ફિલ્મી ગાયનોનું ડિસેક્શન !

આપણે અમુક ગાયનોની ઉંડાઈમાં ગયા વિના એમ ને એમ જ ગાતા હોઈએ છીએ પરંતુ જ્યારે ગાયનનું દેડકાની જેમ લેબમાં ‘ડિસેક્શન’ (ચીરફાડ) કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે અસ્સલમાં મામલો શું છે ! જુઓ…

***

કોઈ જબ તુમ્હારા
હૃદય તોડ દે
તડપતા હુઆ જબ
કોઈ છોડ દે
તબ તુમ મેરે પાસ
આના પ્રિયે…
મેરા દર ખુલાં હૈ
ખુલા હી રહેગા 
તુમ્હારે લિયે…!

અહીં કવિએ કબાડીની દુકાન ખોલી છે ! એમને ફ્રેશ પ્રેમિકા તો મળી નથી રહી ? એટલે તૂટેલા દિલવાળી, ધોખા ખાધેલા તન અને મનવાળી… જે મળે એને ‘સેકન્ડના ભાવમાં’ સ્વીકારવા તૈયાર છે !

***

ના કજરે કી ધાર
ના મોતીયોં કે હાર
ના કોઈ કિયા સિંગાર
ફિર ભી કિતની સુંદર હો !

અહીં કવિની ગર્લફ્રેન્ડ બ્યુટિપાર્લરમાં જવા માટે મોબાઈલમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કીધું તો હશે, પણ કવિના ખાતામાં બેલેન્સ પતવા આવ્યું છે. એટલે એ ‘સસ્તામાં’ પતાવવા માટે કહી રહ્યા છે કે ‘બેબી, તુમ તો ઐસે હી બહોત બ્યુટિફૂલ લગતી હો !’

***

ન જાને ક્યા હુઆ
જો તુને છૂ લિયા
ખિલા ગુલાબ કી તરહ
મેરા બદન…!

અહીં કવિને ગર્લફ્રેન્ડને ‘સ્પર્શ’ વડે ફેલાતી બિમારીનો ચેપ લાગી ગયો છે ! એમાં ને એમાં આખા શરીર ઉપર ગુલાબી રંગના ચાઠાં ફૂટી નીકળ્યાં છે !

***

નદિયા કા પાની
દરિયા સે મિલ કે
સાગર કી ઔર ચલે…

અહીં કવિનાં બધાં પ્રેમ-પ્રકરણો ફેલ થઈ ગયાં છે એટલે છેવટે એ ખાનગી પ્રાયમરી સ્કૂલમાં ટેમ્પરરી માસ્તર બનીને ત્રીજા ધોરણનાં બાળકોને ‘ભૂગોળ’ ભણાવી રહ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments