ઉનાળામાં મેરેજના ત્રાસ !

એક બાજુ મારફાડ ગરમીવાળો ઉનાળો શરૂ થયો છે, તો બીજી બાજુ નવો લગ્નગાળો પણ ચાલુ થયો છે ! આમાં સૌની જે હાલત થાય છે, ભૈશાબ…

*** 

એક તો સખત ગરમીને કારણે આપણે સતત ઠંડા પાણીના બાટલા પીધા કરીએ છીએ…

… એટલે જ્યારે જમવાનો ટાઈમ થાય ત્યારે પેટ ઓલરેડી ભરેલું જ હોય છે !

*** 

પેલો વરરાજા એસીવાળી કારમાં શાંતિથી નાળિયેર પકડીને બેઠો હોય છે…

… અને જાનૈયાઓને નાચ્યા વિના જ પરસેવો છૂટતા રહે છે !

*** 

જોકે પછી એનું સાટું વળી જાય છે. કેમકે મંડપમાં જાનૈયાઓ કુલરો અને પંખાઓની આજુબાજુ બેઠા હોય છે…

અને વરરાજા ગરમાગરમ યજ્ઞની વેદી સામે બેઠો હોય છે !

*** 

નવાઈની વાત એ છે કે જે મહિલાઓને શિયાળાનાં લગ્નોમાં બેકલેસ અને સ્લીવલેસ બ્લાઉઝો પહેરવા છતાં ‘ઠંડી’ નથી લાગતી…

… એ જ મહિલાઓને ઉનાળામાં ચળકતાં ગોલ્ડન-સિલ્વર ભરતકામવાળાં બ્લાઉઝો અને પંદર પંદર કિલોના વજનદાર ચણિયા પહેરવા છતાં ‘ગરમી’ નથી લાગતી ! બોલો.

(ભારતીય નારી કો કમ મત સમજના.)

*** 

તમે ખાસ માર્ક કરજો, વડીલોના રૂમાલો પરસેવો લૂછી લૂછીને ભીનાં પોતાં જેવાં બની જાય છે…

… પણ આન્ટીઓ પોતાની સાડીના પાલવ વડે મોં ઉપર પંખો નાંખ્યા કરશે, પણ પોતાનો રૂમાલ હરગિઝ નહીં વાપરે !

*** 

કેટરીંગવાળા બહુ ચાલાકી કરે છે. એ લોકો ફાલતુ વેલકમ ડ્રીંક વારંવાર ફેરવ્યા કરશે…

… પણ આઇસ્ક્રીમનું કાઉન્ટર છેક ખૂણામાં કોઈને દેખાય નહીં એ રીતે જ રાખશે !

*** 

બાકી, કેરીનો રસ ઠંડો રાખવા જેટલો બરફ દિવસે વપરાય છે…

…. એટલો જ બરફ રાત્રે બેઠકના ગ્લાસમાં પડી જતો હોય છે ! જલસા કરો…

***

- મન્નુ શેખચલ્લી

Comments