કાંઈ સમજાણું નહીં !

પહેલગામમાં થયેલા આતંકવાદી હૂમલા પછી ટીવી ચેનલોથી માંડીને પાનના ગલ્લા સુધી ઠેર ઠેર ‘ડિફેન્સ એક્સ્પર્ટો’ અને ‘ઇન્ટરનેશનલ જિયો-પોલિટીક્સ’ના પંડીતો ફૂટી નીકળ્યા છે ! જોકે અમુક વાતો અમને તો બમ્પર જ જાય છે…

*** 

જે ઠેકાણે છેલ્લા બે મહિનાથી રોજના સેંકડો ટુરિસ્ટો જઈ રહ્યા હતા એની સ્થાનિક પોલીસ કે આર્મીને ખબર જ નહોતી ?

… કાંઈ હમજાણું નહીં !

*** 

‘પાકિસ્તાનને પાણીનું ટીપું ય નહીં મળે’ એવું કહેનારા નેતાએ શું પાણી રોકવાના ડેમો અને કેનાલો બેન્કના લોકરમાં સંતાડીને રાખી મુક્યાં છે ?

… કાંઈ હમજાણું નહીં !

*** 

રાજ્યભરમાં ૧૧૦૦૦થી વધુ અસામાજિક તત્ત્વોની યાદી બનાવીને મહિના લગી મુકી રાખી, અને હવે ૧૦૦૦ જેટલા બાંગ્લાદેશીને રાતોરાત ‘ઓળખી’ પણ કાઢ્યા ? અને ‘ડિટેઇન’ પણ કરી લીધા ?

… કાંઈ હમજાણું નહીં !

*** 

ચીની માલનો બહિષ્કાર કરવાની વાતો કરનારા લોકો આજકાલ ‘ધર્મ પૂછીને જ ખરીદો’ એવા મેસેજો મોકલવા લાગ્યા છે ! બોલો.

… કાંઈ હમજાણું નહીં !

*** 

જ્યારે યુદ્ધની સ્થિતિ નહોતી ત્યારે ફારુખ અબ્દુલલા બોલેલા કે ‘પાકિસ્તાનને ચુડીયાં નહીં પહન રખી હૈં…’ અને અત્યારે યુદ્ધની નોબત વાગી છે ત્યારે શરદ પવાર બોલ્યા છે કે ‘પાકિસ્તાન ચૂપ નહીં બેસી રહે…’

… કાંઈ હમજાણું નહીં !

*** 

જે ઔવેસી કહેતા હતા કે ‘મોદી ક્યા કર લેગા ?’ એ જ ઔવેસી તેલંગાણાના સીએમની પડખે ઊભા રહીને કહી રહ્યા છે કે ‘પાકિસ્તાનના ટુકડા કરી નાંખો ! પીઓકે ભારતમાં લઈ લો!’

… આમાં તો કાંઈ હમજાણું નહીં !

*** 

અને ભાજપ, કોંગ્રેસ તથા દેશના તમામ પક્ષો કહી રહ્યા છે કે ‘ભારતમાં ધર્મને નામે ઉશ્કેરણી નહીં થવા દઈએ !’

ઓહો ? રીયલી ?

.. આ તો સાવ બમ્પર ગયું, બાપલ્યા !

***

- મન્નુ શેખચલ્લી

Comments