શિક્ષણના 'ગ્રાહકો' જાગો !

બારમાનાં રિઝલ્ટો આવી ગયાં પછી ‘શિક્ષણ’ નામના કરોડોના ધંધામાં નવી ‘સિઝન’ ચાલુ થઈ ગઈ છે !

પરંતુ જરા બિઝનેસની ભાષામાં સમજો તો લોસ ગ્રાહકોને જ છે ! જાગો, ગ્રાહક જાગો…

*** 

અહીં ગ્રાહક કોણ છે ?
વિદ્યાર્થી અને વાલીઓ… રાઈટ ?

*** 

અહીં પેમેન્ટની મેથડ શું છે ?
ફૂલ પેમેન્ટ ! એ પણ એડવાન્સમાં ! ફી ભરવાની ૩૬૫ દિવસની, પણ ૧૮૦ દિવસ તો રજાઓ હોય ! આમાં ગ્રાહક (વિદ્યાર્થી) ગુટલી મારે તો પૈસા પાછા ના મળે !

*** 

ટ્રાયલ પિરીયડ ખરો ?
નો ટ્રાયલ પિરીયડ ! માત્ર સેમ્પલ હાઉસ (કેમ્પસના ફોટા) જોવા મળશે.

*** 

ગેરંટીનું શું છે ?
કોઈ જ ગેરંટી નથી ! ઉલ્ટું ગ્રાહક (વિદ્યાર્થી) નાપાસ થાય કે ડોબો રહી જાય તો એમાં વાંક ગ્રાહકનો છે ‘કંપની’નો નહીં !

*** 

ફરિયાદો માટે આફ્ટર સેલ સર્વીસ ?
અહીં સાવ ઊંધું છે બોસ ! મોટાભાગની ફરિયાદો ગ્રાહકે જ સાંભળવાની હોય છે : ‘મોડા કેમ આવ્યા ? એસાઈનમેન્ટ કેમ નથી કરી ? ધ્યાન ક્યાં છે તમારું ? સરખા બેસો ! અવાજ નહીં ! ડિસીપ્લીન શીખો !’

*** 

પૈસાના બદલામાં ગ્રાહકને મળે છે શું ?
એક સર્ટિફીકેટ ! ૧ લાખથી લઈને ૨૫ લાખ રૂપિયા ખર્ચ્યા પછી ગ્રાહકને આ એક જ ‘પ્રોડક્ટ’ મળે છે ! બાકી બધું ‘સર્વિસ’માં ગણાય !

*** 

ભણી લીધા પછી શું ?
વ્યાખ્યાઓ બદલાઈ જાય છે ! હવે ગ્રાહક પોતે જ જે તે કંપનીની (કોલેજની) ‘પ્રોડક્ટ’ છે ! સમજ પડી ?

*** 

હજી ના સમજણ પડી હોય તો સમજો કે…
અહીં સાયન્સનું ભણાવનારા સાયન્ટિસ્ટો નથી, કોમર્સનું ભણાવનારા વેપારીઓ નથી, એન્જિનિયરીંગનું ભણાવનારા એન્જિનિયરો નથી અને બિઝનેસ મેનેજમેન્ટ ભણાવનારા પોતે બિઝનેસમેન પણ નથી ! બોલો..

છતાં ભારતમાં આનો (માત્ર ઉચ્ચ શિક્ષણનો) છ લાખ કરોડનો ‘બિઝનેસ’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments