સોશિયલ મિડીયામાં જોક ચાલી રહી છે કે રોહિત શર્મા અને ધોનીમાં શું ફરક છે ? ફરક એ છે કે રોહિત પહેલા ચાર બોલ રમવા માટે આવે છે અને ધોની છેલ્લા ચાર બોલ માટે આવે છે !
પરંતુ આઈપીએલમાં આવું તો ઘણું ફની-ફની ચાલી રહ્યું છે ! જુઓ..
***
ચેન્નાઈ ટીમના કોચે કહ્યું કે ધોની હવે દસ ઓવર જેટલી બેટિંગ કરી શકે એટલો ફીટ નથી…
બસ, આ સાંભળીને ચેન્નઈની ટીમને એટલું બધું ખોટું લાગ્યું કે છેલ્લી મેચમાં દસ ઓવરમાં જ પાંચ વિકેટો ફેંકી દીધી ! જેથી ધોની બેટિંગમાં આવી શકે…
***
જોકે, ધોની માત્ર બેટવાળી બેટિંગમાં નહીં પરંતુ સટ્ટાવાળી બેટિંગમાં જ ઉતરતો લાગે છે ! કેમકે ધોનીના મેદાનમાં ઉતરતાંની સાથે જ ધોનીના ભક્તો એટલો બધો શોર મચાવે છે કે લાખો મુરખાઓ ચેન્નાઈની જીત પર દાવ લગાડી બેસે છે !
***
ક્યારેક તો મોદી સાહેબની એન્ટ્રી પર જેટલો શોર મચે છે એના કરતાં ધોનીની એન્ટ્રી પર એના ભક્તો વધારે શોર મચાવતા દેખાય છે !
***
અને હા, બંનેના ભક્તો હંમેશા ‘માસ્ટર સ્ટ્રોક’ની જ અપેક્ષા રાખે છે !
***
જોકે ધોની જ્યારે ક્રીઝ પર હોય છે ત્યારે સીન થોડો અલગ હોય છે : લોકોને લાગે છે કે ધોની હવે ચોગ્ગા-છગ્ગા મારશે… હમણાં મેચને પલ્ટી નાંખશે… હમણાં બાજી જીતાડી દેશે… પણ છેવટે કંઈ થતું નથી !
- બિલકુલ એ જ રીતે, જે રીતે ચમચાઓ છેલ્લા પંદર વરસથી રાહ જોયા કરે છે કે રાહુલજી હમણાં મેચ્યોર થઈ જશે… હમણાં મોદીને પછાડી દેશે… પણ છેવટે કંઈ થતું નથી !
***
એમ તો કોહલીનું પણ એવું જ છે, બોલ નાખે છે હેઝલવૂડ, કેચ પકડે છે કૃણાલ પંડ્યા… પણ સૌથી વધારે ઉછળે છે કોહલી !
બિલકુલ એ જ રીતે, જે રીતે રાહુલજી હરિયાણામાં જઇને જલેબી બનાવવાની ફેકટરી ચાલુ કરી દેવાની વાતો કરવા લાગે છે !
***
બસ ‘મનોરંજન’ના મામલે આ વખતે થોડી ગડબડ થઈ ગઈ છે… અહીં સિધ્ધુ હજી બકબક કરે છે પણ ત્યાં સાવ કેજરીવાલજી સાવ ચૂપ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment