આ 'ન્યુ નોર્મલ ' એટલે શું ?

આજકાલ આ નવું ચાલ્યું છે ! કોઈપણ નવો ટ્રેન્ડ ચાલુ થાય કે તરત કહેવા લાગશે કે આ તો હવે ‘ન્યુ નોર્મલ’ છે ! પણ ભૈશાબ, ‘ન્યુ નોર્મલ’ એટલે શું ?

તો મિત્રો, થોડા સમય પહેલાં જે ‘નવી નવાઈ’નું હતું અને આજે ‘એવું જ હોય ને ભૈશાબ’ થઈ ગયું છે તે ! દાખલા તરીકે…

*** 

અગાઉ લોકો સવારે ઊઠીને દાતણ પાણી કરીને મંદિરીયે પૂજા આરતી કરતા…

પણ આજે સવારે ઊઠતાંની સાથે જ બ્રશ પણ કર્યા વિના, મોબાઈલમાં ‘ગુડ મોર્નિંગો’ ઠોકવા લાગ્યા છે… તે ન્યુ નોર્મલ છે !

*** 

અગાઉ આપણે રવિવારને દિવસે સહકુટુંબ બહાર જમવા જતા હતા…

આજે રવિવારે નહીં, પરંતુ કોઈપણ આડા દિવસે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી નાંખીએ છીએને… તે ન્યુ નોર્મલ છે !

*** 

અગાઉ આપણે પાનને ગલ્લે, મંદિરના બાંકડે કે પાડોશીના ઓટલે બેસીને આખા ગામની પંચાત કરતા હતા…

તેના બદલે હવે મોબાઈલમાં જે અડફેટે ચડ્યો એના પેજમાં જઈને ફાવે તેવું ટ્રોલિંગ કરીએ છીએ… તે છે ન્યુ નોર્મલ !

*** 

અગાઉ પરચૂરણની તંગીના કારણે દુકાનવાળા આપણને ૧૫ પૈસાની ચોકલેટ ૧ રૂપિયામાં પધરાવીને લૂંટતા હતા…

આજે આપણે જાતે સરવાળો કરવાનું જ ભૂલી ગયા છીએ, એટલે દુકાનવાળો કેલક્યુલેટરમાં ચાંપો દાબીને જે આંકડો બોલે તેનું ફટ કરતાં ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએને… તે ન્યુ નોર્મલ છે !

*** 

અગાઉ જુવાનિયાઓને અંગ્રેજીના સાચા ઉચ્ચારો નહોતા આવડતા…

આજે ગુજરાતી છોકરાં છોકરીઓને ગુજરાતીના જ શબ્દો સરખી રીતે બોલતાં નથી આવડતાં… આ છે ન્યુ નોર્મલ !

*** 

અગાઉ જુવાનિયાઓ રેડિયો, ટીવી, મ્યુઝિક વગેરે મોટા અવાજે વગાડતા હતા અને વડીલોનું સાંભળતાં જ નહોતા…

આજે યંગ જનરેશન જ્યારે જુઓ ત્યારે કાનમાં ઇયરફોન ખોસી રાખે છે ! જેથી કોઈનું સાંભળવું જ ના પડે….

- આ છે ન્યુ નોર્મલ !

*** 

બાકી, અગાઉ યુવા પેઢીને ‘ક્રાંતિકારી’ બનવું હતું… 

આજે ‘દેશભક્ત’ બનવું છે એ પણ ઘેરબેઠાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments