એક બાજુ આઈપીએલમાં ચોગ્ગા છગ્ગા જોવા માટે ટોળેટોળાં ઉમટે છે, તો બીજી તરફ ધોમધખતા તડકામાં મજુરી કરનારની કોઈને પરવા નથી અને ત્રીજી તરફ સાંસદો જાતે જ પોતાના પગારમાં ૨૪ ટકા વધારો કરી લે છે !
આવે વખતે એક ફેમસ ગુજરાતી શેર યાદ આવે છે કે
‘રોજ લંબાયા કરે છે,
ને લાજ પણ રાખે છે…
ભરસભામાં દ્રૌપદીનાં ચીર
જેવું જીવન લાગે છે !’
આજકાલ બની રહેલી ઘટનાઓને જોતાં નવા શેર ઉમેરવાનું મન થાય છે…
***
ધીમી બળે છે, ને
વધુ લિજ્જત આપે છે
કોમી સમસ્યા હોલવાય શેની ?
અહીં સૌની ખિચડી પાકે છે !
***
જજ સાહેબની હોળીનું
જરૂર મળશે કારણ
ધૂમાડાની તલાશમાં
ચોકીદારો રોજ જાગે છે !
***
પાંચ, સાત કે નવ ?
કેટલાં મીંડા આવે છે ?
નિત નવાં કૌભાંડો
‘ગણિત’ પાકું કરાવે છે !
***
ડિજીટલના જમાનામાં
‘એનાલોગ’ લિગલ છે
‘ચીઝ’ બડી હૈ મસ્ત-મસ્ત
સૌને નચાવે છે !
***
સ્કેમ, કપટ, કરતબ
ધર્મ, કોર્ટ ને દંભ…
એક જ મલ્ટિપ્લેક્સમાં
કેટલી ફિલ્મો ચાલે છે !
***
‘સાવધાની સે ખેલેં
આદત લગ સકતી હૈ’ …
જુગાર હોય કે કેન્સર
ચેતવણી સાથે જ ફાલે છે !
***
ગાળો, અશ્ર્લીલતા, પોર્ન
ટ્રોલ, ધમકી, તોડફોડ..
ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન
કેવું વૈવિધ્ય માણે છે !
***
પણ
દેર નથી, અંધેર નથી
ઠાલી નથી સાવ આશા
સવાર પડવા આવે
ત્યાં જ લાઈટ આવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment