ઉનાળામાં નવાં રાહતકાર્યો !

શું સરકારે માત્ર પુર-રાહતનાં જ પેકેટો વહેંચવાના હોય ? ઉનાળામાં પણ પ્રજાને કેટલો ત્રાસ થતો હોય છે ! આવી આફતમાં સરકારને ‘અવસર’ કેમ નથી દેખાતો ? જેમકે…

*** 

ભીના ટુવાલ કેન્દ્રો :
૩૯થી ૪૨ ડીગ્રી ગરમીમાં જે લોકો સ્કુટર કે બાઈક લઈને ફરે છે એમની ‘સીટ’નો કદી વિચાર કર્યો છે ? વાહનોની સીટ ઢોંસા બનાવી શકાય એટલી ગરમ થઈ જતી હોય છે ! તો વિચારો, એ સીટ ઉપર બેસનારની સીટની કેવી દશા થતી હશે ?

આમાં રાહત મળે એના માટે તમામ ઓફિસ કોમ્પલેક્સો તથા શોપિંગ સેન્ટરોની બહાર ઠંડા પાણીથી બીનાં કરેલાં પોતાં-કેન્દ્રો તૈનાત રાખો !

(જોકે ટુવાલ ઉપર મોદી સાહેબના ફોટા મુકાવવાની ભૂલ કરતા નહીં !)

*** 

છાંયડા મઢુલીઓ :
સરકારે વિકાસના નામે ક્યાંય ઝાડ તો રહેવા જ નથી દીધાં ? તો બિચારા લોકો છાંયડો ક્યાંથી શોધવાના ?

એટલે જ કહીએ છીએ કે જાહેર રસ્તે ઠેર ઠેર નાનાં નાનાં છાપરાવાળી છાંયડા મઢુલીઓ બનાવો. એમાં એકાદ મોટું એર-કુલર પણ મુકાવો ! લોકો ત્યાં ઊભા ઊભા પાન-મસાલા ખાશે, સિગારેટ બીડી ફૂંકશે અને સરકારને આશીર્વાદ આપશે !

(અને હા, કેન્સરની વોર્નિંગ સાથે મોદી સાહેબનો ફોટો બિન્દાસ મુકો ! વાંધો નહીં)

*** 

બરફગોળા વિતરણ કેન્દ્રો :
સેટેલાઈટ જેવા વિસ્તારોમાં લોકો ૨૦૦-૩૦૦ રૂપિયાના બરફગોળા ખાઈને જલસો કરી શકે છે તો ગરીબોનો શું વાંક ?

આ ઉનાળે ગરીબ વિસ્તારોમાં ભુપેન્દ્ર દાદાના હસ્તે સેંકડો બરફગોળા વિતરણ કેન્દ્રો ઊભાં કરો ! પછી ભલેને ગોળામાં માત્ર ‘કેસરી’ રંગનું જ શરબત નાંખતા ?

(પણ હા, ભૂલથી અહીં લોલિપોપના વહેચતા !)

*** 

જીએસટી માફી યોજના :
માત્ર ખેડૂતો અને ઉદ્યોગપતિઓને જ લોન તથા વેરામાં માફી આપવાની ? મધ્યમવર્ગનું પણ વિચારો… એસી, ફ્રીજ, એરકુલર, સિલીંગ ફેન, ટેબલ ફેન વગેરે તમામ સાધનો પર બે મહિના માટે જીએસટી માફ કરી બતાવો, તો ખરા !

(જરા સમજો, બિલ ઉપર મોદી સાહેબના ફોટા લગાડવાનો ચાન્સ છે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments