રણઝણસિંહનું પરમ જ્ઞાન !

લોકો કન્ફ્યુઝનમાં છે, કે યાર, હજી યુદ્ધ શરૂ થયાને ચાર દિવસ થયા ત્યાં તો બધું પતી ગયું ?

જોકે અમે કોઈ એક્સ્પર્ટ નથી પણ અમારા પરમ મિત્ર રણઝણસિંહ ‘પરમજ્ઞાની’ છે ! અમે એમને મુંઝવતા સવાલો પૂછ્યા.

*** 

અમે : આ અચાનક યુદ્ધવિરામ કેમ થઈ ગયો ? પાકિસ્તાનનાં છોતરાં કાઢી નાંખવાનો આ ચાન્સ હતો.

રણઝણસિંહ : ‘મન્નડા, જરા શાંતિ રાખ, અને પાકિસ્તાન ઉપર ભરોસો રાખ ! ઈ પાકિસ્તાન એક અઠવાડીયુ, એક મહિનો કે એક વરસમાં ફરી એકાદ હળી કર્યા વના રે’શે જ નંઈ ! ઈ ટાણે બરોબર ધીબેડી લેશું !’

*** 

અમે : પણ આ અમેરિકા એક બાજુ ભારતને સપોર્ટ કરે છે અને બીજી બાજુ પાકિસ્તાનને ૧.૩ અબજ ડોલરની લોન અપાવી દીધી ! આમાં શું સમજવું ?

રણઝણસિંહ : ‘ઈ અંકલ સેમ કાંઈ અમથો અમથો ‘જગતનો જમાદાર’ કે’વાય છે ? ઈ ભારતને સપોર્ટ કરે છે, જેથી પાકિસ્તાન ટેન્શનમાં રિયે ! ને પાકિસ્તાનને લોન અપાવે છે, જેથી ભારત પણ ટેન્શનમાં રિયે !’

*** 

અમે : આ યુદ્ધવિરામની જાહેરાત થયા પછીના ત્રણ જ કલાકમાં પાકિસ્તાને બોમ્બમારો, ગોળીબાર અને ડ્રોન હુમલા કરી નાંખ્યા ! આને આડાઈ નો કહેવાય ?

રણઝણસિંહ : ‘જો મન્નુડા, તેં કદી બે કૂતરાંને લડતાં જોયાં છે ? જ્યારે મોટા ડાઘિયા કૂતરાએ પેલા ટાપાટઈડી જેવા મામૂલી કૂતરાને બરોબર પીંખી નાંઈખો હોય… ઈ પછી છેક અડધી પોણી કલાક લગી કયું કૂતરું અમથું અમથું ભસ્યા કરતું હોય ? બસ, ઈ જ દશા પાકિસ્તાનની છે !’

*** 

અમે : શું આતંકવાદ ખતમ જ નહીં થાય ?

રણઝણસિંહ : ‘જો મન્નુડા, આતંકવાદની બંને દેશને જરૂર છે ! પાકિસ્તાનીઓ એને ‘ઉછેરી’ને રાજી થાય છે અને ભારતવાળા એનો ‘સામનો’ કરીને હરખાય છે… આમાં બધુ આવી ગ્યું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments