એમને 'ગુપત' આત્મા જોડે વાત થાય !

‘ભંજાત થાય તિયારે (સાંજનું અંધારું ઘેરાય ત્યારે) તળાવ બાજુથી જો કોઈ એકલ દોકલ માણહ નીકઈળો તો ભેરવાઈ જ પઈડો જાણવાનું…’

અમારા લીલાપોર ગામના ઠાકોરલાલને ભૂત, પલીત અને પ્રેતાત્માના જે પરચા થતા હતા તે કંઈ અલગ જ લેવલના હતા !

સામાન્ય રીતે કોઈને ભૂત દેખાય તો તે ડરી જાય, મૂતરી પડે, ત્યાંથી ભાગી છૂટે… પણ ઠાકોરલાલને ભૂતનો ભેટો પણ ભેદી રીતે થાય અને ભૂતનો સામનો તો એનાથી યે ભેદી રીતે કરે !
પેલા તળાવવાળો કિસ્સો એ ખુબ જ ‘નોર્મલ’ અને ‘સ્વસ્થ’ હાવભાવથી કરે…

‘મેં તો ફલાણે ગામે મૈયતમાં (મરણ પ્રસંગે) ગેલો ઉતો. પાછા આવતાં હાંજ પડી ગેઈ. મેં બાઈક લેઈને આઈવા કરું… આફા (આ બાજુ) નહેર, ને પેલી બાજુ ઊંચા ઊંચાં ઝાડવાં… નહેર પછી આવે તળાવ… ને તળાવ પછી આવે પેલાં આમલીનાં ચાર ઝાડવાં…’

ઠાકોરલાલ વાતને સ્હેજ જ વળ આપતાં ઉમેરે: ‘તે ઝાડવાંની બાજુમાં નેળિયું, ને નેળિયામાંથી ભૂકીને (ઘૂસીને) પેલી બાજુ જવાનો રસ્તો.. મેં બાઈક લાખી નેળિયામાં… પણ હહરીનું પાંચ મિનિટ પછી જોઉં તો મારી નજર હાંમે પાછાં એ જ ચાર આમલીનાં ઊંચા ઊંચા ઝાડવાં ! મેં કીધું, આમ કેમ થિયું ? પણ અસલમાં હું છે…’

એમ કરીને ઠાકોરલાલ આખું ભેદી રહસ્ય ખોલે કે, ‘એ તળાવની આજુબાજુ કંઈ ગુપત (ગુપ્ત) આત્માની માયા પથરાયેલી છે ! તમે ગોળગોળ જ ફરિયા કરો… ફરી ફરીને પેલાં ચાર આમલીનાં ઝાડવાં જ હામે (સામે) આવીને ઊભાં રે’ય !’

અને વાત પણ સાચી ! એ જમાનામાં દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાંનાં વિસ્તારો એવા હતા કે રાતનું અંધારું ઘેરાય પછી બધું સરખું જ લાગે ! જો તમે રસ્તા, કેડી, નેળિયાં અને ખેતરોના પાકા જાણકાર ન હોવ તો ચોક્કસ ભૂલા પડી જાવ ! અને અમુક વિસ્તારોમાં ખરેખર ગોળગોળ ફરતા રહો !

ઠાકોરલાલ એમની ભેદી ઘટના આગળ ચલાવતા કહે ‘મેં હમજી ગિયો કે આ જે ગુપત ભૂત-પલીત ઓ’હે તે, મને ગોળગોળ ફેરવતું છે ! પછી મે હું કઈરું…’

અહીં ઠાકોરલાલ પોતાની વાત અધૂરી મુકે…

હંમેશા સફેદ શર્ટ અને સફેદ પેન્ટમાં સજ્જ એવા ઠાકોરલાલનો ચહેરો શ્યામવર્ણો. પણ કંઈ બહાદૂર ભારાડી માણસ જેવો નહીં. ઉપરથી હંમેશા ક્લીન-શેવ હોય. પોતે મોટી ડંફાશ મારતા હોય એવો રૂઆબ પણ નહીં ! પરંતુ જે પોઈન્ટ પર વાત અધૂરી મુકી હોય તે પછી શું થયું તે જાણવાની આપણી ઇંતેજારી તો વધી જ જાય ને ?

ઠાકોરલાલ પોતાના શર્ટના ઉપલા ખિસ્સામાંથી સિગારેટનું પાકિટ કાઢે, અંદરથી એક સિગારેટ કાઢે, સિગારેટને પાકિટ પર બે-ચાર વાર ઠપકારે, પછી હોઠ પર ગોઠવે, ખિસ્સામાં લાઇટર કાઢે, સિગારેટ સળગાવે અને એક કશ લઈને ધૂમાડો છોડતાં ‘અનુસંધાન’નું સાતમું પાનું ખોલતા હોય તેમ બોલે :

‘મેં તો બાઈક બંધ કઈરું, ને સાંતિથી બોઈલો… જો ભાઈ ! તુ જે ઓ’ય તે, મન મારા રસ્તે જવા દેવાનો છે કે નીં ? અને તારી કોઈ ઇચ્છા ઓ’ય તે બોલી દે…’

‘પછી ?’ બધાના શ્વાસ અધ્ધર હોય ! પણ ઠાકોરલાલ સાવ ‘એન્ટિ-ક્લાઇમેક્સ’ કાઢે :

‘પછી વરી હું ? મેં બાઈક સ્ટાર્ટ કરી, નેળિયામાં ભૂકાવી (ઘૂસાડી) તો પેલી બાજુ જે રસ્તો દેખાયો, તેણે તેણે (તે રસ્તે) જવા દીધી ! બસ, એમ જ બા’ર નીકળી આઈવો !’

સાલું, આપણે વિચાર જ કરતા રહી જઈએ કે ઠાકોરલાલે ખરેખર પેલા ભૂત, પલીત કે ‘ગુપત’ આત્મા જોડે ‘વાત’ કરી ? અને પેલા ભૂતે ઠાકોરલાલને જવા પણ દીધા ?

આ આખો કિસ્સો ધીમેધીમે આસપાસનાં ગામડામાં ફેલાતો જાય તેમતેમ સૌ માનતા જાય કે ‘હહરીનું પેલાં ચાર આમલીનાં ઝાડવાં પાંહે કંઈક થતું છે ! એની બેનને… આપડાંને ગોળ ગોળ જ ફેરવિયા કરે ! એ બાજુ ભંજાતે જતા નખે !’ (જતા નહીં)

ઠાકોરલાલ આવા કિસ્સા સંભળાવવા માટે ‘ટાઇમિંગ’ પણ બહુ પરફેક્ટ શોધી કાઢે. એકવાર પારડી ટાઉનમાં એમના એક સંબંધીનું મૃત્યુ થઈ ગયેલું. મરનારનાં સગાવ્હાલાં મુંબઈથી સવારે જ પહોંચે તેમ હતું એટલે અહીં આખી રાત જાગતા બેસી રહેવાનું હતું.

ઘરની બહાર પ્લાસ્ટિકની ખુરશીઓ નાંખીને પાંચ દસ જણાં બેઠા હતા ત્યાં સામેના શોપિંગ સેન્ટરમાં એક રેડીમેઇડ કપડાંના શોરૂમની લાઈટો બતાડતાં ઠાકોરલાલ શરૂ કરે : ‘આ શોરૂમ ખરો કે નીં ? તેના તોણ-તોણ (ત્રણ-ત્રણ) નેપાળી ચોકીદાર નોકરી છોડીને કેમ નાહિ ગિયા (નાસી ગ્યા) ? ખબર કે ?’

આટલું કીધા પછી ઠાકોરલાલ ભેદ ખોલતાં ધીમેથી બોલે ‘એ શો-રૂમમાં કંઈક થતું છે !'

‘હું થતું છે ?’ એમ પૂછો એટલે એમની ભેદી સ્ટોરી શરૂ થાય :

‘એકવાર મેં આટલે આમ જ ઊભો રે’ઈને સિગારેટ પિયા કરું… ને હાંમે પેલો ચોકીદાર રાત પડી શો-રૂમ બંધ કરીયા કરે… એ શો-રૂમનાં ચાર પૂતળાં બા’ર કાઢીને રાખી મુકેલાં, તે વારાફરતી ઊંચકીને અંદર લેઈ જાય… મેં જોયા કરું કે એની બેનને, આ હું થતું છે ?’

સસ્પેન્સ ઊભું કર્યા પછી એ ધીમેથી તેને ખોલે : ‘પૂતળાં ટોટલ ચાર.. ચોકીદાર વારાફરતી ઊંચકી ઊંચકીને અંદર લેઈ જાય…. પણ બા’ર તો પૂતળાં ચાર ને ચાર જ !’

‘ઓત્તેરી ! એવું કેવું ?’

‘તે તો મેં બી વિચાઈરા કરું… કે હહરીનું એક પૂતળું અંદરથી એની મેરે-મેરે (જાતે) બા’ર કેમ કરીને આવી જતું છે ?’

‘તમે પૂતળાને બા’ર આવતું  જોયેલું ?’

‘નીં !’ ઠાકોરલાલ આખી મિસ્ટરી ઊભી કરે ‘ઘડીકમાં લાગે કે બા'ર તો ત્રણ જ પૂતળાં છે, પછી લાગે કે અવે બે જ રિયાં… તાં તો પાછાં ચાર પૂતળાં દેખાય !’

આપણે પણ વિચારમાં પડી જઈએ કે સાલું, આવું તે વળી કેવું ?

આ ‘ભેદી’ ઘટના શી રીતે થતી હતી એનો ફોડ પાડ્યા વિના ઠાકોરલાલ માહિતી આપે : ‘આમાં ને આમાં તોણ-તોણ (ત્રણ ત્રણ) નેપાળી ચોકીદાર નોકરી છોડીને નાહી ગિયા પછી આપણા પારડીનો જ એક પોયરો નોકરીએ લાગેલો…’

‘પછી ?’ આપણા મનમાં લાગે કે હવે સ્ટોરીનો ક્લાઈમેક્સ આવી રહ્યો છે.. 

એ જ વખતે ઠાકોરલાલ એમની સ્ટાઈલ મુજબ સફેદ શર્ટના ખિસ્સામાંથી સિગારેટનું પાકિટ કાઢે, પાકિટમાંથી સિગારેટ કાઢે, સિગારેટને પાકિટ પર બે વાર ઠપકારે, પછી ખિસ્સામાંથી લાઈટર કાઢે, સિગારેટ સળગાવે… અને ધૂમાડો છોડતાં ‘અનુસંધાન’ જોડે :

‘તે દા’ડે હો મેં જોયા કરું… બિચારો પોયરો પૂતળાં ઊંચકી ઊંચકીને અંદર મુકે… ને બા’ર તો ચાર ને ચાર જ ! મેં જોયું કે પોયરો બિચારો ગભરાઈ ગેલો ! પણ મેં હું કઈરું ?’

સિગારેટનો વધુ એક કશ લઈને ઠાકોરલાલ આખી સ્ટોરીનું ‘એન્ટિ-ક્લાઇમેક્સ’ કાઢે ! ‘મેં તેની પાંહે જેઈને કીધું, પોયરા, એક કામ કર… પેલ્લાં શો-રૂમની લાઈટ બંધ કર. પછી આ પૂતળાં અંદર લેઈ જા !’

‘પછી ?’ એવા સવાલના જવાબમાં ઠાકોરલાલ શાંતિથી કહે ‘તમે જ એ પોયરાને પૂછી જોજોનીં, અ'વે એવું કંઈ થતું છે કે ?’

‘પણ તમોને લાઈટ બંધ કરવાનો વિચાર કાંથી આઈવો ?’ કોઈકે તો આ સવાલ કર્યો જ હોય.

જવાબમાં ઠાકોરલાલ ખુબ જ ‘નોર્મલ’ રીતે ખુલાસો કરે ‘એ તો મારે વાત થાય કે નીં, એ લોકો હાથે !’

આપણે ચક્કર ખાઈ જઈએ ! સાલું, પેલા પ્રેતાત્માઓ ઠાકોરલાલ જોડે આ રીતે ‘વાત’ કરે ?

જોકે ઠાકોરલાલના આવા ‘ભેદી’ કિસ્સાઓ અડધા ડઝનથી વધારે હતા જ નહીં પરંતુ સૌ માનતા ઈ ગયેલા કે ઠાકોરલાલને તો એવી ‘ગુપત’ શક્તિઓ જોડે ‘વાત’ થાય છે !

હવે આખી આ લાંબી કહાણીનો ખતરનાક ટ્વિસ્ટ ક્યારે આવ્યો ? જ્યારે પાછલી ઉંમરે ઠાકોરલાલને અડધી રાત્રે એ બધા ‘ગુપત’ આત્માઓ ‘દેખાવા’ લાગ્યા !

છેક અડધી રાત્રે, જ્યારે સૌ ઘરના લોકો ઘસઘસાટ ઊંઘી રહ્યાં હોય ત્યારે આખું ફળિયું જાગી જાય એવા મોટા અવાજે ઠાકોરલાલ ચીસ પાડે : ‘એ આઈવુંઉંઉં !! મને મારવા આઈવુંઉઉં  !! હટ… હટ !!’

‘કોણ છે ? શું છે ? ક્યાં છે ?’ કરતાં ફળિયાના લોકો દોડી આવે… ઠાકોરલાલ કોઈ એક દિશામાં આંગળી ચીંધીને ચીસો પાડતા હોય : ‘એને કા’ડો ! મને મારી લાખવા આવેલુ છે ! એ આઈવુંઉંઉં !! હટ ! હટ !!’

ઠાકોરલાલ જે દિશામાં આંગળી ચીંધતા હોય ત્યાં અંધારામાં કશું હોય જ નહીં !

આવું વારંવાર થતું ચાલ્યું ! બધાં એમ જ સમજતા કે ‘આ તો ઠાકોરલાલને જ દેખાય ! આપણને થોડું દેખાય ?’

ઘરમાં સભ્યોને થયું કે વડીલે આખી જિંદગી આવાં ‘ગુપત’ આત્માઓ સાથે પનારો પાડ્યો છે, તો એમાંથી એકાદ બે આત્મા જોડે કંઈ વાંકુ પડ્યું હશે, એમ માનીને એમણે ભૂવા-તાંત્રિકના દોરાધાગા પણ કરી જોયા. છતાં કોઈ ફેર પડે નહીં ! 

અઠવાડિયું થાય ને એકાદ રાતે તો ઠાકોરલાલ ચીસો પાડીને અંધારામાં આંગળી ચીંધતા પરસેવે રેબઝેબ થઈ જ ગયા હોય : ‘એ આઈવુંઉંઉં ! હટ ! હટ !!’

આખરે છ સાત મહિના પછી આ ‘ગુપત’ આત્માઓ ઠાકોરલાલની આસપાસ શા માટે ભમતા હતા તેનું રહસ્ય પણ ખુલી ગયું. શી રીતે ?

તો વાત એમ બની કે એક વાર એમના સંબંધીની એક દિકરી, જે મુંબઈમાં ડોક્ટરીનું ભણતી હતી, તે કોઈ લગ્નપ્રસંગે અમારા ગામમાં આવેલી, અને એ જ રાત્રે ઠાકોરલાલની ચીસાચીસથી ફળિયું ભેગું થયું !

પેલી છોકરીએ પૂછ્યું ‘કાકાની કોઈ દવા ચાલતી છે કે ?’

અને લો, ઠાકોરલાલની જે હાઈબીપીની દવા ચાલતી હતી એની આ ‘સાઇડ ઇફેક્ટ’ હતી, કે દરદીને ‘હેલ્યુસિનેશન્સ’ થાય !

એ દવા બદલી નાંખ્યા પછી ઠાકોરલાલની ‘ગુપત’ આત્માઓ સાથેની આ ‘અઘરી’ મુલાકાતો બંધ થઈ ગઈ ! હા, પેલી ‘સહેલી’ મુલાકાતોની 'નવી' ઘટનાઓ પણ એ પછી બની નહોતી…

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. You have a great command over Surati language. Enjoyed thoroughly looking forward to more.

    ReplyDelete

Post a Comment