કેટલી જાતના કોંગ્રેસી ઘોડા ?

રાહુલબાબા બે દિવસ માટે ગુજરાતમાં આવ્યા અને જતા પણ રહ્યા. પરંતુ એમણે જે વાત કરી કે કોંગ્રેસમાં ‘રેસના’ ઘોડા કેટલા છે અને ‘બારાત’ના ઘોડા કેટલા છે ?

એમણે એમ પણ પૂછ્યું કે ભાજપ સાથે સાંઠગાંઠમાં હોય એવા કેટલા છે ? એમને બધાને કોંગ્રેસમાંથી કાઢી મુકો !

તો રાહુલબાબાને જણાવવાનું કે એ ‘રેસ’ના હોય કે ‘વરઘોડાના’, એમનો પશુમેળો ૨૦૨૪ની ચૂંટણી વખતે પતી ગયો ! હવે કોઈ નવી ખરીદી નીકળવાની નથી !

રહી વાત અલગ અલગ પ્રકારના ઘોડાની, તો એ આ મુજબ છે :

*** 

ઉડતા ઘોડા :
જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ટિકીટ લેવા આ જાતવાન અશ્વો અહીંથી દિલ્હી સુધી વિમાનમાં વારંવાર ઉડાઉડ કરે છે ! તો એ થયા ઉડતા ઘોડા.

*** 

રેસના ઘોડા :
આ રેસ પણ ત્યારે જ લાગે છે જ્યારે ચૂંટણી માટે ટિકીટો વહેંચવાની હોય છે ! તે વખતે એકબીજાને ધક્કા મારીને, ગબડાવીને, આગળ ધસી જવાની રેસ લાગે છે ! તમે જોઈ જ હશે, રાહુલ બાબા.

*** 

બારાતના ઘોડા :
જ્યારે ટિકીટ મળી જાય છે એ પછી ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે ઢોલ નગારાં સાથે જે વાજતે ગાજતે આવે છે… બસ, એટલી જ એમની ‘બારાત’ હોય છે ! પછી તો બારાતીઓ પણ ચા-નાસ્તાના પૈસા લઈને પોતપોતાને ઘરે જતા રહે છે.

*** 

બેસી જતા’ ઘોડા :
કહે છે કે બિચારા ઘોડાઓ ઊંઘ પણ ઊભા-ઊભા જ લેતા હોય છે ! પરંતુ અહીં ગુજરાતમાં ‘બેસી જનારા ઘોડા છે ! આ ઘોડા ઉમેદવારીપત્ર ભર્યા પહેલાં અથવા પછી, ‘બેસી’ જાય છે !’ (યાદ છે ને, સુરતમાં ?)

*** 

બાલવાટિકાના ઘોડા :
તમે જ્યારે જ્યારે ગુજરાતમાં આવો ત્યારે સરસ મઝાની નાની બગી લઈને, બગીના પૈડાંમાં સરસ મજાની ઘુઘરીઓ લટકાવીને તમને હોંશે હોંશે બધે ફેરવે છે ને, એ ઘોડા ! (તમે તો ‘મેચ્યોર’ થઈ ગયા છો, એટલે ‘બાલવાટિકા’ શબ્દનું ખોટું ના લગાડશો, હોં ! ઓકે?)

***

- મન્નુ શેખચલ્લી

Comments