બહારવાળી ગિફ્ટના બે કિસ્સા !

એક જમાનો હતો જ્યારે ગલ્ફ કંટ્રીઝમાંથી કે ઇંગ્લેન્ડ-કેનેડાથી આપણા દેશીઓ પાછા આવે ત્યારે આપણે એમની આગતા સ્વાગતામાં ઘેલા-ઘેલા થઈ જતા હતા !

જોકે જફા એમને પણ ઓછી નહોતી. એ બિચારાઓ અહીંના તમામ સગાવ્હાલાં માટે કંઈ ને કંઈ ગિફ્ટ લઈને આવતાં. એકાદું સગું ભૂલાઈ જાય કે રહી જાય તો એ સગું રીસાઈ જતું !

ગિફ્ટોમાં પણ ફીક્સ પેટર્ન હતી. જુવાનિયાઓ માટે પેલાં ‘સ્ટ્રેચેબલ’ પેન્ટ પિસ લાવતા ! (બેલબોટમ પેન્ટની ફેશન હતી ને ?) ટીન એજર છોકરીઓ માટે ‘મેકપ કીટ’ આવતી ! (પછી ભલેને મેકપ કરતાં આવડતો જ ના હોય?) એમાંય થોડી લિપસ્ટીકો એકસ્ટ્રા આવતી. 

નાની ટેણકીઓ માટે ‘પરી-ફેશન’નાં ફ્રોક હોય (જે પહેરવાથી પરસેવો થવાની ગેરંટી હોય) નાનાં ટાબરિયાં માટે પ્લાસ્ટિકની પિસ્તોલો, નાનકડી કાર-ટ્રક વગેરે… અને હા, ભાભી, કાકી, માસી વગેરે માટે ‘ઇમ્પોર્ટેડ’ સાડીઓ !

સાલું, પહેલી વાર જાણ્યું ત્યારે તો મને પણ નવાઈ લાગેલી કે યાર, અરબસ્તાનમાં વળી સાડીઓ કોણ પહેરતું હશે ? પણ પછી ખબર પડી કે આ સાડીઓ ‘મેઈડ ઈન ચાઈના’ હતી ! (બોલો, કેવું જબરજસ્ત માર્કેટીંગ કહેવાય, નહીં ? પહેરનારાં બૈરાં ગુજરાતમાં, ખરીદનારા પુરુષો ગલ્ફ કંટ્રીમાં અને સાડીઓ આવે છેક ચાઈનામાંથી !)

આમાં સૌથી વિચિત્ર ગિફ્ટો હતી પેલી ફોરેનની ચોકલેટોની ! એક તો અહીં ગામડા ગામમાં કોઈને ત્યાં ફ્રીજ તો હોય નહીં (અમુકે તો ફ્રીજ જોયું પણ ના હોય) ઉપરથી પેલા ભાઈ અઠવાડીયે દસ દહાડે વારો કાઢીને આપણા ઘરે આવે ત્યારે ચોકલેટો પીગળીને લોચો થઈ ગઈ હોય ! 

એમાં પાછી અમુક ચોકલેટો તો હોય જ ‘બીટર ટેસ્ટ’વાળી ! (જેની આપણા દેશીને ય ખબર ના હોય) એવી ચોકલેટોના રેપર ખોલતાં આંગળાં ખરડાય ! પછી એ આંગળાં ચાટીએ ત્યારે સાલી એ ચોકલેટો કડવી લાગે ! તો આપણે કહીએ કે ‘હહરીની… ગરમીમાં બગડી ગેઈ લાગે !’

એ સિવાય એક અનોખી ગિફ્ટ હતી ‘બ્લડ પ્રેશરનો બેલ્ટ !’ ધજમજેના પીળા પિત્તળનું જાડું સરખું કડું હોય, એની ઉપર શીંગદાણા જેવડી સાઈઝના લાલ લીલા રંગના ‘સ્ટોન’ હોય ! સાલું, એનાથી વડીલનું બ્લડ-પ્રેશર શી રીતે કંટ્રોલમાં રહેતું હશે ? પરંતુ જે ડોસાના હાથમાં એ કડું દેખાય તેનો વટ હતો કેમકે એનો કોઈ સગો ‘બહારવાળો’ છે તેનું આ ચોવીસે કલાક બતાડી શકાય તેવું ‘સર્ટિફીકેટ’ હતું ને ?

આવી ગિફ્ટો લાવનારાઓ બિચારા કેવી મીઠી મુસીબતોમાં ભરાઈ પડતા એના બે કિસ્સા ખરેખર મજેદાર છે.

એક કિસ્સો અમારા ગામનો છે. બિચારો દલસુખ સલાલાહથી પાછો આવ્યો ત્યારે એના ભીમજીકાકા માટે ઓરીજીનલ ‘રાડો’ની મસ્ત ગોલ્ડન કાંડા ઘડિયાળ લઈ આવેલો. હવે આ ઘડિયાળ શો-રૂમમાંથી લેવા જાય તો બહુ મોંઘી પડે એટલે તે ત્યાંના જ કોઈ બીજા મલયાલી કામદાર પાસેથી સેકન્ડમાં ખરીદી લાવેલો.

દલસુખે પોતે કદી જીંદગીમાં ‘રાડો’ પહેરેલી જ નહીં, એટલે એની શી ખબર કે સાલી અંદર એક નાનકડા બટન જેવી બેટરી પણ હોય ?

દલસુખે આવીને ભીમજીકાકાને ‘રાડો’ આપી ત્યારે મરચાં જેવા સ્વભાવવાળા ભીમજીકાકા બોલેલો ‘કેમ પિરા, મારા પર બો’ વ્હાલ આ’ પઈડું ? મારે તો પોયરાં નીં મલે એટલે મારી જમીન વસિયત લખાવી લેવાનો લાગે !’

જોકે દલસુખના પેટમાં એવું કાંઈ હતું જ નહીં, પણ નસીબ જુઓ ! સાલી પેલી ‘રાડો’ દસ જ દિવસમાં બંધ પડી ગઈ ! હવે ભીમજીકાકાને ફાવતું મળી ગયું. ‘તુએ મને ફજેત કરવા (અપમાન કરવા) હારુ જ બગડેલી ઘડિયાલ આપેલી ! મને નીં જોવે, રાખ તારી પાંહે !’

દલસુખે એ ઘડિયાળ ચીખલી ટાઉનમાં ઘડિયાળીને બતાડી પણ જે જમાનામાં ઘડિયાળો ચાવીવાળી આવતી, ત્યાં આ ઘડિયાળની ડબ્બી ખોલ્યા પછી અંદર જે સ્ટીલનું ‘બટન’ દેખાયું તે સાલી, બેટરી હશે એવી લાઈટ ઘડિયાળીને થઈ જ નહીં !

બિચારો દલસુખ જેટલા દિવસ અહીં રહ્યો એટલા દિવસ ભીમજીકાકો એના નામનો ઢંઢેરો પીટતો રહ્યો ‘દલસુખે મને ફજેત કરવા હારુ જ બગેડલી ઘડિયાલ આપી !’

ચાલો, દલસુખે આ પણ સહન કરી લીધું. પરંતુ જ્યારે તેને પાછા જવાનું થયું ત્યારે ભીમજીકાકો અચાનક ઈમોશનલ થઈ ગયો. ‘પોયરા, મેં તને બો’ દુઃખી કીધો… અવે બોઈલું ચાઈલું માફ કરજે ! તું પાછો જતો છે તો મેં તને છેક એરપોર્ટ લગી મુકવા આવા !’

આવું કહીને ભીમજીકાકા દલસુખને મુંબઈ લઈ જતી ટેક્સીમાં બેસી ગયા. પણ જેવા મુંબઈમાં દાખલ થયા કે તરત એમણે પોત પ્રકાશ્યું. ‘દલસુખા, મેં હાંભઈળું છે કે મુંબઈમાં એક ઠેકાણે ફોરેનનો જોઈએ તેવો માલ મલતો છે ! તું જતાં જતાં આ ડોહાનું ભલો કરતો જા… મને નવ્વી રાડો ઘડિયાલ લેઈ આપી જા !’

બિચારા દલસુખે ભીમજીકાકાની જીદ સામે ધરાર ઝુકવું પડ્યું. ફાઉન્ટન એરિયામા પુરા અઢી હજારની રાડો ખરીદીને આપવી પડી. પણ મજા જુઓ ! બે વરસ પછી જ્યારે દલસુખ ફરી સલાલાહથી પાછો આવ્યો એના દસ જ દિવસ પહેલાં પેલી ‘રાડો’ની બેટરી પતી ગઈ !

ભીમજીકાકાનું મહેણું તો માથે ને માથે જ રહ્યું. ‘એની બેનને… મન ફજેત કરવા હારુ જ તું આવી ઘડિયાલ આપી ગેલો !’

***

બીજો કિસ્સો તો આનાથી પણ મજેદાર છે. તમે જોયું હશે કે ‘બહારથી’ આવનારાઓ દરેક ગિફ્ટને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને તેની ઉપર જે તે સગાના નામનું સ્ટીકર લગાડતા હતા, યાદ છે ને ? ગિફ્ટ મોટી હોય તો તેના બોક્સ ઉપર પેલું ‘ચલચલિયું’ કાગળ લપેટીને તેની ઉપર સ્ટીકર મારતા.

હવે ભૂલમાં ને ભૂલમાં એક નામનું સ્ટીકર બીજી ગિફ્ટ ઉપર લાગી જાય તો ? આમાં તો અમારા ભદેલી ગામના દિલીપ સાથે ટ્રેજેડીવાળી કોમેડી થઈ.

દિલીપનો મોટાભાઈ મહેન્દ્ર અહીં કરિયાણાની દુકાન ચલાવે. મામલો એવો હતો કે મોટાભાઈની પત્ની એટલે કે સુનીતાભાભીની નાની બહેન નયના સાથે દિલીપની આંખ લડી ગયેલી. બંનેનું ઈલુ-ઈલુ પણ ચાલુ થઈ ગયેલું. પરંતુ ભાઈ દિલીપ કંઈ કમાણી કરીને ઠરીઠામ થાય તો લગ્નની વાત થાય ને?

બે વરસથી ‘દૂભઈ’ ગયેલો દિલીપ ત્યાંથી આઈએસડી બૂથમાં ચોક્કસ વારે અને ચોક્કસ ટાઈપ ફોન પર નયના સાથે ગલગલિયાં કરાવતી વાતો કરે. એમાં નયનાએ એકવાર પૂછી લીધું ‘મારા હારું તાંથી હું લાવવાના ? કંઈ હારું જ લાવજો. નીં તો મેં રીહાઈ જવા !’

પેલી બાજુ દિલીપે પણ કહી દીધું ‘તું જોયા કરનીં ! તારા હારું એવું કંઈ લાવા કે તું જિંદગીભર યાદ કર હે !’

રોમાન્ટિક મૂડમાં આવી ગયેલા દિલીપે નયના માટે મસ્ત સેક્સી ગુલાબી કલરની ‘લિન્જરી’ (રાત્રે પહેરવા માટેનું ટુંકું અર્ધપારદર્શક વસ્ત્ર) પેક કરાવ્યું. આ ઉપરાંત બીજા સૌ માટે પણ ગિફ્ટો તો લેવાની જ હતી ? તેમાં સુનીતાભાભી માટે એક સરસ ‘મેઇડ ઇન ચાઈના’વાળી સાડી ખરીદેલી. 

બસ, લોચો એ થયો કે બંનેનાં ખોખાં ઉપર જે ચલચલિયાંવાળાં કાગળ લપેટેલા, તેની ઉપર ભૂલથી ખોટાં સ્ટીકરો લાગી ગયાં !

ઘરે આવીને દિયર દિલીપકુમારે ભાભી આગળ વ્હાલા થવા માટે ગિફ્ટનું ખોખું આપતાં કહ્યું ‘ભાભી, આમાં હું છે તે ભાઈને નીં કે’તા ! આ પહેરીને પેલવેલ્લાં મને જ બતલાવજો !’

સુનીતાભાભીએ રૂમમાં જઈને ખોખું ખોલ્યું ! અંદરથી નીકળેલું ગુલાબી વસ્ત્ર જોતાં જ એમનું દિમાગ સુન્ન થઈ ગયું ! ‘તારી જાતનો દિયર મારું ? તારી આ હિંમત ?’

જોકે ભાભીએ એના પતિને કંઈ કહ્યું નહીં પણ દિયર માટેનું આખું વર્તન જ બદલાઈ ગયું ! બિચારા દિલીપને સમજ જ નહોતી પડતી કે ભાભી એને સવારના પહોરમાં ચાદર ખેંચીને ઊંઘમાથી ઉઠાડી મુકે છે ? સાલી, એની જ ચા કેમ સાવ ઠંડી અને ફીક્કી હોય છે ? એની જ થાળીમાં પીરસાયેલી દાળ કેમ ખારી અગ્ગર જેવી લાગતી છે ? એ તો ઠીક, એનાં કપડાં પણ કેમ દસ દસ દહાડા લગી ધોવાતાં નથી ?

દસ દિવસ તો આ જ કન્ફ્યુઝનમાં ગયા. અગિયારમા દિવસે જ્યારે ભાઈ-ભાભી સાથે ભાભીના પિયર જવાનું થયું ત્યારે વળી ભાભી કંઈ ખુશમિજાજમાં દેખાયાં ! દિલીપે લાગ જોઈને એની નયનાને ગિફ્ટનું ખોખું આપતાં આંખ મિચકારીને કીધું  ‘એ પહેરીને મને જ બતલાવજે ! બીજા કોઈને નીં !’

એ સાંજે તીથલના દરિયાકિનારે ફરવા ગયા ત્યારે નયનાએ એ જ સાડી પહેરી તે વારંવાર દિલીપ આગળ લટકા મટકા કરીને પૂછતી રહી ‘મેં કેવી લાગતી છું ? મેં કેવી લાગતી છું ?’ દિલીપ ડફોળની જેમ સામું પૂછતો રહ્યો : ‘પેલું કેવું લાઈગું ?’

આ બધું તો ઠીક, પણ નયનાએ જે સાડી પહેરી હતી તે તો પોતે ભાભી માટે લાવેલો એમ સમજીને દિલીપે ભાભીને સાઈડમાં લઈને નેણ નચાવીને પૂછી નાંખ્યું : ‘ભાભી, મેં તમુંને પે’રવા આપેલી તે તમે નયનાને કેમ આપી દીધી ? તમને મારીવાલી પસંદ નીં પડી ?’

એ જ વખતે સુનીતાભાભીએ બિચારા દિલીપને કચકચાવીને એક લાફો ઠોકી દીધો !

પછી તો શું ! દિલીપે અનેકવાર પોતાનું ચોકઠું નયના સાથે ગોઠવવા માટે વાત ચલાવી જોઈ પણ દર વખતે સુનીતાભાભી જ વાતને તોડી પાડે ! બોલો, તમે જ કહો, આમાં બિચારા દિલીપનો કંઈ વાંક ખરો ?

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Comedy of errors

    ReplyDelete
  2. ધત્ત તેરેકી,ફોરેનવારા પાછા ઇન્ડિયા આવવા નિકળે ત્યારે ગિફ્ટ પર ચોંટાડવાના ચલચલીયા પહેલેથી ચોંટાડી દેવા પડે,પછી જ ગિફ્ટ પેક થાય. સ્વાનુભવ......

    ReplyDelete

Post a Comment