આપણને લોકોને આ સારું ફાવી ગયું છે, ઘેર બેઠાંબેઠાં મોબાઈલ પર મેસેજો ફોરવર્ડ કરીને ‘બહિષ્કાર’ કરી નાંખવાનો !( બાકી ગાંધીજીએ તો આપણાં વિદેશી કપડાં ઉતરાવી નાંખેલા… હોળી કરવા માટે.)
આ નવી ઝુંબેશમાં એક ફેસબુક પેજના ઓટલે બેસીને બધું સાંભળવા જેવું છે…
***
- તૂર્કીનો બહિષ્કાર કરો ! એ દગાબાજ છે !
- અમારું ૨૦ જણાનું ગ્રુપ તૂર્કી જવાનું હતું પણ અમે આખી ટ્રીપ કેન્સલ કરી નાંખી છે !
- બ્રાવો ! જોરદાર ! એક ધક્કા ઔર દો…
- તમારું રિફંડ આવી ગયું ? અમારું તો વીસ ટકા કાપી લીધું.
- કોઈએ કાશ્મીરની ટ્રીપ હજી કેન્સલ ના કરી હોય તો મને કહેજોને, ૮૦ ટકા ભાવમાં લઈ લેવા તૈયાર છું.
- હલો, કોઈએ ગોવા મહાબળેશ્વરની ટિકીટો કેન્સલ કરી હોય તો કહેજો ને ? આપણું બજેટ નાનું છે.
- તુર્કીને ૩૦૦ કરોડનો ફટકા પડશે ! ભારતનો ફટકો એને ભારે પડ્યો.
- એમ તો કાશ્મીરને ૮૦ કરોડનો ફટકો ના પડ્યો ?
- આ ભઈની કાશ્મીરમાં કોઈ દુકાન હોય એવું લાગે છે.
- અલ્યા, બહિષ્કાર એટલે બહિષ્કાર ! પછી દેશમાં હોય કે વિદેશમાં !
- આ જુવો, ‘સિતારે જમીં પર’… આમિરખાનનું નવું પિકચર આવવાનું છે ને ? એનો બહિષ્કાર ચાલુ થઈ ગયો.
- ‘સિતારે જમીં પર’નું ટ્રેલર મેં જોયું. સાવ બોગસ છે.
- એ ટ્રેલર મને મોકલો ને ? મારે પણ બહિષ્કાર કરવો છે.
- અચ્છા માલદીવનો બહિષ્કાર હજી ચાલુ છે ? કે પતી ગયું ? મારો ટ્રાવેલ એજન્ટ તૂર્કીનું કેન્સલ કરવાના બદલામાં માલદીવની ઓફર આપી રહ્યો છે.
- અમે તો બહિષ્કાર થાય એ પહેલાં જ જઈ આવેલા. મસ્ત જગ્યા છે. જુઓ અમારા ફોટા…
- આ ફોટા મુકનારનો કોઈ બહિષ્કાર કેમ નથી કરતું ?
- અચ્છા, લોનાવલા-પંચગિની કેન્સલ કરી હોય તો એ પણ ચાલશે.
- એક મિનિટ ‘સિતારે જમીં પર’નો બહિષ્કાર કેવી રીતે કરવાનો છે ? ટિકીટો બુક કરવાની, પછી આપણે એક સામટી કેન્સલ કરવાની છે ?
- હલો, એ ટિકીટ કેન્સલ કરો તો કહેજોને, મારા સાત ભાણિયાઓ વેકેશનમાં આયા છે. એમને અડધા ભાવમાં…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment