ગુંદિયાળાના વૈદ્યરાજનો 'ભારે માંયલો' દરદી !

આ કિસ્સો કંઈ બહુ વરસો પહેલાંનો નથી. સમજોને, હજી માંડ સાત આઠ વરસ પહેલાંની જ વાત છે.

વાત છે અમારા સુરેન્દ્રનગર પાસે આવેલા ગુંદિયાળા ગામની. આ ગામમાં એક નંદુલાલજી નામના વૈદ્યરાજ, ઘેરબેઠાં વૈદું કરે. આમ પાછી એમની નાનકડી કરિયાણાની દુકાન પણ ખરી. એટલે પેલી કહેવત મુજબ ‘ગાંધી-વૈદ્યનું સહિયારું’ થયું !

નંદુલાલ વૈદ્યની દુકાને તમે સીધું સાદું સીંગતેલ લેવા ગયા હો તો એ આપતાં આપતાં ચાર વાર સલાહ આપે. ‘સીંગતેલમાં સું દાઈટું છે ? તલનું તેલ ખાવ, તલનું ! જુવો પછી કેવી ઘોડા જેવી તબિયત થઈ જાસે… આ તમારા હાંધાના હંધાય દુખાવા ગાયબ થઈ જાવાના ! તમે ઘોડાની ઘોડે (જેમ) ઘોડતા થઈ જાસો… મારું ક’યું માની જુવો એક વાર, નંદુલાલ વૈદ્યનું નિદાન ખોટું નો પડે !’

તમને થાય કે ‘દાદા, હજી તમે ‘નિદાન’ તો કઈરું જ નથી, ત્યાં સીધો જ ઈલાજ ?’

પણ જો ભૂલેચૂકે આવો સવાલ પૂછી બેઠા તો નંદુકાકાના સવાલોની ઝડી વરસે : ‘હવારના ઝટ ઊંઘ નથ ઉડતી ? ઘણાં દાદરા ચડતાં હાંફ ચડી જાય છે ? ઉનાળામાં શરીરમાં ધગુ (ગરમાટો) રિયે છે ? શિયાળામાં ધાબળા વન્યા ટાઢ વાય છે ? ઉપવાસ કરવાનો આવે ન્યાં શરીર ઢીલું પડી જાય છે ?’… અને ખાસ, જેને બીડી-સિગારેટ કે માવાની ટેવ હોય એને ચોક્કસ પૂછે ‘હવારમાં બીડી-સિગારેટ કે માવા વન્યા પેટમાં પ્રેસર નથ આવતું ને ?’

ટુંકમાં દરેક માણસનાં જે કોમન બિમારીમાં લક્ષણ હોય, એમાંય તમને વરસોથી ઓળખતા હોય એટલે તમારી ‘હિસ્ટ્રી’ની જાણકારીનો ઉપયોગ કરીને તમને બાટલામાં ઉતારી દે !

જોકે નંદુકાકા વૈદ્યરાજ તરીકે સાવ નાખી દેવા જેવા તો નહીં જ ! એમનું ‘નિદાન’ મોટેભાગે સાચું હોય અને એમણે પધરાવેલાં ઓસડિયાં (ખરેખર તો કરિયાણાની દુકાનનો માલ) અસર પણ કરે. આમ કરતાં કરતાં નંદુકાકાની બંને પ્રકારની ઘરાકી ઠીક ઠીક બંધાઈ ગયેલી.

આખી વાતમાં નવું હલાડું ત્યારે થયું જ્યારે નંદુકાકાના હાથમાં સ્માર્ટ ફોન આવ્યો. એમાં ય એમણે જોયું કે સાવ નવી નવી દાઢી-મૂછ ફૂટી હોય એવા જુવાનિયા વ જાતભાતના આયુર્વેદિક ‘ટૂચકા’નાં રીલ બનાવીને વાહ-વાહ કમાઈ લેતા હતા.

આ બધું જોઈને આપણા નંદુકાકાને પણ થયું કે ‘મારા તો વાળ જ આ લાઈનમાં ધોળા થ્યા છે, તો આપણે ય આવું કરીં ને ?’

પણ એ બધું કરવું શી રીતે ? એવું શીખવાડે કોણ ? તો જવાબ દુકાને જ હતો ને ? અહીં માવાનાં પડીકાં અને સિગારેટનાં ખોખાં લેવા આવનારા જુવાનિયાવ ને જ પૂછાય ને !

આમાં નંદુકાકાને બે જણા મળી ગયા. એક પરેશ પંજો ને બીજો સુરેશ સળેકડી. આમાં સુરેશ સતત સિગારેટો ફૂંકવાને કારણે સળેકડી જેવો રહી ગયેલો અને પરેશનો પંજો હંમેશા માવો મસળવાને કારણે તેની હથેળીમાં નાનકડા રૂપિયા જેવો ‘ચાંદ’ પરમેનેન્ટ થઈ ગયેલો. 

આ બંને પાછા ‘પીવાના’ પણ શોખીન એટલે દુકાનેથી પેપ્સી, કોલા, સોડા, ચવાણું, વેફર્સ, દાળમૂઠ અને મેગીના પણ ઘરાક હતા. એમને આમાં ‘ઉધારી’નો મોટો સ્કોપ દેખાણો !

આ બંને તો મંડ્યા નંદુકાકાનાં રીલ્સ બનાવવા ! યુ-ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટો ખૂલી ગયા ! શરૂશરૂમાં વૈદ્યરાજ લાંબા લાંબા ભાષણો ઠોકવા બેસી જાતા. પછી સમજાણું કે આમાં ટુંકું ને ટચ જોઈએ !

છતાંય વૈદ્યરાજની ‘ઘરાકી’માં કાંઈ ખાસ ફેર પડ્યો નહીં ! ઉલ્ટું, ગામમાં ‘ઓલ્યા વિડીયોવાળા વૈદ્યરાજ’ તરીકે પીઠ પાછળ મશ્કરીઓ થતી ! ચાલો, એ ય છોડો, પણ આ ગામ છોડીને બીજા ગામથી ઘરાકોના ‘ઓર્ડર’ કેમ આવતા નથી ?

પેલા બે ઉધારીયાઓએ એનો ય ઇલાજ કરી જોયો. નંદુકાકાને રંગબિરંગી ફાળિયાં ને કેડિયાં પહેરાવીને વિડીયો ઉતારી જોયા પરંતુ રિઝલ્ટના નામે પીઠ પાછળની મશ્કરીઓમાં જ વધારો થયો.

આખી વાતમાં જબરો ટર્ન ત્યારે આવ્યો જ્યારે આપણા ગુંદિયાળા ગામનો એક જુવાનિયો મુંબઈથી વેકેશનમાં પાછો આવ્યો. નામ એનું ભલે મુકેશ, સરનેમ એની ભલે 'અંબાણી' નહીં, પણ એ મુંબઈમાં ‘બીબીએ’નું કરે (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) એટલે એના ખ્વાબ બહુ ઊંચા.

એણે આવતાંની સાથે કીધું ‘નંદુદાદા, તમને તમારો બિઝનેસ એક્સ્પાન્ડ કરવા હાટું કોઈ સેલિબ્રિટીનું એન્ડ્રોસમેન્ટ લયાવવું જોંઈ !’

હવે જ્યાં આપણા દેશી વૈદ્યરાજને ‘શેલિબિટી’ શું અને ‘એંન્ડોશમેંન’ કેવો હોય એની જ ખબર ના હોય તેમને સમજાવવુ શી રીતે ? તો મુંબઈવાળા મુકેશે સીધું જ ઉદાહરણ આપ્યું.

‘જુવો દાદા, આપણા મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી ખરો કે નંઈ ? હવે ઈ બચાડાનું સરીર કેવું મોટી કોઠી જેવું છે ? ધારેકે તમે તમારાં ઓશડીયાં ને ઉપચાર વડે ઇ અનંતભાયનું વજન વીસ કિલો યે ઉતારી બતાડો, તો ઇમને કેમેરા હામું ધરીને બોલાવરાવીં કે આ અમારા નંદુ વૈદ્યરાજે નકરો ચમત્કાર જ કઈરો છે…! તો બોલો દાદા, કેવો સોંટો પડી જાય ?’

અમારા નંદુકાકા તો બે ઘડી માટે સ્વપ્નમાં જ પહોંચી ગયા ! પછી જ્યારે ધરતી પર ઉતર્યા ત્યારે મેઇન સવાલ પૂછ્યો કે 'મુકલા, ઇ અનંતભાય માને ખરા ?’

‘આલેલે, દાદા, ઈ મારું કામ ! તમે મારી ભેળા મુંબઈ તો હાલો ? હંધુંય ગોઠવી દંઈ !’

આમ જોવા જાવ તો સાવ ઇમ્પોસિબલ કામ હતું ને ? ક્યાં સુરેન્દ્રનગર પાસેનું નાનકડું ગુંદિયાળા ગામ ને ક્યાં મુંબઈની માયાનગરીના મહારાજાનો રાજકુંવર અનંત ?

છતાં, તમે નહીં માનો, ચોકઠું ગોઠવાઈ ગયું ! મુંબઈની એક મોટી ફાઈવ સ્ટાર હોટલમાં કોઈ કોન્ફરન્સના નામે અનંતભાઈ આવ્યા હશે, ત્યાં આપણો ગુંદિયાળાનો મુકેશ હોટલના ફોયરમા જ હિંમત કરીને અનંતભાઈ પાસે પહોંચી ગયો !

દૂર ઊભેલા નંદુ વૈદ્યરાજ, પરેશ પંજો અને સુરેશ સળેકડી જુએ છે કે હજી એમના મુકલાએ અડધી મિનિટ જ વાત કરી છે ત્યાં તો અનંતભાઈએ દૂર ઊભેલા એમના એક માણસ તરફ ઈશારો કરીને કાંઈક કીધું અને હાલતા થયા !

અનંતભાઈ ગયા કે તરત વૈદ્યરાજ સાથે આપણા બે મિડીયા સહાયકો દોડી આવ્યા ! પૂછે છે : ‘સુ થ્યું ? સું કીધું અનંતભાયે?’

મુંબઈવાળા મુકેશે કહ્યું ‘એમના ખાસ માણહ હાર્યે વાત કરવાનું કીધું છે. હાલો ચારેય જણાં !’

એ ટોળકીએ મળીને પેલા ભાઈને સઘળી વાત કરી, સૂટવાળા એ સજ્જને કહ્યું ‘તુમ એક કામ કરો. પહલે એક ડેમો દિખા દો.’

‘ડેમો અટલે ?’ એવું વૈદ્યરાજે પૂછે એ પહેલાં પેલાએ ચોખવટ કરી ‘હમ યહાં સે એક આદમી કો ભેજતે હૈં, પહલે ઉસ કા વેઈટ કમ કર કે દિખાઓ… બાદ મેં દેખેંગે.’

‘હાહા ? ઇમાં સું મોટી વાત છે ?’ એમ કરીને આપણા વૈદ્યરાજજીએ ચેલેન્જ સ્વીકારી લીધી. અને પછી ખરેખરી થઈ…

મુંબઈથી પાછી આવતી ટ્રેનમાં જેને સાથે લઈ આવ્યા હતા એ નમૂનો અનંતભાઈની કાયાને પણ નાની કહેવડાવે એવો હતો. એ વારંવાર બોલ્યા કરતો હતો. ‘દેખો ભઈયા, હમ તો મથુરા કે ચૌબે હૈ ! દસ બીસ કિલો લડ્ડુ તો ઐસે હી નાશ્તે મેં ચબા લેતે હૈં ! ઔર દુઈ ચાર પતીલા ભર કે રબડી તો હમ સુબહ સુબહ ઉઠકર દૂધ કી જગહ ગટક જાતે હૈં !’

મથુરાના એ ચૌબેલાલને આપણા ગુંદિયાણા ગામમાં લાવવામાં જ હજારેક રૂપિયાનાં ‘નાસ્તા-પાણી’ થઈ ગયાં ! હવે અહીં આવ્યા પછી શરૂ થવાનો હતો વૈદ્યરાજનો પ્રયોગ…

વૈદ્ય નંદુદાદાનો વિચાર હતા કે ચૌબેલાલના ચરબીના વાટા ઉતારવાની શરૂઆત ‘લાંઘણ’ યાને કે ઉપવાસથી થાય. જો દરદી નકોરડા ઉપવાસથી ઘાંઘો થઈ જાય તો એ મગનું પાણી પીવરાવવું. એ સિવાય શું શું ઉપચારો કરવા તે શોધી રાખવા માટે વૈદ્યરાજે આખી રાત જાગીને ચોપડા વાંચ્યા. પણ સવારે…

‘દેખિયે, હમ આજ તો બહુત થક ગયે હૈ.. આપકા ઉપચાર કલ સે સુરુ કરેંગે. બસ, આજ થોડા હલવા પુરી હોઈ જાય…’

બીજા દિવસે એણે નવું બહાનું કાઢ્યું, ‘આ જ તો દદ્દુજી મંગલવાર હૈ, ઔર મંગલ તો હમરે ગજાનન ગણપતિજી કા વાર હૈ ! આજ હમ પેટભર લડ્ડુ ખાયેંગે… કલ સે આપ કા ઉપચાર ! ઠીક હૈ ?’

ત્રીજા દિવસે વળી ત્રીજું તૂત કાઢ્યું. ‘દદુવા, હમરે મથુરા કે પૈંડે કી બડી યાદ સતાઈ રહી.. આજ જી ભર કે પેંડા ખા લેં ? કલ સે જો હૈ…’

આમ કરીને એ ચોબો અઠવાડિયા લગી રોજ કંઈનું કંઈ બહાનું કાઢીને જાતભાતની વાનગીઓનો જલસો કરતો રહ્યો ! આખરે દસમે દહાડે વૈદ્યરાજને ભાન થયું કે આ માણસનું પેટ ભરવામાં તો દુકાનનો ગલ્લો ખાલી થવા આવ્યો !

એ સાંજે નંદુકાકાએ કડકાઈથી કહી દીધું ‘અબી બોત હુવા હોં ? તુમ કો ઈધર હમ ભૂખા રખને કો લાયે થે, ઔર તુમ તો ખાખા જ કરતે હો. કલ સે સુકી રોટલી બી નંઈ મિલેગી, હા !’

અને બીજા દિવસે ખરેખર ચમત્કાર થયો ! નંદુકાકા સવારે ઉઠીને જુએ છે તો ચૌબેજીનો ખાટલો ખાલી છે, ઘરનાં કમાડ ખુલ્લાં છે, દુકાનનું શટર પણ ઉઘાડું છે અને ગલ્લામાં પડેલી પાંચેક હજારની રકમ ગાયબ છે !

હવે એ ચૌબાની ફરિયાદ પણ શી રીતે કરવી ? કેમકે આપણા પરેશ-સુરેશે એ જાડિયાનો ‘બિફોર’વાળો વિડીયો પણ ઉતાર્યો નહોતો !

પાછળથી જાણવા મળેલું કે પેલા મુંબઈવાળા મુકેશ અને આ ચૌબેજીની કંઈ અંદરની સાંઠગાંઠ હતી. બોલો.

(કિસ્સાનું કથાબીજ મોકલનાર : રાજેન્દ્રભાઈ સુથાર – સુરેન્દ્રનગર)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.

ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો.
E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment