રણઝણસિંહનું કોંગ્રેસ અધિવેશન !

‘જોયું ? અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન યોજાઈ ગયું ! હિંમત કહેવાય નહીં ?’

અમે રણઝણસિંહના ઘરમાં પ્રવેશતાં જ આ ખુશખબરી આપી. રણઝણસિંહ મૂછમાં હસ્યા :

‘હાસ્તો ? હિંમત તો કે’વાય જ ને ? આવી બેંતાળી ડીગ્રીની ગરમીમાં જ્યાં મફતમાં લાડવા વહેંચાતા હોય ઈ યે કોઈ લેવા નો જાય ન્યાં આટલા બધા કોંગ્રેસીઓને ભેગા કરવા ઈ કંઈ જેવું તેવું કામ છે ?’

‘પણ બિચારા પી. ચિદમ્બરમ્‌ને ગરમીથી મૂર્છા આવી ગઈ.’

‘મૂર્છામાં તો આખી કોંગરેસ છે મન્નુડા ! એમને હજી હમજાતું નથી કે હરિયાણા, દિલ્હીને મહારાષ્ટ્રમાં શું થઈ ગ્યું.’

‘પણ જે હોય તે, રાહુલજી સાચું બોલવામાં શરમ રાખતા નથી. એ ચોખ્ખે ચોખ્ખું બોલ્યા કે કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને વરઘોડામાં મુકે છે ને વરઘોડાના ઘોડાને રેસમાં ઉતારે છે.’

‘વાત તો હાચી… પણ મને ઈ કિયે મન્નુડા, કે રાહુલજી આંયાં ગુજરાતમાં તો વરઘોડો લઈને જ આવ્યા ’તા ને ? હમણાં તો કોઈ રેસ હતી જ નંઈ ! તો એમની હાર્યે હાર્યે જે આઈવા ઇ કિયા ઘોડા હતા ?’

‘તમે પ્રભુ, બવ અઘરા સવાલો પૂછો છો.’ અમે વાતને વાળી દેતાં કહ્યું, ‘જુવો, કોંગ્રેસે એક સારું કામ એ કર્યું કે સરદાર વલ્લભભાઈને યાદ કર્યા. કહ્યું કે નહેરુ અને સરદાર એક જ સિક્કાની બે બાજુ હતા.’

‘અચ્છા ? તો સરદાર કઈ બાજુ હતા ? કિંગ બાજુ કે ક્રોસ બાજુ ?’ રણઝણસિંહ હસ્યા. ‘મન્નુજી, આમાં તો કોંગ્રેસની ટ્યુબલાઈટ ઉઘાડી પડી ગઈ.’

‘ટ્યુબલાઈટ ?’

‘હાસ્તો ? આંયાં ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ઉપર વલ્લભભાઈની વર્લ્ડ રેકોર્ડ પ્રતિમા બની ગઈ ઈ વાતને યે વરસો થ્યાં, ને છેક હવે સરદારની યાદ આઈવી ?’

‘વડીલ, તમને તો કોંગ્રેસનો જ વાંક દેખાય છે, પણ શશી થરૂર બોલ્યા કે હવે ભૂતકાળમાં રાચવાને બદલે ભવિષ્ય તરફ નજર રાખવાની છે.’

‘હા, તે રાખવી જ પડશે ને ? પ્રિયંકા ગાંધીના સંતાનો હવે મોટાં થઈ રહ્યાં છે ! ઈ જ તો છે કોંગ્રેસનું અસલી ભવિષ્ય !’

***

- મન્નુ શેખચલ્લી

Comments