સમાચાર ઉપર મમરો !

મમરાની મઝા એ છે કે, કોઈપણ વાતમાં મમરો મુકો તો એ ‘ભારે’ નથી લાગતો અને ફૂંક મારો તો ઉડી પણ જાય છે ! જેમકે આજના મમરા…

*** 

સમાચાર :
ઇમરાન ખાનને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ આપવા માટે પ્રસ્તાવ આવ્યો છે.

મમરો :
અગાઉ હાથમાં શકોરું લઈને ભીખ માગવા નીકળ્યા હતા ત્યારે તો કંઈ ના મળ્યું હવે જેલમાં શાંતિથી જીવી શકે એ માટે શકોરામાં કંઈક તો આવશે ?

*** 

સમાચાર :
પાકિસ્તાને ૪૦ લાખ જેટલા અફઘાની નાગરિકોને ૧૦ એપ્રિલ સુધીમાં દેશ છોડી જવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

મમરો :
શાહબાઝ શરીફ આમ તો કદીયે ટ્રમ્પની ટક્કર લઈ શકે તેવા નથી, પણ ફાંકા મારવાની આ કોશિશ સારી છે.

*** 

સમાચાર :
આરેએસએસના આગેવાન રાજુ ભૈયાએ કહ્યું છે કે ઔરંગઝેબની કબરનું આજના સમયમાં કંઈ મહત્વ નથી.

મમરો :
સાચી વાત છે, મહત્વ કબરનું નથી, પરંતુ કબરથી પેદા થતા કોમી વિખવાદનું છે !

*** 

સમાચાર :
રમઝાન ઇદના તહેવારે વહેંચાઈ રહેલી ‘સૌગાત-એ-મોદી’ની ભેટને અમુક લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

મમરો :
એમાં શંકા શું ? મામલો સ્પ્ષ્ટ છે : ‘તુમ્હી ને દર્દ દિયા હૈ, તુમ્હી દવા દેના…’

*** 

સમાચાર :
મલયાલમ ફિલ્મ એલ-ટુ : એમ્પુરાનમાં હિન્દુઓને ખરાબ દર્શાવતા ૧૬ દૃશ્યો કાઢી નાંખવામાં આવશે એવું ફિલ્મના દિગ્દર્શકે કહ્યું છે.

મમરો :
ટુંકમાં એ એમ કહેવા માગે છે કે એ દૃશ્યો નીકળી જાય એ પહેલાં જલ્દી જલ્દી અમારી ફિલ્મ જોવા આવી જાવ !

***

- મન્નુ શેખચલ્લી

Comments