માનવા જેવાં એપ્રિલ ફૂલ !

લોકોને ઉલ્લુ બનાવવાના પ્રયોગો માત્ર પહેલી એપ્રિલ જ થાય છે એવું નથી. ‘દરેકના ખાતામાં ૧૫ લાખ આવશે’ ‘ખેડૂતોની આવક બમણી થઈ જશે’ ‘ખટાખટ… ખટાખટ…’ ‘ગરીબી હટાવો’… આ બધામાં લોકો ઉલ્લુ બન્યા જ છે ને ? વરસો સુધી…

જોકે આવનારા દિવસોમાં નાનાં-મોટાં એપ્રિલ-ફૂલ એવાં પણ હશે કે માની લેવાનું મન થઈ જશે ! કારણ કે…

*** 

નકલી યુનિવર્સિટીની નકલી ડીગ્રીઓ અથવા અસલી યુનિવર્સિટીની નકલી ડીગ્રીઓ હવે માન્ય ગણાશે !

(કેમ, મોદીજી, રાહુલજી અને રાજીવજીની ડિગ્રીઓ માન્ય જ ગણાય છે ને !)

*** 

કોઈ ગમે એટલો મોટો કૌભાંડી હોય છતાં એને માનભેર ડોક્ટરેટની ડીગ્રી એનાયત થઈ શકશે !

(કેમ, લાલુ યાદવને આઈઆઈએમે ડીગ્રી આપી જ હતી ને !)

*** 

હવે ‘ભક્ત’ હોવાનાં ઓરીજીનલ સર્ટીફીકેટો મળે કે ના મળે પરંતુ એમને કરવેરામાં મોટી રાહત જરૂર આપવામાં આવશે !

(કેમ, અંબાણી-અદાણી જેવાને જ રાહત મળી જ છે ને !)

*** 

હવે દેશમાં કોઈ બેરોજગાર વ્યક્તિ બેરોજગાર નહીં રહે !

(કેમ, મધ્યપ્રદેશમાં તો શરૂઆત થઈ જ ગઈ છે ને ! ત્યાં બેરોજગારને હવે ‘આકાંક્ષી’ કહેવામાં આવશે !)

*** 

ભારતમાં હવે આધ્યાત્મ વિજ્ઞાન વડે તદ્દન જીવતા જાગતા નવી જેવા બિનજૈવિક માનવીઓનું નિર્માણ શક્ય બનશે !

(લો, માન્યમાં નથી આવતું ને ? પણ સાહેબ આપણાં મોદીજી ઓલરેડી નોન-બાયોલોજિકલ જીવ છે જ !)

*** 

અચ્છા, હવે ઈડી કે ઇન્કમટેક્સના દોડોમાં તમારા બંગલામાં રોકડ, સોનું કે ચાંદી પકડાય તો તે તમારા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ મુકી ગઈ છે એવું ‘લિગલ સર્ટિફીકેટ’ મળી શકશે !

(આની તો શરૂઆત પણ થઈ ગઈ છે. દિલ્હીના એક જજસાહેબને ટુંક સમયમાં આનો લાભ મળવાનો છે !)

*** 

બાકી, ‘અચ્છે દિન આયેંગે’ એ વાતને એપ્રિલ ફૂલ માનનાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય ! જાવ જલસા કરો…

***

- મન્નુ શેખચલ્લી

Comments