કહેવતો ગુજરાતી, લેવલ ઈન્ટરનેશનલ !

આપણી ગુજરાતી કહેવતો ભલે વરસો જુની લાગતી હોય પરંતુ એની ખુબી જુઓ… આજની ઇન્ટરનેશનલ પરિસ્થિતિ ઉપર પણ કેવી સચોટ બેસે છે !

*** 

એક બાજુ ટ્રમ્પ કહે છે કે અમેરિકામાં આવતા માલ ઉપર ટેરિફ નાંખવાથી દેશમાં ઉત્પાદનની રોજગારી વધશે. તો બીજી બાજુ એમના જમણા હાથ સમાન એલન મસ્ક હજારો કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી રહ્યા છે !

ગુજરાતી કહેવત : ‘હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા !’

*** 

અમેરિકાએ કેનેડા અને ચીન ઉપર ટેરિફ વધારવાની ધમકી આપી. તો સામે ચીન અને કેનેડાએ અમેરિકાની ઉપર ટેરિફ વધારી દીધી છે ! આમાં ને આમાં વિશ્ર્વભરમાં શેરબજારોમાં કડાકા બોલી રહ્યા છે…

ગુજરાતી કહેવત : ‘બે પાડા લડે એમાં ઝાડનો ખો !’

*** 

ઝેલેન્સ્કી ટ્રમ્પને મળવા ગયા ત્યારે બોલવામાં ભાન ન રાખ્યું. એમાં જગતભરમાં હાંસી થઈ ગઈ…

ગુજરાતી કહેવત : ‘ભોંય પર પડેલો પોદળો ધૂળ લઈને જ ઉખડે !’

*** 

ટ્રમ્પ સાથે ઝગડીને જતા રહ્યા પછી ઝેલેન્સકીએ કહ્યું કે, ‘હું માફી તો નહીં જ માગું…’

ગુજરાતી કહેવત : ‘મિયાં પડ્યા, પણ ટંગડી ઊંચી’

*** 

ટ્રમ્પ સાથેના ઝગડા બાદ ઝેલેન્સકીને બ્રિટનમાં ભાવભર્યો આવકાર મળ્યો ! ટ્રમ્પનો ઘમંડ તોડવા માટે યુરોપના દેશો યુક્રેનને યુદ્ધ માટે અબજો યુરોની મદદ પણ કરશે…

ગુજરાતી કહેવત : ‘વાંદરાને નીસરણી…’ ‘હું મરું પણ તને રાંડ કરું !’

*** 

પણ એ પછી ઝેલેન્સ્કીએ સોશિયલ મિડીયામાં પત્ર જાહેર કરીને ટ્રમ્પ સાથેની ચણભણનો અફસોસ વ્યક્ત કરીને અમેરિકા સાથે સારા સંબંધ રાખવાની આશા કરી.. બોલો.

ગુજરાતી કહેવત : ‘આને કહેવાય થુંકેલું ચાટવું !’

*** 

આ તમામ ઘટનાક્રમ ઉપરાંત ભારત સામે ટેરિફ વોર તથા ભારતીય નાગરિકોને બેડીઓ પહેરાવીને પાછા કાઢવા બદલ મોદી સરકારનું ભેદી મૌન…

ગુજરાતી કહેવત : ‘હું તો મારે બોઈયે નંઈ ને ચાઈયે નંઈ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments