ગઈકાલે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે હતો. એ ટોપિક ઉપર એકાદ ફેસબુકના પેજ ઉપર કેવો સેમિનાર જોવા મળ્યો હતો ? એક ઝલક…
***
- હેપ્પી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ! સૌ મહિલાને અભિનંદન !
- આવી ગયો ચાંપલો ! આ માણસ મેન્સ ડે વખતે કેમ ગાયબ હોય છે ?
- અરે ભઈ, મેન્સ ડે હોય છે ક્યારે ? કોને યાદ છે ?
- આ બધી તારીખો, એનિવર્સરીઓ, બર્થ-ડેઓ લેડિઝને યાદ હોય ને ? એ લોકો જાણીજોઈને આપણને યાદ જ નથી કરાવતી ! … ચાલબાઝ ઔરતેં…
- ઓ મિસ્ટર, ટીવી સિરીયલના ડાયલોગ તમારા ઘરમાં જ રાખજો.
- ઘરમાં તો ભાઈને એક પણ વાક્યનો ડાયલોગ બોલવાનો ચાન્સ જ ક્યાં મળે છે ? ખીખીખી…
- ઓ મેડમ, બીજાની પર્સનલ લાઈફમાં માથું ના મારો.
- સાવ એવું નથી. મહિલાઓ રીલ્સ બનાવે છે ત્યારે તો પતિઓને ડાયલોગ્સ બોલવાનો ચાન્સ મળે જ છે ને.
- એમાં પણ લેડીઝો દાદાગિરી કરે છે !
- ખરી વાત છે ! મારી વાઈફ રીલ બનાવવાને બહાને મને સાચુકલી થપ્પડો મારે છે.
- મારી વાઈફ તો વારંવાર રિ-ટેક કરવાને બહાને મને ધોકા મારે છે !
- સેઈમ હિયર.. મારી પાસે કચરા પોતાં કરાવે છે !
- એક મિનિટ ! મહિલાઓ એ બધું માત્ર જોક્સ ખાતર કરે છે, એમાં આટલા અકળાઈ શેના જાવ છો ?
- આજે રીલ્સ માટે કરાવે છે, કાલે રિયલમાં કરાવશે ! દેશના પુરુષો… ચેતો !
- શું ચેતો ? હવે પુરુષોએ પણ મહિલા સમોવડા થવું પડશે. જમાનો બદલાઈ રહ્યો છે.
- જમાનો નહીં, સ્ત્રીઓ જ બદલાઈ ગઈ છે. પુરુષોનું બધું જ ચોરી લીધું છે… પેન્ટ પહેરે છે, શર્ટ પહેરે છે, ધોતિયું પહેરે છે, વાળ કપાવે છે…
- ધીરજ રાખ બકુડા, હવે દાઢી-મૂછ પણ ઉગાડશે !
- તો તમે પણ મહિલાઓની કોપી કરોને ? કોણ ના પાડે છે ? સાડી પહેરો, માથામાં સિંદુર પુરો…
- એકચ્યુઅલી શરૂઆત તો થઈ જ ગઈ છે. પુરુષો અંબોડી વાળે છે, કાનમાં બુટ્ટી પહેરે છે, બ્યુટિ પાર્લરમાં જાય છે.
- રીલ્સ બનાવનારી મહિલાઓ માટે મારી એક જ ફરિયાદ છે. કમ સે કમ કિશોરકાકાના અવાજમાં તો ના બોલો ? સાલી, આખી બ્યુટિ મરી જાય છે !
- જોયું ? મહિલાએ પુરુષનો અવાજ પણ ચોરી લીધો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment