પાકિસ્તાનીઓ આટલા ખુશ કેમ ?

એક વિદેશી સંસ્થા દુનિયાભરના દેશોનો ‘હેપ્પીનેસ ઇન્ડેક્સ’ બહાર પાડે છે. એમાં ભારત કરતાં યુક્રેન અને પાકિસ્તાનના લોકો વધારે ખુશ જણાય છે !

જોકે આ સંસ્થા દર વરસે આવી જોક બહાર પાડે છે. પણ આ વખતે અમે સિરીયસલી વિચાર્યું કે પાકિસ્તાનના લોકો આપણા કરતાં ખુશ કેમ છે ? અને અમે શોધી કાઢ્યું કે…

***

અમેરિકાએ ભારતના ગેરકાયદેસર લોકોને હાથે-પગે બેડીઓ પહેરાવીને, કેદીનાં કપડાં પહેરાવીને, આર્મીના વિમાનમાં બેસાડીને પાછા મોકલી આપ્યા ને, એટલે !

***

એ તો ઠીક, એ પછી મોદી અમેરિકા ગયા ત્યારે ટ્રમ્પે એમને સરખો ભાવ જ ન આપ્યો ! એટલે !

***

એ તો હજી યે ઠીક, પણ ટ્રમ્પ ભારતના માલ સામાન પર ટેરીફ વધારી દેવાના છે, અને પાકિસ્તાનના માલનું તો નામેય નથી લેતા ને ! એટલે !

***

અને હા… ભારતમાં જે મહાકુંભ મેળો થયો એમાં ધક્કામુક્કીમાં સેંકડો લોકો મરી ગયા અને ઘાયલ થઈ ગયા ને ! એટલે !

***

એમાં વળી રીપોર્ટ આવ્યો કે ગંગાનું પાણી નહાવા માટે યોગ્ય નથી ! આ સાંભળીને તો પાકિસ્તાનીઓ ખુશખુશાલ થઈ ગયેલા, બોલો !

***

એમાં વળી ઔરંગઝેબની કબરમાંથી વિવાદનું ભૂત બેઠું થઈને ધૂણવા માંડ્યું છે ને ! એટલે !

***

અને ભૂલી ગયા ? બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો તખ્તાપલટ થઈ ગયો ત્યારે ભારત તો ઊંઘતું ઝડપાયું હતું ને ! એટલે !

***

અને હા, ડોલર સામે જ્યારે જ્યારે રૂપિયો ગગડ્યો છે (ભારતનો રૂપિયો હોં ? પાકિસ્તાનના રૂપિયાની તો ચિંતા જ કોને છે ?) ત્યારે ત્યારે પાકિસ્તાનીઓને આનંદ આનંદ થઈ ગયો છે !

- બસ એટલે જ પાકિસ્તાનીઓનો ઇન્ડેક્સ બહેતર છે, સમજ્યા ?

***

જો કે ભારતના વિરોધપક્ષો પણ આ તમામ વાતે ખુશ થયા છે ! બોલો, ખોટું કીધું, કંઈ ? કોઈ એમનો ઇન્ડેક્સ પણ ગણો યાર.

***

- મન્નુ શેખચલ્લી

Comments