આજે અમારી ફેક ન્યુઝ ચેનલમાં માણો બે એવા દેશી ન્યુઝ જેની અસરો ઇન્ટરનેશનલ હોઈ શકે છે ! સાંભળો…
***
મોટી ખબર આવી રહી છે રાજસ્થાનના બિજનૌર શહેરના એક મહોલ્લામાંથી…
તમને જણાવી દઈએ કે આ ખબર સાંભળીને તમે ચોંકી પણ જશો અને હસવું પણ આવી શકે છે.
જો ચોંકવાની વાત કરે તો તમને જાણીને આંચકો લાગશે કે બિજનૌર શહેરમાં એક એવો યજ્ઞ થઈ રહ્યો છે જેની અસર અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી, જી હા… અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી થઈ શકે છે.
એમાં પણ જો હસવાની વાત કરીએ તો આ યજ્ઞમાં બિજનૌરના ધનિક તેમજ બિઝનેસ પરિવારના ૫૧ સભ્યોએ એવી બાધા રાખી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટને ‘સદ્બુદ્ધિ’ આવી જાય !
યજ્ઞવિધિ કરાવનાર પંડિતનું કહેવું છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની ડાગળી પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ચસકી ગઈ હતી. જે આ યજ્ઞની વિધિ સંપન્ન થતાં જ તે ડાગળી ધીમેધીમે પોતાના મૂળ સ્થાને પાછી ફરશે…
જોકે આ ડાગળી કઈ નિશ્ચિત તારીખે પાછી મૂળ સ્થાને ગોઠવાશે તે જણાવવાનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું હતું કે હાલમાં ટ્રમ્પની ડાગળી ઉપર ચીનના જિનપિંગની કમાનની મેલી દૃષ્ટિ પડી રહી છે તેથી નિશ્ચિત તારીખ કહેવી મુશ્કેલ છે.
દરમ્યાનમાં બ્રેકિંગ ન્યુઝમાં હાલમાં જ ખબર આવી છે ! આ જ પ્રકારની ‘સદ્બુદ્ધિ’ માટેનો એક યજ્ઞ હાલમાં જ નિષ્ફળ ગયો છે !! કહેવાય છે કે એક ગુપ્ત સ્થળે યોજાયેલી આ વિધિ મમતા બેનરજીના પરમ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.
***
વધુ એક સનસનીખેજ ખબર આવી રહી છે… મુંબઈની દલાલ સ્ટ્રીટમાંથી…
અમારા મુંબઈના ખાસ ખબરપત્રી જણાવે છે કે અહીંના કેટલાક રોકાણકારોએ ફેસબુક પર એકસામટા હાજર થઈને એવી બાધા રાખી છે કે જો નાસા સુનિતા વિલિયમ્સની જેમ ટ્રમ્પને પણ દોઢ બે વરસ માટે અવકાશયાનમાં બેસાડીને પૃથ્વીથી દૂર કરી દે તો તેઓ અહીંના એક ચોક્કસ આખલાની મૂર્તિ ઉપર સવા લાખ રૂપિયાનો સોનાનો હાર ચડાવશે !
કહેવાય છે કે આ બાધા ૯૦ દિવસમાં પુરી થઈ જશે એવી તેમને શ્રદ્ધા છે !
વધુ મનોરંજન માટે જોતા રહો… અમારી બિલકુલ બોગસ ફેક-ન્યુઝ ચેનલ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment