ચાંદલિયું ફાનસ: પેટ્રોમેક્સની કલા અને કહાણી

આજે જે પેઢીએ ‘ફાનસ’ નામની ચીજ માત્ર ફેન્સી રેસ્ટોરન્ટમાં જ જોઈ છે, એમને ‘પેટ્રોમેક્સ’ નામની અદ્‌ભુત – ચાંદની જેવી રોશની આપતી ચીજની તો ક્યાંથી ખબર હોય ?

૧૯૬૫ની આસપાસ જ્યાં ગામડાંઓમાં દીવા અને ફાનસો જ અંધારામાં અજવાળું આપવાનું નમ્ર (અને યથાશક્તિ) કાર્ય કરતાં હતાં એ જમાનામાં અમારા અનાવલ ગામના ખંડુકાકા છેક મુંબઈથી આવું એક પેટ્રોમેક્સ લઈ આવેલા.

આમ તો એમની કરિયાણાની દુકાન. પરંતુ સાંજે સુરજ ડૂબું ડૂબું થતો હોય એ પહેલાં… જ્યારે ખંડુકાકા દુકાનના ઓટલે બેસીને પેટ્રોમેક્સ ચાલુ કરે… એ આખી ‘જાદુઈ ઘટના’ જોવા માટે કમ સે કમ બે ડઝન ટાબરીયાં અને એક ડઝન સ્ત્રી પુરુષું ‘ઓડિયન્સ’ ગોળાકારે ગોઠવાઈ જતું !

તમને થતું હશે કે પેટ્રોમેક્સ ચાલુ કરવાનું એમાં વળી શી ધાડ મારવાની ? પણ ના, એ તો જાણે આખી ‘કળા’ હતી !

સૌથી પહેલાં તો ખંડૂકાકો દુકાનમાંથી સરસ મઝાનું સ્ટેનલેસ સ્ટીલ બોડીનું પેટ્રોમેક્સ કાઢીને બહાર મુકે. પછી એને કપડું લઈને સાફ કરે ! (ચોખ્ખું ચણાક હોય છતાં) ત્યાર બાદ એ ફર્શ પર ઘૂંટણિયાં ટેકવીને ઉકડા બેસે… અને કંઈ મંત્ર ભણતા હોય તેમ વાંકા વળીને પેટ્રોમેક્સની કાચની ચીમની પાસે મોં રાખીને આંખો મીંચીને કંઈક બબડે ! 

એ પછી ધીમે ધીમે પેટ્રોમેક્સમાં પંપ મારવાનું ચાલુ કરે… આ પંપનો આકાર પણ ડોક્ટરના ઇન્જેક્શનની સિરીંજ જેવો હોય ! એટલે શરૂઆતમાં કોઈ ડીગ્રીધારી કુશળ ડોક્ટરની માફક પંપને અંગૂઠા વડે દબાવતા જાય…

પછી અમુક ચોક્કસ ગણતરી કર્યા બાદ એક હાથે પેટ્રોમેક્સને ઝાલી રાખીને, બીજા હાથે હથેળીના ઉપસેલા ભાગ વડે પમ્પીંગ ચાલે… દરમ્યાનમાં ઓડિયન્સ જોયા જ કરતું હોય !

થોડીવાર પછી ખંડુકાકા પેટ્રોમેક્સની એક ચાંપ દબાવીને એની ચીમની ઊંચી કરે અને એક નાનકડા નાળચામાં પલીતો, સોરી પલીતી (દીવાસળી) ચાંપે !

તરત જ ‘ભપ્પ’ કરતી જ્વાળા પ્રગટે ! પરંતુ એ કેવી હોય ? લહેરાતી ચૂંદડી જેવી નહીં, પણ રીતસર તોપ જેવી જ હોય !  એનો શેરડો ચીંધાયેલો હોય ચીમનીની વચ્ચે લટકતી એક સફેદ જાળી ઉપર ! 

જેનો આકાર શરૂઆતમાં તો હવા નીકળી ગયેલા ફૂગ્ગા જેવો હોય, પરંતુ જેમ જેમ પેલી જ્વાળા એને ગરમ કરતી જાય તેમ તેમ એનો આકાર બદલાઈને ગોળ નાનકડા ઝીરોના બલ્બ જેવો બની જાય !

શરૂમાં તે સફેદ હોય, પછી તેનો રંગ બદલાતો જાય ! આછો ભૂરો… પછી કેસરીયો… અને પછી લાલચોળ !

