લાખ રૂપિયે તોલા સોનું !

‘લ્યો સાંભળો !’ મેં રણઝણસિંહને ખુશખબર સંભળાવ્યા. ‘સોનાનો ભાવ લાખ રૂપિયાને ટચ થઈ ગયો !’

‘મન્નુડા, તારે સોનું ખરીદવું છે ? કે વેચવું છે ?’

અમારો અવાજ ઢીલો થઈ ગયો. ‘ખરીદવાના પૈસા નથી, ને વેચીને જે પૈસા આવે એનું કરવું શું ?’

‘બસ. ઈ જ તારી મોંકાણ છે !’ રણઝણસિંહ હસવા લાગ્યા. અમે કહ્યું :

‘જુઓ, આ વોટસેપમાં મેસેજ ફરે છે કે એક ભાઈએ દસ વરસ પહેલાં ચાર લાખની કાર ખરીદી તી, આજે એની રી-સેલ વેલ્યુ ૫૦ હજારેય નથી. અને એની પત્નીએ દસ વરસ પહેલાં ચાર લાખનું સોનું લીધું તું, એ આજે સોળ લાખનું થઈ ગ્યું !’

‘તો ?’

‘તો ઈ મેસેજ ક્યે છે કે પત્નીને શોપિંગ કરતાં અટકાવો નહીં !’

‘અચ્છા ?’ રણઝણસિંહે ધીમે રહીને પલાંઠી વાળતાં પૂછ્યું. ‘ઇ પત્નીને પૂછી જો, કે છેલ્લાં દહ વરહમાં ઇનાં ઘરેણાં કેટલા દિ માટે વાપરવા કાઈઢા તાં ?’

‘એ તો  -’

‘લગ્ન પ્રસંગે… વરહમાં ચાર-પાંચ વાર બરોબર ? બાકી તો ટાઈમ તો ઈ ઘરેણાં બેન્કનાં લોકરમાં જ હઈશે ને ?’

‘હાસ્તો વળી ?’

‘અને હવે ઓલ્યા પતિને પૂછ કે ઈની કાર છેલ્લાં દહ વરહમા કેટલાં વરહ બેન્કનાં લોકરમાં મુકી રાઈખી તી ?’

‘યાર, તમે તો કેવી વાત કરો છો ? કાર તે કંઈ લોકરમાં રાખવાની હોય ? એ તો-’

‘વાપરવાની હોય ને મન્નુડા ? ’ એ હસવા લાગ્યા. ‘તારો મેસેજ ક્યે છે કે પત્નીને શોપિંગ કરતાં નો રોકો ! તો હાંભળ, તારી કાકીએ છેલ્લાં દહ વરહમાં દહ-દહ હજારની દહ સાડીયું ખરીદી છે ! ઈ સાડીયુંની આજે રી-સેલ વેલ્યું કેટલી ?’

‘એ તો -’

‘ઈ છોડ. મારાં જુતાં ત્રણ-ત્રણ વરહ લગી હાલે છે. ને તારી કાકીનાં હજાર હજાર રૂપિયાનાં ચાર જોડી સેન્ડલું એક જ વરહમાં આઉટ-ઓફ-ફેશન થઈ જાય છે ! ઇ સેન્ડલની રી-સેલ વેલ્યું કેટલી ?’

‘પણ તમે -’

‘ગાન્ડા, વસ્તુની વેલ્યુ ઈના વપરાશથી માપવાની હોય ! નંઈ કે ફૂગાવાથી !’

‘પણ સોનું તો મુસીબતમા કામ આવે ને ?’

‘મન્નુડા, તું બિમાર પડીશ ને, તો તારી કાર તને હોસ્પિટલે લઈ જાશે, તારી બૈરીની બંગડીયું નંઈ ! અને તારા ઈલાજ હાટું પહેલાં ઈ તારી એફડી તોડાવશે, ઈની બંગડીયું નંઈ ! હમજ્યો ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments