’ વહેંચનારા પણ લાયબ્રેરી કરતાં અહીં જ વધારે મળવાના ! ચીલ મારો યાર…

*** 

ફેસ્ટિવલ કલ્ચર : (૧૫ ટકા વસૂલ)
કોલેજના યૂથ ફેસ્ટિવલો તો ટોટલ પૈસા વસૂલ છે ! ડ્રાન્સ, ડ્રામા, ફેશન, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, મ્યુઝિક… તમે જ પરફોર્મર અને તમે જ ઓડિયન્સ !

*** 

મેરેજ ક્વોલિફીકેશન : (?)
આજકાલ ડીગ્રી ના હોય એને છોકરી  પણ ક્યાં મળે છે ? અને જ્યારે મળી જાય ત્યારે ૧૦૦ ટકા ફી વસૂલ છે ! પૂછી જોજો વાંઢાઓને !

(રહી વાત ભણતરની, તો બોસ, એ તો ક્યાં કોઈ દહાડો કશાય કામમાં આવ્યું છે? )

***

- મન્નુ શેખચલ્લી

Comments