બોલીવૂડ... 'ફ્લેશ-બેક' મોડમાં !

બોલીવૂડમાં થોડા સમયથી એક વિચિત્ર ટ્રેન્ડ ચાલ્યો છે. એમાં ‘ફલાણી ફિલ્મને ૩૫ વરસ થયાં’ ‘ફલાણી મુવીને ૨૫ વરસ થયાં…’ એમ કરીને ઉજવણી કરે છે !

અમે કહીએ છીએ કે જો યાદ જ કરવી હોય તો બીજી પણ અનેક ઘટનાઓ છે ! જેમ કે…

*** 

કેસેટ કિંગ ગુલશન કુમારની હત્યાને કેટલાં વરસ થયાં ? એ હત્યાના ષડયંત્રમાં ભાગીદાર એવા સંગીતકાર નદીમને લંડન ભાગી ગયાને કેટલા વરસ થયાં ?

*** 

ચાલો, સિરીયસ ના થવું હોય તો કહો, રેખાને આજ સુધી ‘જવાન’ રહ્યાંને કેટલાં વરસ થયાં ?

*** 

અરે, આમિર ખાનને દેશ છોડીને ચાલ્યા જવાની વાત કર્યા પછી દેશમાં જ પડ્યા પાથર્યા રહેવાને કેટલાં વરસ થયાં ?

*** 

અચ્છા, પેલા તુષાર કપૂરે છેલ્લામા છેલ્લો ‘એ-ઓ…ઈ-ઓ..’વાળા ગુંગાનો રોલ કર્યાને કેટલાં વરસ થયાં ?

*** 

એ જ રીતે રોહિત શેટ્ટીએ છેલ્લી સેન્સિબલ ફિલ્મ બનાવ્યાને, અને કંગના રાણાવતે છેલ્લું સેન્સિબલ ટ્વીટ કર્યાને કેટલાં વરસ થયાં ?

*** 

અચ્છા, તમારી પોતાની જ વાત કરોને, મલ્ટિ પ્લેક્સમાં જઈને કોઈ બોલીવૂડ મુવી જોયા પછી ‘વાહ, પૈસા વસૂલ થયા !’ એવી ફિલીંગ આવ્યાને કેટલાં વરસ થયાં ?

*** 

એમ તો રામગોપાલ વર્માને પણ યાદ કરો… એમની છેલ્લી કઈ ફિલ્મ હતી, જે ‘જોવા જેવી’ હતી ? એને કેટલાં વરસ થયાં ?

*** 

અને અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, પ્રભાસ જેવા મોટા મોટા સ્ટાર્સને લઈને ૧૨૦૦ કરોડમા જે ‘મહાભારત’ બનવાનું હતું… એ ‘અફવા’ને કેટલાં વરસ થયા ?

*** 

બાકી, સરકારની દરેક વાતને લઈને સોશિયલ મિડીયામાં કૂદી પડનારા બોલીવૂડ કલાકારોમાંથી પાકિસ્તાનની ટીકા કરી હોય એ વાતને…

***

- મન્નુ શેખચલ્લી

Comments