અત્યારે તો આપણે વડીલ થઈ ગયા છીએ, ‘દાદા’ અને ‘નાના’ બની ગયા છીએ પણ આપણું બાળપણ કેવું હતું ?
અને આજે જે બાળકો છે એમનું બાળપણ કેવું છે ?
***
આપણને જમતી વખતે બે જ ચીજોની જરૂર પડતી હતી. થાળી અને વાડકો.
આજનાં બાળકોને જમતી વખતે થાળી, વાડકો, બાઉલ, સ્પુન, ગ્લાસ, મોબાઈલ, ટીવી, ટૉય અને મમ્મી… આટલી ચીજો મિનિમમ હોય તો જ ખાવાનું ગળે ઉતરે છે !’
***
આપણને જમવામાં ચોઈસ પણ બે જ મળતી હતી. (૧) ખાઈ લે અને (૨) ના ખાવું હોય તો ભૂખે મર, મારે શું ?
આજનાં બાળકોને જમવામાં મલ્ટિપલ ચોઈસ મળે છે. (૧) ટીવી સામે બેસીને ખાઈશ ? (૨) મમ્મીના ખોળામાં ખાઈશ ? (૩) મમ્મી ખવડાવે ? (૪) મમ્મી મોબાઈલ પકડી રાખે ? (૫) પહેલાં સૂપ કે પહેલાં પિત્ઝા ? (૬) ફટાફટ ફીનીશ કરશે તો ચોકલેટ મળશે, ઓકે ?
***
આપણને આપણી ભૂલ સુધારવા માટે પણ બે જ ચોઈસ મળતા હતા. જેમકે (૧) એક વાર કહ્યું છતાં સમજ નથી પડતી ? અને (૨) હવે ધોલ મારું કે ચંપલ ?
જ્યારે આજના બાળકો ? ઓ હલો, ભૂલ તો મમ્મી-પપ્પાની જ હોય છે !
એના માટે પણ મલ્ટિપલ ચોઇસ છે. (૧) સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં ગાઈડન્સ લો, (૨) ડોક્ટર પાસે ચાઈલ્ડ કેરનુ ગાઈડન્સ લો, (૩) સાયકોલોજીસ્ટ પાસે પેરેન્ટિંગનું ગાઈડન્સ લો, (૪) સોશિયલ મિડીયામાં ‘ગુડ પેરેન્ટિંગ’ વિશે ‘ભણો’! અને (૫) ભૂલથી બાળકને ટપલી પણ મારી દીધી તો ‘ચાઇલ્ડ એબ્યુઝ’ના આરોપો… ૧૮ વરસ પછી પણ લગાડશે તમારું સંતાન ! તૈયાર રહો !
***
આપણી હેલ્થ બાબત ડોક્ટર આગળ બે જ ફરિયાદ રહેતી હતી. (૧) એને વારેઘડીએ પેટમાં શેનું દુઃખે છે ? (૨) એ ખાતો કેમ નથી ?
જ્યારે આજનાં બાળકોની હેલ્થ ? વાત જ ના કરશો… મેડિકલ લાઇનમાં જેટલા એક્સપર્ટો હોય (ગાયનોકોલોજીસ્ટ સિવાય) અને જેટલા મેડિકલ ટેસ્ટ હોય (પ્રેગ્નન્સી ટેસ્ટ સિવાય) એ બધા જ કમ્પલસરી છે !
- ઠાઠ છે આજનાં બાળપણનો, નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment