પંચતંત્રની એક વાર્તા છે.
એક સિંહ એક ગુફામાં રહેતો હતો. એ સિંહને એવી ટેવ હતી કે રોજ બપોરે (રાજકોટના લોકોની જેમ) શાંતિથી ઉંઘવા જોઈએ.
પણ ગુફામાં એ ડઝનબંધ ઉંદર રહેતા હતા. આ ઉંદરડા એટલા અવળચંડા હતા કે આખી બપોર કંઈ ને કંઈ હતરપતર કર્યા જ કરે !
ઘડીકમાં સિંહની પીઠ પર કૂદકા મારે તો ઘડીકમાં સિંહની કેશવાળીમાં બચકાં ભરે !
એ તો ઠીક, સિંહ ઉંદરોને મારવા માટે હજી પંજો ઉગામે ત્યાં તો મારા બેટા ઉંદરડા છૂમંતર થઈ જાય ! ઉપરથી સિંહની મસ્ત મજાની ઊંઘ બગડી જાય તે અલગ !
આ પ્રોબ્લેમની વાત સિંહે શિયાળને કરી. શિયાળ કહે ‘રાજાજી, એમાં શું મોટી વાત છે ? તમે એકાદ બિલાડીને નોકરીએ રાખી લો ને ?’
આ ઉપાય કામ કરી ગયો !
પણ બિલાડી કહે ‘ઉંદરડા કંઈ મારો રોજનો ખોરાક નથી ! જો મને રોજ સારું માંસ વગેરે મળે તો જ હું આ નોકરી કરું !’
સિંહે આ શરત મંજુર રાખી. હવે બિલાડીએ બપોરે બરાબર ચોકી રાખવા માંડી. જરૂર પડે એકાદ બે તોફાની ઉંદરડાને મારી પણ નાંખ્યા !
સિંહ આ જોઈને રાજી થયો. તેણે બિલાડીને કહ્યું ‘તું આ ગુફામાં રહેવા આવી જા !’
આમ બિલાડી સિંહની ગુફામાં રહેવા લાગી. ધીમે ધીમે તે સારું સારું ખાઈને જાડી પાડી થઈ ગઈ ! અને થોડા સમય પછી એને અડધ ડઝન બચ્ચા પણ થઈ ગયાં ! એ પણ ખાઈ-પીને મસ્ત !
પેલી બાજુ ઉંદરડાની સંખ્યા પણ વધતી ચાલી ! કેમકે બિલાડી તો માત્ર બપોરનો સમય સાચવી લેતી હતી.
પરંતુ હવે નવી સમસ્યા થવા લાગી. ઉંદરડાઓ રાતના પણ વારંવાર ત્રાસ આપવા લાગ્યા !
સિંહ ગુસ્સે થાય ! તો બિલાડી છ-સાત ઉંદરડાને મારી નાંખે ! થોડા દિવસ શાંતિ રહે… પછી પાછું એનું એ જ !
આ જોઈને બિલાડીનાં બચ્ચાં એમની માને પૂછે છે ‘આપણે આ તમામ ઉંદરડાને એક સાથે મારી કેમ નથી નાંખતા ?’
જવાબમાં પેલી ચાલાક બિલાડી કહે છે : ‘બચ્ચાંઓ, આપણા જે જલસા છે ને તે આ ઉંદરડાને લીધે જ છે ! જો બધાં ઉંદરડાં મરી જશે તો સિંહને આપણી જરૂર જ નહીં રહે ને ?’
(બોધ : આતંકવાદીઓ પણ ઉંદરડા જેવાં જ હોય છે, બાકીનો બોધ જાતે સમજી લેવો.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment