ટ્રમ્પે દુનિયામાં ટેરિફ-વોર છેડીને ધડબડાટી મચાવી દીધી છે. આ આખી પરિસ્થિતિને કાર્ટૂનો વડે જોઈએ તો જ એમાં મજા છે…
***
નીચે પાણીનો ધસમસતો પ્રવાહ છે. ઉપર ઊંચી ટેકરી પરથી ટ્રમ્પે ‘અમેરિકા’ લખેલી બોટમાં બેસીને નીચે ઝંપલાવી દીધું છે… ઉપરથી એ છાતી કાઢીને કહે છે :
‘મારી કોઈ સ્ટ્રેટેજી નથી ! હું તો અંતઃસ્ફૂરણથી નિર્ણયો લઉં છું!’
***
ટ્રમ્પ સરકસના જોકરની જેમ ગુલાંટો મારી રહ્યા છે. દરેક ગુલાંટ વખતે હાથમાં નવાં નવાં પાટિયાં છે… ૩૪ ટકા ટેરીફ…. ૧૦૦ ટકા… ૧૨૪ ટકા… ઇલેક્ટ્રોનિક્સ બાકાત… ૧૪૪ ટકા…
સામે રીંગ માસ્ટરના વેશમાં ઊભેલા જિન-પિંગ શાંતિથી કહે છે : ‘તું છેલ્લી ગુલાંટ મારી લે, પછી વાત કરીશું !’
***
બ્રેકિંગ ન્યુઝ : ‘અમેરિકામાં દેશની અંદર જ ઉત્પાદન શરૂ થયું…’
નીચેના દ્રશ્યમાં દેખાય છે કે એસેમ્બલી લાઈનમાં ટ્રમ્પ અને મસ્ક ઊભા છે અને એસેમ્બલીના પટ્ટા ઉપર સતત મોટા મોટા બે જ અક્ષરો સરકી રહ્યા છે :
‘જુ…. ઠ… જુ… ઠ… જુ… ઠ…’
***
હોલીવૂડના સ્ટુડિયોનું દ્રશ્ય છે. ટ્રમ્પ કેમેરા સામે બેઠા છે. એની સામે જે ‘ક્લેપ’ છે તેના પર લખ્યું છે :
‘રિ-ટેક નંબર - ૧૩૪’
ડીરેક્ટર પૂછી રહ્યો છે : ‘સર, ટેરીફવાળા ડાયલોગના હજી કેટલા રી-ટેક થવાના બાકી છે ?’
***
ટ્રમ્પ ગુસ્સામાં કહે છે : ‘હું હાર્વર્ડ યુનિવર્સિટીનું ફંડ બંધ કરી દઈશ !’
સામે હાર્વર્ડના સ્ટુડન્ટો અને પ્રોફેસરો મુઠ્ઠી ઉગામીને કહે છે : ‘નહીં કરી શકો ! કેમકે અમારી પાસે ભારતની જેએનયુમાં તૈયાર કરેલો સિલેબસ છે !’
***
અંધારામાં ઊભેલું અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એક હાથમાં ડિક્શનેરી લઈને બીજા હાથ વડે મશાલ ધરીને શોધી રહ્યું છે :
‘આમાંથી ‘લિબર્ટી’ શબ્દ ક્યાં જતો રહ્યો ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment