પેલાં ટુ-ઈન-વન કેસેટ પ્લેયરોનો જમાનો યાદ છે ?
જોવાની વાત એ હતી કે જ્યારે ગુજરાતનાં શહેરોમાં એ ભાગ્યે જ કોઈને ત્યાં વસાવેલાં દેખાતાં હતાં, ત્યારે દક્ષિણ ગુજરાતનાં ગામડે ગામડે સાવ મામૂલી ઘરોની ‘શાન’ હોય તેમ સૌની નજરે ચડે એ રીતે ઠાઠમાઠથી સજાવીને રાખવામાં આવતાં હતાં !
એનું કારણ શું ? અરે, અમારા ‘દૂભઈ-મસ્કતવાલા’ ! ફળિયામાં જ્યાં મોટાં પાકાં ઘરોમાં હજી રેડિયા પણ સરખા ન વાગતા હોય ત્યાં આવા મામૂલી ઘરોમાં ‘ધજમજેનાં’ ટુ-ઈન-વન વટ પાડતા હતા. કેમકે એ લોકો ‘દુભઈવારા’ હતા !
હકીકત એ પણ હતી કે ‘સોની’ અને ‘નેશનલ’ જેવી જાપાની કંપનીઓના આ ટુ-ઈન-વન મુંબઈમાં માત્ર ગ્રે માર્કેટમાં (ફાઉન્ટનની ફૂટપાથ પર) જ મળતાં હતાં. ત્યારે અમારા ગામવાળા દૂભઈથી પાછા આવતાં આવાં ટુ-ઈન-વન પોતાની સાથે ‘સામાન’ તરીકે બિન્દાસ લાવી શકતા હતા !
ગામડામાં પહેલ-વહેલાં જે ટુ-ઈન-વન આવ્યાં તેને ‘સાંભળવા’ કરતાં ‘જોવા’નું કૌતૂક મોટું હતું ! એક તો ચળકતી લાલ કલરની નાનકડી પેટી જેવી એની કાયા, ઉપર વળી પેટીને ઉપાડવા માટેનું ‘હેન્ડલ’ પણ ખરું !
એ જ હેન્ડલની નીચે ચકાચક સ્ટેનલેસ સ્ટીલની દાંડી હોય, જેને ઊભી કરીને ખેંચતા ખાસ્સી ત્રણ ફૂટ લાંબી થતી હોય ! (એ હકીકતમાં તો ટ્રાન્ઝિસ્ટર રેડિયાનું એરિયલ હતું, પણ ‘એની બેનને… અંઈ રેડિયો હાંભળવા થોડા લાવેલા?’ એમ સમજીને એ દાંડી માત્ર ડેમોન્સ્ટ્રેશન ખાતર લાંબી ટુંકી કરીને પાછી ખોસી દેવામાં આવતી હતી.)
પણ શું એના સ્પીકરો ! આહાહા… જાણે સરસ મજાની બે ગોળાકાર ‘ચાળણીઓ’ જોઈ લો ! કમાલની વાત એ હતી કે કંપની ‘સોની’ હોય, ‘નેશનલ’ હોય કે ‘હિતાચી’… આ સ્પીકરોની ડિઝાઈન સરખી જ હોય : પરફેક્ટ ગોળાકારમાં અંદરથી બહારની તરફ નાનાં થતાં જતાં સેંકડો કાણાં !
આ મિની-પેટીના ઉપરના ભાગે આમ તો શોર્ટ-વેવ અને મિડિયમ-વેવ રેડીયો સ્ટેશન પકડવા માટેનું પહોળી ફૂટપટ્ટી જેવું ડિસ્પ્લે હોય, એમાં ડાબે જમણે ફરી શકે તેવો લાલ (અથવા રેડિયમવાળો લીલો) કાંટો પણ હોય પરંતુ એમાં શી નવાઈ ? ખરી નવાઈ તો કેસેટ પ્લેયરની ચાંપોમાં હતી…
એમાં સૌથી મેજીકલ ચાંપ એ હતી. જેને દબાવતાં પેલી કેસેટ મુકવાનું ખાનાનું ઢાંકણું ધી…મેથી ખુલતું ! એમાં આપણે ગાયનોની કેસેટ મુકવાની, પછી ‘ટક’ કરીને ઢાંકણું બંધ કરવાનું, અને પછી ‘પ્લે’ની ચાંપ દબાવતાં જ અંદરથી મનગમતાં ગાયનો પેલાં બબ્બે સ્પીકરોમાંથી ગાજી ઉઠે !
આમ જોવા જાવ તો આ ટુ-ઈન-વન એક જાતનું સામાજિક ક્રાંતિનું પ્રતીક હતું. કેમકે ગરીબ અને મહેનતુ લોકોનાં ઘરોમાં એ પહેલાં આવ્યાં. ત્યારે ફળિયાના ધનિક કે સંસ્કારી ગણાતા ઘરોમાં ટુ-ઈન-વન હતાં જ નહીં ! કેમકે એ તો મુંબઈના ‘બ્લેક-મારકેટ’માં જ મળતાં !
જોકે એવી સામાજિક પંચાતને બાજુએ રાખો તોય આ ટુ-ઈન-વન ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ જેવાં હતાં કેમકે એ ચળકતી પ્લાસ્ટિકની પેટીના પેટમાં ખોસીને વગાડવા માટે તમારે ડઝનબંધ કેસેટો ‘વસાવવી’ પડે !
આ કેસેટોમાં પણ બે કેટેગરી હતી. એક તો રેડી-મેઈડ ફિલ્મી ગાયનોની કેસેટ, જેમાં એક સાઈડે જે તે પિક્ચરના હીરો-હિરોઈનના ઝન્નાટ ફોટા સાથેનું આખું મિની-પોસ્ટર હોય અને બીજી સાઈડે, (જે પ્લાસ્ટિકની ડબલીમાં વાળીને ખોસેલી હોય) તેમાં આપેલા ગાયનોનું લિસ્ટ હોય.
કેસેટોની બીજી કેટેગરી શોખીન જીવડાઓએ ઊભી કરેલી. જેમાં પોતાની ખાસ પસંદગીનાં ગાયનો ક્રમવાર, ‘ઓર્ડર’ આપીને, રેકોર્ડ કરાવેલાં હોય. (આજે એને યંગ લોકો ‘પર્સનલ પ્લે-લિસ્ટ’ કહે છે.)
આ પસંદગીનું રેકોર્ડીંગ કરી આપનારી દુકાનો ચીખલી, નવસારી, વલસાડ, પારડી જેવા શહેરોમાં એકલ-દોકલ જ હોય ! અને મારા બેટાઓ ચાર ધક્કા ખવડાવ્યા વિના કામ પતાવી આપતા નહોતા ! એમાંય ‘ઘાટ કરતા ઘરેણું મોંઘું’ એવા હાલ હતા કેમકે ખાલી (બ્લેન્ક) કેસેટ તો ૨૫થી ૩૫ રૂપિયામાં મળતી, પણ એનું એક સાઈડનું રેકોર્ડીંગ રૂપિયા પચ્ચીસમાં થતું. (‘એ’ અને ‘બી’ સાઈડ બન્ને થઈને રૂપિયા પચ્ચાસ.)
આ કેસેટોની પણ ચોક્કસ પ્રકારની જફાઓ હતી. ક્યારેક લાઈટ જાય અથવા બેટરીના સેલ માંદા પડી જાય ત્યારે આ કેસેટનું એક ચકરડું ચોંટી જતું ! જેના કારણે પેલી બ્રાઉન કલરની પટ્ટી ટુ-ઈન-વનમાં ગુંચળું વળીને ફસાઈ જતી !
પછી રીતસર બિચારી કેસેટનો જીવ બચાવવાનો હોય તેમ એનું ‘ઓપરેશન’ થતું ! ગુંચળું બહાર કાઢીને, એકાદ સ્ક્રૂ ડ્રાયવર વડે પેલા અટકી પડેલા ચકરડાને ‘મેન્યુઅલી’ ધીમે ધીમે ફેરવીને કેસેટનાં આંતરડાં ફરી પેટમાં ગોઠવતાં હોઈએ એમ પટ્ટીને અંદર સરકાવવામાં આવતી !
ક્યારેક આ પટ્ટી તૂટી જતી ! ત્યારે અમુક ‘કલાકાર’ કક્ષાના કારીગરો એપેન્ડિક્સના સડેલા ભાગને દૂર કરતા હોય તેમ, ખરબચડી બની ગયેલી પટ્ટીના ભાગને કાપીને, બાકીના બે છેડાઓને સેલોટેપ વડે ચોંટાડી આપતા !
આવી કેસેટ જ્યારે વગાડીએ ત્યારે પેલી જુની રેકોર્ડની ઘસાયેલી પિન જે રીતે કૂદકો મારીને ગાયનની એકાદ કડી ‘ગુપચાવી’ નાંખતી હોય, એવી ‘ઇફેક્ટ’ મળતી હતી !
આ કેસેટોમાં મેગ્નેટિક ટેપ રહેતી. આના કારણે ક્યારેક એ કેસેટ કોઈ ‘મેગ્નેટિક ફિલ્ડ’માં આવી ગઈ હોય તો વળી સાવ અજીબ ટાઈપની ઇફેક્ટ પેદા કરતી હતી. જેમકે અંદર ગાઈ રહેલાં લતાજી દર ૪૦મી સેકન્ડે ‘કોગળો’ કરતાં હોય એવું સંભળાતું !
જોકે ત્રીજા પ્રકારની એક ઇફેક્ટ હતી તે સંપૂર્ણપણે ‘માનવીય અડપલાં’થી થતી હતી. જેમકે કેસેટની ‘પ્લે’ ‘રિવાન્ડ’ ‘ફોરવર્ડ’ની ચાંપો દાબતાં દાબતાં ભૂલમાં ‘પ્લે’ અને ‘રેકોર્ડ’ની ચાંપો સાથે દબાઈ જતાં રેકોર્ડીંગ ચાલુ થઈ જતું ! પછી ભાન થાય કે ‘હહરીનું આ તો લોચો પઈડો !’ ત્યારે ‘સ્ટોપ’નું બટન દાબતા !
આમ કરવામાં અનાયાસે જે જે રેકોર્ડીંગ થઈ જતું તેની અલગ મજા હતી. જેમકે પેલું ગાયન વાગતું હોય : ‘હાં મૈં ને ભી પ્યાર કીયા, પ્યાર સે કબ ઇન્કાર કિયા..’ ત્યાં અચાનક કોઈનો કર્કશ અવાજ સંભળાય ‘હહરીના ! આ તેં હું કઈરું ? જોનીં, આ તારું ચોંટી ગિયું !’
અથવા અંદર મુબારક બેગમ ગાતાં હોય : ‘મુજ કો અપને ગલે લગા લો…’ ત્યાં જ ભલતી ચાંપ દાબવાને કારણે થયેલું રેકોર્ડિંગ સંભળાય : ‘એની બેન ને, આ તેં હું દાબી મુઈકું ? જોનીં, પેલી ગાતી જ બંધ થેઈ ગેઈ !’ (જાણે મુબારક બેગમનું કોઈએ ગળું દબાવી દીધું હોય ! )
આવી રીતે અજાણતામાં રેકોર્ડીંગની ચાંપો દબાઈ જવાને કારણે એક ખતરનાક કિસ્સો બની ગયેલો.
વાત એમ હતી કે અમારા ગામનો જેન્તી કાળિયો, તે પરણેલો એક ચંદન નામની ફટાકડીને. જેન્તી દર વરસે બે વરસે ‘દૂભઈ’થી એકાદ મહિના માટે આવે, એની ચંદન ફટાકડી માટે જાપાન મેઈડ સાડીઓ લાવે, અમેરિકન ડાયમન્ડનાં ઘરેણાં લાવે, ટેક્સી કરીને ચંદનને વીરપુરની જાત્રા કરવા લઈ જાય, અને યસ, દર વખતે લેટેસ્ટ મોડલનું નવું ટુ-ઈન-વન લાવીને ફળિયામા વટ પાડે.
છેલ્લી વખતે તો એ નાનકડી પેટી નહીં પણ નાનકડા પટારા જેવું, બબ્બે કેસેટો મુકાય તેવું ટુ-ઈન-વન લાવેલો ! ઉપરથી ‘સ્ટિરીયોવાળાં’ સ્પીકરો પણ લાવેલો ! રોજ સવાર પડે ને આખા ફળિયાને સંભળાય એવા અવાજે એમાં આરતી અને ભજનની કેસેટો મુકે અને સાંજ પડે લેટેસ્ટ પિકચરનાં ગાયનો…
એક તો ગામડા ગામમાં વારંવાર લાઈટ જાય. એવા વખતે બેટરીના સેલ વડે ટુ-ઈન-વન વગાડવાનું મોંઘુ પડે. કેમકે સાઈડ ‘એ’ અને સાઈડ ‘બી’ પતે ત્યાં સુધીમાં બેટરી ડાઉન થઈ જાય ! બિચારા લતા મંગેશકરનો અવાજ ધીમે ધીમે મન્નાડે જેવો થઈ જાય ! છતાં જેન્તી તો ધરાર ફૂલ વોલ્યુમમાં આખું ફળિયું ગાજે એ રીતે ગાયનો વગાડે જ !
જેન્તીની એક બીજી ટેવ. જ્યારે પણ કોઈ મહેમાનો આવે ત્યારે બધાંને ચ્હાની રકાબી પકડાવીને પેલા જાયન્ટ સાઇઝના ટુ-ઈન-વનનું ડેમોન્સ્ટ્રેશન બતાડે ! મહેમાનોની પહોળી થતી આંખો જોઈને બૈરી ચંદન ફટાકડી પણ બહુ રાજી થાય અને રૂઆબ છાંટે ‘જોયું ? મારો ધણી કેવું વાજું લાઈવો ? ગામમાં કોઈની પાંહે એવું નીં મલે !’
હવે એક વાર શું બન્યું ? દૂબઈથી તાજો જ આવેલો જેન્તી એના મહેમાનો સામે પેલા ટુ-ઈન-વનમાં એક કેસેટ લગાડીને અવાજ ફૂલ કરે છે… અંદર ગાયન વાગે છે… ‘જબ પ્યાર કીયા તો ડરના ક્યા..’
ત્યાં અચાનક કોઈ પુરુષનો અવાજ સંભળાય છે : ‘એની બેનને, આ કયું બટન દબાઈ ગિયું ?’
મહેમાનો ચોંકે છે ! ત્યાંતો ચંદન ફટાકડીનો અવાજ સંભળાય છે : ‘તું એને છોડનીં, મારું જે દબાવતો છે તે દબાવનીં…?’
મહેમાનો વધારે ચોંકે છે ! ત્યાં તો અંદરથી જાતજાતના ‘ઉંહકારા અને સીસકારા’ સંભળાવા લાગ્યા !
સૌ સમજી ગયા કે મામલો શું છે ! જેન્તીની ગેરહાજરીમાં ચંદન ફટાકડી કોઈ સાથે તારામંડળ અને ફૂલઝડી લઈને બેઠી હશે તેનું લાઈવ રેકોર્ડીંગ આમાં ઝડપાઈ ગયું હતું ! મહેમાનો પોતાની રકાબીમાં રહેલી અડધી ચા મુકીને ઊભા થઈ ગયેલા.
જોકે એ ભલતાં બટન દબાવનારો કોણ હતો તે ચંદને કદી કીધું જ નહીં ! પણ એ પછી જેન્તી દૂબઈ જતો પણ બંધ થઈ ગયો ! અને પેલું ટુ-ઈન-વન, એની તમામ કેસેટો સહિત, સાવ સસ્તામાં વેચી મારેલું !
પણ હા, પેલી ચોક્કસ કેસેટ જેન્તીએ રાખી મુકેલી, ચંદન ફટાકડીની આતશબાજીના ‘પુરાવા’ રૂપે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
SOLLID BAPJI ! હવે મોબાઇલ ના લોચા લાપસી પણ શોધી કાઢો.
ReplyDelete