કેટલી જાતના પંડીતો ?!


લો, ટ્રમ્પ સાહેબે ટેરીફ ઉપર ૯૦ દિવસના ‘પોઝ’નું બટન દાબ્યું ત્યાં તો સૂતેલું શેરબજાર ઉછળ્યું ! બિચારા શેરબજારના ‘એક્સપર્ટો’ને સપનું ય નહીં આવ્યું હોય કે ટ્રમ્પ આવું કંઈક કરશે !

આ હિસાબે તો આપણે ત્યાં કેટલી જાતના એક્સ્પર્ટ પંડીતો છે ? નજર નાંખો…

*** 

ટીપ્સ પંડીતો :
શેરબજારમાં શી રીતે રમવું, શું ખરીદવું, ક્યારે વેચવું… એના અવળચંડા ગ્રાફ બતાડીને ટીપ્સ આપનારા પંડીતો પોતે કેમ હર્ષદ મહેતા જેવા કિંગ નથી બની જતા ? સટોડિયાઓ જાણવા માંગે છે…

*** 

મોટિવેશન પંડીતો :
એ જ રીતે સફળતાની ચાવી વડે કરોડપતિ બની જવાના મોટિવેશન સ્પીકરો બિચારા બારે મહિના અને સાતેય દહાડા આવા ક્લાસિસ ચલાવવાને બદલે પોતે કેમ બિલિયોનેર નથી બની શકતા ? લૂઝરો જાણવા માગે છે…

*** 

ક્રિકેટ કોમેન્ટ્રી પંડીતો :
‘શેર કી પહેચાન દહાડ સે હોતી હૈ, હીરે કી પરખ જૌહરી સે હોતી હૈ, મૈદાન પે જો ઉતરા હૈ વો ટાઈગર હૈ, અબ દુશ્મનોં પર ફિરનેવાલા બુલડોઝર હૈ…’

આવાં વખાણ જે ખેલાડીનાં થાય છે એ ખેલાડી બીજા જ બોલે લોલિપોપ જેવો કેચ આપીને હાલતો થાય છે ત્યારે પેલા કોમેન્ટેટરનું ડાચું કેમ બતાડતા નથી ? જનતા જાણવા માગે છે…

*** 

પોલમપોલ પંડીત :
દરેકે દરેક ચૂંટણીના એક્ઝિટ પોલની ચર્ચા કરતી વખતે જે સૂટ-બૂટ-ટાઈવાળા એક્સ્પર્ટો સિરીયસ ડાચાં રાખીને રિઝલ્ટની આગાહી કરે છે તે જ લોકો રિઝલ્ટના બીજા જ દિવસે ‘એવું કેમ થયું’ તે સમજાવવા માટે આવી જાય છે ! એમને જરા જેટલી શરમ કેમ નથી આવતી ? મતદારો જાણવા માગે છે…

*** 

બાંકડા-ગલ્લા પંડીતો :
બાકી બાંકડે બેસીને કે પાનને ગલ્લે ઊભા રહીને ‘હવે હમાસનો સફાયો કરી નાંખવો જોઈએ, પાકિસ્તાનને પતાવી દેવું જોઈએ, બાંગ્લાદેશને બતાડી દેવું જોઈએ ને મોદીને કંઈ આવડતું નથી…’ એવું બોલનારા પંડીતો શુદ્ધ મનોરંજન પુરુ પાડે છે ! લગે રહો બાપલ્યા…

***

- મન્નુ શેખચલ્લી

Comments