આજકાલ ગરમી એટલી ખતરનાક પડી રહી છે કે કોઈને અમસ્તુ પણ પૂછો કે ‘બોસ, મજામાં?’ તો સામેથી એવા એવા જવાબો મળે છે કે વાત ના પૂછો !
આવી હાલતમાં પ્રસ્તુત છે ગરમીને લગતા ગરમ સવાલો… અને એના ઠંડા મજાના જવાબો !
***
સવાલ :
આજકાલ એવું શા માટે લાગી રહ્યું છે કે જ્યાં જુઓ ત્યાં ‘કરોડપતિ’ની સિઝન ચાલી રહી છે ?
જવાબ :
કેમકે દરેક ટુ-વ્હીલરની સીટો ‘હોટ-સીટ’ બની ગઈ છે !
***
સવાલ :
ઉનાળામાં બરફગોળાઓ કેમ બહુ ‘ઇમોશનલ’ બની જતા હોય છે?
જવાબ :
કેમકે બિચારાઓ બહુ જલ્દીથી ‘પીગળી’ જાય છે !
***
સવાલ :
ઉનાળામાં ‘ચંદ્રમુખી’ની વેલ્યુ કેમ ઘટી જાય છે ?
જવાબ :
કેમકે ‘પારો’ બહુ ઊંચે ચડી જાય છે !
***
સવાલ :
ફ્રીજની બહાર રહી ગયેલી ચોકલેટો કેમ ‘સેક્સી’ કહેવાય છે ?
જવાબ :
કેમકે બહાર રહેવાથી તે ‘હોટ-ચોકલેટ’ બની જાય છે.
***
સવાલ :
કાશ્મીરમાં ‘દાલ-સરોવર’નું નામ ક્યારે બદલાઈ જાય છે ?
જવાબ :
તડકો પડે છે ત્યારે, કેમ કે ત્યારે એ ‘દાલ-તડકા’ બની જાય છે.
***
સવાલ :
અમદાવાદની છોકરીઓ ઉનાળામાં પોતાની ‘પહેચાન’ કેમ ગુમાવી બેસે છે ?
જવાબ :
કેમકે છોકરીઓ પોતાના ચહેરા દુપટ્ટા વડે ઢાંકી દે છે !
***
સવાલ :
‘સિકંદર’ મુવી ગુજરાતમાં કેમ ફ્લોપ છે ?
જવાબ :
કારણ સિમ્પલ છે. એમાં સલમાનખાનને રાજકોટનો રહેવાસી બતાડ્યો છે, પણ એ નથી માવા ખાતો કે નથી બપોરે ૧થી૪માં ઊંઘી જતો ! આવી ધૂપ્પલ તો નો હાલે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment