બોસ, સંજોગો તો જુઓ ? એક બાજુ લગ્નોની સિઝન ચાલે છે, બીજી બાજુ અચાનક માવઠાં ચાલુ થઈ ગયાં… અને બાકી હતું તે અંધારપટની મોક ડ્રીલ ચાલુ થઈ ગઈ !
આમા જે થાય તે કંઈક આવું જ થાય ને… ? જુઓ…
***
કંઈક ઠેકાણે એવું થયું કે વરરાજા જાન લઈને આવ્યા ત્યારે તૂટી પડેલા વરસાદમા વરરાજાને માથે જે રંગીન છત્રી હતી એ જ ઊડી ગઈ…!
***
તો ક્યાંક ઝરમર વરસી રહેલા વરસાદમાં વરરાજાને રેઈનકોટ પહેરાવવા ગયા તો કુંવરે ડિમાન્ડ કરી કે ‘ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકનો રેઈનકોટ લાવો ! આ જોધપુરી સૂટ પણ દેખાવો જોઈએ કે નહીં?’
***
ક્યાંક ઠંડો પવન એટલો કાતિલ હતો કે ઠંડીમાં ઠૂંઠવાતી કન્યાએ જે ઊઘાડી પીઠવાળો બ્લાઉઝ પહેર્યો હતો તેણે ધાબળો ઓઢવો પડ્યો !
***
એ તો ઠીક, લગ્ન પતી ગયા પછી વર-કન્યા પેલી યજ્ઞવેદીથી દૂર ખસવા જ નહોતા માગતા !
***
રિસેપ્શનના જમણવારમાં સૌથી વધુ ભીડ લાઈવ તંદૂરી રોટીના કાઉન્ટર પર હતી ! પૂછો કેમ ? કેમકે લોકો હાથ શેકવા માટે ઊભા રહી ગયા હતા…
***
છેવટે રસોઈયાને કહેવું પડ્યું કે ભૈશાબ, દાળ ઉકળવાનું પડતું મુકો… અને થોડાં તાપણાં સળગાવીને વચમાં ગોઠવો !
***
પ્રોબ્લેમ વિડીયોવાળાનો અલગ હતો… એમનું પેલું કેમેરાવાળું ડ્રોન ઉડતું ઉડતું આવે તો લોકો ભાગી જતા હતા ! કેમકે એના પંખામાંથી સખત ઠંડી હવા આવતી હતી !
***
જે શહેરોમાં અંધારપટની ડ્રીલ સાડા આઠ વાગ્યાથી હતી ત્યાં બુફે ડિનરમાં અફરા તફરી મચી હતી ! ‘અલ્યા, ઝટપટ જમી લો, નહીંતર અંધારામાં ડીશો ઝાલીને સામસામાં ભિટકાઈ પડશો તો કપડાં બગડશે !’
***
એક ઠેકાણે તો જેવું ‘કન્યા પધરાવો સાવધાન…’ થયું કે તરત લાઈટો ગઈ ! બિચારો વરરાજા સવાર લગી ટેન્શનમાં હતો કે ‘એ જ પરણાવી છે ને ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment