નથી હોતા... નથી હોતા... !

આજકાલ દેશનો માહોલ જરા અટપટો ચાલી રહ્યો છે ! યુદ્ધ અટકી ગયું છે છતાં હજી બંધ નથી થયું… પાકિસ્તાન હારી ગયું છે, છતા હજી ચૂપ નથી થયું…

એ તો ઠીક, પાકિસ્તાનમાં ભારતનાં ટામેટાંની નિકાસ બંધ છે છતાં ભારતમાં હજી ટામેટાં સસ્તાં નથી થયાં !

આવી સ્થિતિમાં તો કવિ સંમેલન પણ શી રીતે રાખવું ? એટલે પ્રસ્તુત છે થોડી બે-ઢંગી શાયરીઓ…

*** 

બે વત્તા બે હંમેશા
ચાર નથી હોતા…
હારનારા સૈન્ય માટે
‘હાર’ નથી હોતા.

*** 

છ અને છ હંમેશાં
બાર નથી હોતા…
ગુજરાતના માર્ગો પર
બિયરના ‘બાર’ નથી હોતા !

*** 

એમ તો શનિવાર પહેલાં
રવિવાર નથી હોતા…
વ્હાઈટ કોલર ચોરો કદી
‘તડીપાર’ નથી હોતા !

*** 

‘ભ’વાળા શબ્દો બધા
કંઈ ગાળ નથી હોતા….
ઘોડીના હોય, પણ ગધેડીનાં
‘નાળ’ નથી હોતા !

*** 

થાય બધાંથી એવાં કંઈ
બધાં જ કામ નથી હોતા…
બેઈમાનોના કદી ‘વાજબી’
દામ નથી હોતા !

*** 

ચોઘડીયાંથી સહુને
શુભ-લાભ નથી હોતા…
ટીવીમાં આવેલા ન્યુઝ પણ
‘બનવાકાળ’ નથી હોતા !

*** 

ગાંડાઓ જ વસે એવા
કંઈ ગામ નથી હોતાં…
છતાં બધાયે દેશ કંઈ
‘પાકિસ્તાન’ નથી હોતા !

*** 

ભગવાનનાં હોય એટલાં
માણસનાં નામ નથી હોતાં…
બગલમાં હો છૂરી છતાં
મોમાં ‘રામ’ નથી હોતા !

*** 

રોજ રોજ કંઈ ચૂંટણી
ને મતદાન નથી હોતાં…
તોય નેતાઓની જીભ પર
તાળાં નથી હોતાં !

*** 

‘વાહ વાહ’ કરે છે એ
બધા ‘ચમચા’ નથી હોતા..
મુશાયરાના પ્રેક્ષકોમાં ય
‘ભલીવાર’ નથી હોતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments