‘એ, હાંભઈળું કે ? જગાભાઈનું રાજદૂત ચોરાઈ ગિયું !’
આ ઘટનાથી અમલસાડના પોલીસ સ્ટેશનમાં માત્ર સનસનાટી જ નહીં, હસવું પણ ફેલાઈ ગયેલું ! કારણ શું ? કારણ કે જગાભાઈ એ જ પોલીસ સ્ટેશનમાં જમાદાર હતા !
‘હહરીનું જમાદારનું બાઈક ચોરાઈ જાય ? ચોરાયું તો ચોરાયું, એની બેનનો ચોર દહ દા’ડા લગી નીં મઈલો ? હારા, પોલીસનાં જ બાઈકડાં ચોરાઈ ચાઈલાં તો આપડાં વણના (લોકોના) સામાનનો હું ભરુહો ? (ભરોસો)’
આવી ચર્ચા ટાઉનમાં ફાટી નીકળેલી. બિચારા જગાભાઈ જમાદાર એમની ડ્યૂટી કરવા માટે (અથવા તો શાક મારકેટમાં મફતનું શાક લેવા માટે) નીકળે ત્યારે લોકો એમની પીઠ પાછળ હસતા થઈ ગયેલા.
ગામમાં તો ઠીક, પોલીસ સ્ટેશનમાં પણ જગાભાઈ જમાદારની ફીરકી લેવાતી હતી કે ‘જગાભાઈ, તમારો હહરો હું કે’તો છે ? એ બીજી બાઈક લેઈ આપવાનો કે ?’
તમને થશે કે આખી વાતમાં જગાભાઈના સસરા ક્યાંથી આવ્યા ? તો વાત એમ હતી કે સાત આઠ વરસ પહેલાં જ્યારે જગાભાઈના લગ્ન થયેલાં ત્યારે સસરાજીએ દહેજમાં ખાસ કંઈ આપેલું નહીં. જમાઈ જગાકુમારને તેનો ખાસ વાંધો પણ નહોતો.
પરંતુ છ મહિના પહેલાં એમના સસરાએ બીજી દીકરી પરણાવી ત્યારે જમાઈ ઇંગ્લાંડવાળો મળી ગયેલો. જમાઈને નહીં, પણ ખાસ તો વેવાઈને રાજી રાખવા માટે સસરાજીએ નવી નક્કોર રાજદૂત બાઈક આપવાનું નક્કી કરેલું !
બસ, આ ખબર જગાકુમારના કાને પડી કે તરત એમની કમાન છટકેલી, એમણે રીતસર ત્રાગું જ કરેલું :
‘મેં બહારવારો નીં મલે એટલે મને ફોહલાવી મુકેલો ! (ફોસલાવી રાખેલો) ને આ ઇંગ્લાંડવારો તો વિમાનમાં બેહીને ઊડી હો જવાનો ! તેને રાજડૂટ આપી લાખવાના ! ને મને કંઈ ની ? મને હો રાજડૂટ આપવા પડહે… નીં આઈપું તો તમારી પોરીના લગનમાં નીં આવા !’
આવી ધમકીથી ગભરાયેલા સસરાજીએ વચન આપેલું કે ‘જગાકુમાર, આ લગન પતી જવા દેવો નીં, તમને હો રાજદૂત આપા !’
પણ એમ કંઈ જુના જમાઈ માને ? એમણે સવાયા ટ્રમ્પ બનીને ધમકી આપેલી કે, ‘લગન પછી-બછી કંઈ ની ! આપવાના હોય તો પેલ્લાં જ આપજો ! નીં તો માંડવામાં જ એવો તાયફો કરી લાખા કે જાન લીલાં તોરણે પાછી જહે ! ભૂલતા નખે કે મેં પોલીસવારો છું !’
બિચારા સસરાજી પણ શું કરે ? એક તો જુનો જમાઈ, ઉપરથી પોલીસવાળો ! ‘હહરીનું બરાબર લગનનાં મૂરતમાં જ કંઈ વઘન પાઈડું તો ?’ એમ વિચારીને સસરાજીએ નવું નક્કોર રાજદૂત મોટરસાઈકલ આપણા જગાભાઈ જમાદારને ઘેરબેઠાં પહોંચાડેલું.
એટલું જ નહીં, જગાભાઈએ જીદ કરીને બાઈકની શુભ નંબર પ્લેટ ‘જીજેડી ૧૦૦૧’ કરાવેલી ! જેથી શુભ પ્રસંગની યાદગીરી રહે.
હવે છ જ મહિનામાં રાજદૂત ચોરાઈ ગયું ! એ પણ કેવી રીતે ? જગાભાઈ જમાદાર અમલસાડમાં એક સલૂનમાં દાઢી કરાવવા બેઠા હતા અને બહાર નીકળીને જુએ છે તો ‘જીજેડી ૧૦૦૧’ ગાયબ !
હવે આ બાઈક ક્યાંથી ક્યાં પહોંચ્યું એની જ આખી મજેદાર કહાણી છે… જમાદારજી સલુનમાં બેસીને ચકાચક દાઢી કરાવી લીધા બાદ માથામાં માલિશ કરાવી રહ્યા હતા તે દરમ્યાન સ્ટેન્ડ ઉપર મુકેલા રાજદૂતમાં ચાવી ખોસેલી જ હતી.
આવા ‘આંકડે મધ’ જેવા માલ ઉપર જેની નજર પડી એનું નામ રવલો રંગીલો. એ અત્યાર સુધી નાનીમોટી ચોરીઓ કરી ખાતો હતો, છતાં હજી સુધી પોલીસના હાથે ઝડપાયો નહોતો. રવલો રંગીલો ચોરીના માલમાંથી જે રંગીન મોજશોખ કરે એમાં એક ખાસ શોખ એ હતો કે ‘દર વખતે મોંઘા ભાવના મસ્ત કાપડનું ઊંચા કોલરવાળું રંગબિરંગી ડિઝાઈનવાળું શર્ટ સીવડાવવાનું !’
હવે સાલું એ જ શર્ટ એને નડ્યું ! શી રીતે ?
તો બન્યું એવું કે બાઈક ઉઠાવી લીધા પછી તે બજારમાંથી હાઈવે બાજુ જતો હતો ત્યાં એક ટ્રેક્ટર એના ટ્રેલરમાં શેરડીના સાંઠા ભરીને ઠચૂક ઠચૂક કરતું આગળ જઈ રહ્યું હતું… ટ્રેલરનો નકૂચો હશે ઢીલો એટલે એ મારું બેટું ઘડીકમાં ડાબે તો ઘડીકમાં જમણે ફંગોળાતું જાય ! આમાં ને આમાં રવલા છીબાને ઓવરટેક કરવામાં નડતું હતું.
આખરે ચીડાઈ ગયેલા રવલાને જે ઘડીએ ઓવરટેક કરવાનો લાગ મળ્યો એ જ ઘડીએ ટ્રકના ડ્રાયવરે મોંમા ભરેલા પાન-મસાલાની પિચકારી મારી ! જે સીધી જઈને પડી રવલા રંગીલાના રંગબિરંગી શર્ટ ઉપર !
‘તારી તે બેનનુ ટ્રેકટર મારું ! ઊભો રે !’ એમ કરીને રવલાએ બાઈકને ટ્રેકટરની સામું ઘુમરી ખવડાવીને ઊભું રાખ્યું. અને ઉતરતાંની સાથે જ ટ્રેકટરના ડ્રાયવરનો કોલર ઝાલીને નીચે પછાડ્યો ! એને ઝૂડવા જ માંડ્યો…
આ ધમાચકડી જોવા ટોળું ભેગું થયું. રવલાની એક જ જીદ હતી ‘મારે ધજમજેનું શર્ટ તેં બગાડી લાઈખું ! તું નુકસાનીના પૈહા લાવ ! પાંન્સે રૂપિયાથી ઓછું કંઈ નીં ચાલહે…’
આ બધો તમાશો ચાલી રહ્યો હતો એ દરમ્યાન કોઈ બીજો જ કલાકાર કળા કરી ગયો… રવલા રંગીલાએ ચોરેલું બાઈક ચાવી સાથે રોડની સાઈડમાં જ પડ્યું હતું, તેને ધીમે રહીને સ્ટેન્ડ પરથી ઉતારીને એ કલાકાર રફૂચક્કર થઈ ગયો !
આ બાજુ ૫૦૦ના બદલે છેવટે ૨૦૦ રૂપિયા લીધા પછી રવલો રંગીલો વિખરાઈ રહેલી ભીડમાંથી જુએ છે તો પેલું ‘જીજેડી ૧૦૦૧’ ગાયબ છે !
હવે ? એ ચોર પોતે ચોરીની ફરિયાદ લખાવવા ક્યાં જાય ? એ તો પિચકારીથી રંગાયેલા શર્ટમાં ૨૦૦ રૂપિયા ખોસીને ચાલતો થયો, પણ આ બાજુ જગા જમાદારની બાઈકનું શું થયું ?
તો, કહાણીના આ પેલા મહેમાન કલાકાર, જેનું આપણે નામ-ઠામ પણ જાણતા નથી. એ ભાઈ બાઈક લઈને પહોંચ્યા નવસારી. ત્યાં એક મિકેનિકને જઈને કહે છે:
‘ભાઈ, મારી માંયને અંઈ હોસ્પિટલમાં દાખલ કરેલી છે, ઓપરેશન માટે ડોક્ટર પાંચ હજાર માંગતો છે… મારી ઉપર દયા કરોનીં, આ બાઈક લેઈ લેવોનીં, ગાડીનાં પેપર તમુંને બે-ચાર દા’ડામાં આપી જવા…’
એ જમાનામાં નવી નક્કોર રાજદૂત બાઈક આઠ-નવ હજારમાં મળતી હતી. મિકેનિકે હા-ના કરતાં ૪૫૦૦ રૂપિયામાં સોદો કરીને પેલી શુકનવંતી ‘જીજેડી ૧૦૦૧’ પોતાની પાસે રાખી લીધી. હવે એ કેટલી બધી શુકનવંતી હતી એ પણ જુઓ..
થયું એવું કે નવસારી પોલીસ સ્ટેશનમાં એક નવાસવા જુવાન સબ-ઇન્સ્પેક્ટર પ્રમોશન મેળવીને ઇન્સ્પેક્ટર તરીકે જોડાયેલા. આ ઇન્સ્પેક્ટરને પોતાનું જુનું બજાજ સ્કુટર કાઢી નાંખીને નવું રાજદૂત લેવાની ઇચ્છા હતી. ને –
તમે સમજી ગયા ને ? ઇન્સ્પેક્ટર ગામીત સાહેબનો ભેટો આ મિકેનિક સાથે થયો અને સામસામો સોદો પડી ગયો ! બસ. પેલી ‘શુકનવંતી’નાં પેપર્સ બાકી રહ્યાં…
પણ એ તો આવે જ ક્યાંથી ? કેમકે આ બાજુ અમલસાડમાં જમાદાર જગાભાઈની રોજ ફિરકી લેવાતી હતી ! ‘ઓ જમાદાર સાયેબ, ચોરીની કંપલેન તો લખાવવા પડહે કેનીં ? હહરીની કંપલેન વગર તો અમે લોકો હો કેમ કરીને એકસન લેવાના !’
છેવટે ના છૂટકે, શરમના માર્યા, નહીં પણ મશ્કરીના માર્યા જમાદાર જગાભાઈએ ફરિયાદ નોંધાવવી પડી. રોજ પોલીસ સ્ટેશનમાં તો મજાક થતી જ હતી પણ હવે તો ઘરમાં પત્ની પણ જીવ ખાતી હતી.
‘તમુંને મારા બાપુજીના જ નિહાપા (નિસાસા) લાઈગા ! એવા તે હું ભમરી કવાના થયેલા ? (ગુમાન કરવાના થયા હતા) બો’જોર ઓ’તે તો પોતાની કમાણીમાંથી બાઈક લાવીં બતલાવતે નીં ? આ જ લાગના ઉ’તા તમે !’
આમ બંને બાજુથી દાઝેલા જમાદાર જગુભાઈની ખોપરી હંમેશાં તપેલી જ રહેતી હતી. ‘હહરીનો આ ચોર જાં લગી પકડાહે નીં, તાં લગી આ દુનિયાં મને હખેથી (સુખેથી) જીવવા નીં દેહે !’
આમાંને આમાં એક દિવસ જ્યારે તે વીકલી-ઓફ (અઠવાડિક રજા)માં ઘરે હતા અને શાકપાંદડું લઈને પાછા આવી રહ્યા હતા ત્યાં જ ફળિયાં એક ઘરની બહાર એમની નજર એક રાજદૂત ઉપર પડી ! એની નંબર પ્લેટ હતી ‘જીજેડી ૧૦૦૧’ !
જગાભાઈની આંખો ચમકી ઊઠી ! આખરે ચોર હાથમાં આવ્યો ખરો ! થોડીવારમાં એ ઘરમાંથી એક જુવાન માણસ એક વડીલ સાથે બહાર નીકળીને બાઈક સ્ટાર્ટ કરવા જાય છે ત્યાં જ જગાભાઈએ પીઠ પાછળથી એનો કોલર પકડ્યો :
‘તારી જાતનો ચોર મારું ! તને તો કેટલા વખતથી હોધતો ઉતો ! લાવ મારા બાઈકની ચાવી !’
ત્યાંતો સામેથી એટલો જ કડક અવાજ આવ્યો. ‘ઓ ભાઈ ! ચોર કોને કહેતો છે ? મેં ઇન્સ્પેક્ટર છું ! ઇન્સ્પેક્ટર ગામીત !’
‘કેવો ઇન્સ્પેક્ટર, ને કેવો ગામીત ? તારી તે જાતનો ચોર મારું… મને જાણતો છે કે ? મેં જમાદાર છું ! જમાદાર જગાભાઈ !’ એમ કરીને જગાભાઈએ તો ઇન્સ્પેક્ટર ગામીતને બે ચાર ઠોકી જ દીધી !
અચાનક થઈ રહેલી આ તડાફડી જોઈને પેલા ઘરમાંથી વડીલો, વહુઓ, દીકરાઓ દોડી આવ્યા ! જગાભાઈને જોતાં જ એક ભાઈ બોલી ઉઠ્યા : ‘જમદાર સાહેબ, હું થિયુ ?’
જમાદાર જગાભાઈએ રૂઆબભેર કહ્યું ‘મારી બાઈકનો ચોર પકડાઈ ગિયો છે, કાકા !’
કાકાએ તરત ફોડ પાડ્યો. ‘અરે, એ તો ઇન્સ્પેક્ટર છે ! અમારે તાં પોરી જોવા આવેલા ! અમારા જમાઈ થવાના !’
લો બોલો, આવું થયું ! જમાદાર જગાભાઈના શુકનવંતા રાજદૂતના શુકનવંતા નવા અસવાર અમલસાડ ગામના ભાવિ જમાઈ નીકળ્યા ! અને ચોરનો તો પત્તો જ નહોતો.
છેવટે પોલીસ સ્ટેશનમાં, ફળિયામાં, અને જ્ઞાતિમાં સૌનું સન્માન જળવાઈ રહે એ ખાતર જગાભાઈએ પેલી શુકનવંતી ‘જીજેડી ૧૦૦૧’નાં પેપર્સ નવા જમાઈને નામે ટ્રાન્સફર કરી આપવા પડ્યાં !
હા, પેલો રવલા રંગીલાનો કલર કરી જનારો કલાકાર કદી પકડાયો નહીં…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
ઓત્તારીની, આ તો લે ને ગઈ પૂત્ત ઔર ખો આઇ ખસમ ! જગાભાઇની તો જમાદારી ની ફજ્જેતી થૈ ગેય! 🥨🥨
ReplyDelete