બસ, આ ચોક્કસ ક્ષણ આવે ત્યારે ખંડુકાકા પેટ્રોમેક્સનું એક ચોક્કસ ચકરડું ગોળ ફેરવે ! એ સાથે જ પેલી જ્વાળા ‘ભપ્પ’ કરીને મોટો ભડકો કાઢે ! આવું ચાર પાંચ વાર કરે ત્યાં તો પેલી જાળી વડે બનેલો બલ્બ અચાનક ઝગમગતા રૂપેરી પ્રકાશ સાથે ઝગમગી ઊઠે !

આહાહા ! આ ક્ષણની જ સૌ રાહ જોતાં હોય તેમ ટાબરિયાં તાળીઓ પાડીને કિલ્લોલ કરી મુકે !

પણ રૂકો જરા, સબર કરો ? હજી પેલો જાળીદાર બલ્બ પુરેપુરો સોળે કળાએ ખીલ્યો નથી ! એ તો જેમ જેમ દસ-પંદર-વીસ-ત્રીસ સેકન્ડ પસાર થાય તેમ તેમ વધુને વધુ પ્રકાશ વેરવા લાગશે ! છેવટે એકાદ  મિનિટે તે સંપૂર્ણપણે ઝળહળી ઊઠે. 

સાલું, આખા આ ખેલ દરમ્યાન સૌનું ધ્યાન ખંડૂકાકા અને એમની કારીગરી ઉપર જ હોય ! એટલે જ્યારે ત્રીસેક મિનિટે ખેલ પુરો થાય અને સૌ એ ‘હિપ્નોટેઝમ’માંથી બહાર આવે ત્યારે ચારેબાજુ અંધારુ છવાઈ ગયેલું હોય !

બસ, એ પછી ખંડુકાકો પેટ્રોમેક્સ દુકાનમાં લઈ જાય અને પોતાના કારોબારને રિ-સ્ટાર્ટ મારે ! ‘બોલ, પોરી, હું લેવા આવલી?’ ‘ડોહા, તને હું જોઈતું છે ?’ એમ બોલતાં ખંડુકાકો વારાફરતી ચીજવસ્તુઓનાં પડીકાં વાળતો જાય.

અમારા ગામની આસપાસ કપચી ખોદવાની ક્વોરીઓ તથા લાકડાં વેરવાના ડેન્સો (બેન્ડ-સો) આવેલા, એટલે પેટ્રોમેક્સ પછીની ઘરાકી મોટેભાગે મજુરોની રહેતી. બિચારા મજુરો પણ આ નાનકડું મનોરંજન માણવાને બહાને કરિયાણાની બીજી કોઈ દુકાને જવાને બદલે ખંડુકાકાને ત્યાં જ આવે !

ખંડુકાકો પણ હોંશિયાર, એ મજુરોને રોજ મફતમાં બે ચાર બીડીઓ આપે, નિરાંતે ઓટલે બેસવા દે અને એ બહાને દરેક ચીજમાં બબ્બે પૈસાનો ભાવ વધારે લઈ લે !

એક સાંજે આ ‘ડેઈલી શો’માં એક નવા મહેમાનની હાજરીને કારણે પેટ્રોમેક્સની કમાણીમાં એક વળાંક આવ્યો…

આ નવો મહેમાન એટલે નજીકના પાલગાભણ ગામમાં દારૂનું પીઠું ચલાવતો સોમલો ભગલો. એણે જોયું કે ‘હાહરાની અડધી ઘરાકી તો આ ચાંદા જેવું ઉજેડ (અજવાળું) જ લાવી આપતું છે !’

આ સોમલા ભગલાએ અમારા ખંડુકાકાને પૂછ્યું ‘આ ચાંદલિયું ફાનસ તમે કાંથી લાઈવા ? તે કેટલામાં મલે ?’

ખંડુકાકાએ કહ્યું ‘એ તો મુંબઈમા જ મલે. તે બી પુરા પાન્સેં રૂપિયા (પાંચસો રૂપિયા) ઢીલા કરવા પડે.’

સોમલા ભગલાને તો ૫૦૦ રૂપિયાનો ખાસ વાંધો નહોતો પણ એનો પ્રોબ્લેમ બીજો હતો. ‘ખંડુકાકા, આ ચાંદલિયું મેં લેઈ તો આવું, પણ હહરીનું તેને હલગાવવાનું કેમ કરીને ? તમે મને હીખવાડે કે ?’ (શીખવાડશો કે)

ખંડુકાકા આમ તો ઉદાર દિલના વેપારી. એમણે માત્ર પહેલી ધારના દારૂની એક જ બાટલીની ગુરુદક્ષિણા સ્વીકારીને શિષ્યને આ અઘરી કળા શીખવવાનું વચન આપી દીધું.

બસ, પછી તો શું ? ખંડુકાકાએ આપેલા સરનામા મુજબ સોમલા ભગલાએ ૫૦૦ રૂપિયા વત્તા પાર્સલ ખર્ચના બીજા ૨૫ એમ કરીને પાંચસો ને પચ્ચીસનું મનીઓર્ડર કીધું !

પંદરમે દહાડે તો ‘ચાંદલિયું ફાનસ’ હાજર ! સોળ, સત્તર અને અઢાર… એમ ત્રણ દિવસનો કોર્સ કરી લીધા પછી સોમલા ભગલાએ આ પૂનમના ચંદ્ર જેવો પ્રકાશ રેલાવતું ચાંદલિયું ફાનસ ટીંગાડી દીધું. પોતાના પાલગાભણ ગામના દારૂના પીઠે !

પછી તો થયો ચમત્કાર… જે પીઠું રાતે આઠ-નવ વાગે બંધ થઈ જતું હતું ત્યાં રાતના અગિયાર, સાડા અગિયાર સુધી ઘરાકી રહેવા લાગી ! લોકો દૂરદૂરથી ચાલીને, ગાડામાં કે સાઈકલ-બાઈક લઈને અહીં ખાસ પીવા આવે !

દારૂડીયાઓને તો મજા મજા પડી ગઈ ! ‘એની બેનને… સોમલા ભગલાને તાં તો હહરીનું કેવું ઠંડું ઠંડું ઉજેડ (અજવાળું) લાગિયા કરે ! જેમ જેમ પીતા જાયે તેમ તેમ ઉજેડ હો વધતું ચાલે !’

વધતી ઘરાકી જોઈને સોમલા ભગલાએ સાથે સાથે ગરમાગરમ ભજિયાંનો તાવડો પણ ચાલુ કરી દીધો ! ‘એ હું ચાખણામાં ચણા-મમરા ચાવિયા કરવાના ? ભજીયાં ખાવોની ?’

નવા લાવેલા ચાંદલિયા ફાનસે તો પીઠાની કમાણી ડબલ કરી નાંખી ! સોમલા ભગલાએ એ નવલા પેટ્રોમેક્સને લગભગ ભગવાનનો દરજ્જો આપી દીધો ! મોડી રાત્રે જ્યારે પીઠું વધાવે (બંધ કરે) ત્યારે ગલ્લા પાસે જે ભગવાનના ફોટા હતા તેની બાજુમા જ નવો ખીલો ઠોકીને ત્યાં આ ‘ચાંદલિયું ફાનસ’ની સ્થાપના કરી !

છ મહિનામાં તો સોમલો ભગલો માલામાલ થઈ ગયો. ચાંદલિયા પીઠાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સોમલા ભગલાએ ‘એકસ્ટ્રા ગુરુદક્ષિણા’ પેટે અમારા ખંડુકાકાને દર રવિવારે એક ‘પહેલી ધારની’ બાટલી પહોંચાડવા માંડી.

પરંતુ એ પછી એક સવારે કહાણીમાં નવો ટ્વિસ્ટ આવ્યો… સોમલો ભગલો દસેક વાગે ઊઠીને આંખો ચોળતો જઈને પીઠું ખોલે છે અને ભગવાનના ફોટા સામે અગરબત્તી ધરીને જુએ છે તો ત્યાંથી પેલું પેટ્રોમેક્સ ગાયબ છે !

આ જોઈને સોમલા ભગલાના પેટમાં ફાળ પડી ! જેને પોતે સાક્ષાત્‌ લક્ષ્મીનું સ્વરૂપ માનતો હતો તે ‘ચાંદલિયું ફાનસ’ ગાયબ ? મતલબ કે રાતની ઘરાકી પણ ગાયબ ? મતલબ કે પેલો ભજીયાંનો તાવડો પણ હવે ઠંડો ?

સોમલા ભગલાએ ચારે દિશામાં શોધખોળ આદરી. પોલીસને પણ ફરિયાદ કરી ! અરે, ‘ચાંદલિયું ફાનસ’ના ચોરને શોધી લાવનારને રોકડા ૫૦૧ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું…

પણ અફસોસ ! મહિનો વીતી ગયો. છતાં ન તો ચોર પકડાયો કે ન તો ચાંદલિયું ફાનસ દેખાયું.

આખરે થાકી હારીને સોમલો ભગલો અમારા ખંડુકાકા પાસે આવ્યો. ‘કાકા, પેલું મુંબઈનું કાઢો સરનામું, ને મનીઓર્ડર કરો રૂપિયા છહો ને એકનો ! (૬૦૧નો) એની બેનને… ધંધો ભાંગી પડે તે નીં પોહાય !’

ખંડુકાકાએ સોમલા ભગલાના ખભે હાથ મુકીને કહ્યું ‘એની જરૂર નીં પડવાની, કેમકે ચોર કોણ છે તે મેં જાણતો છે.’

‘કોણ છે ?’

‘તારા ગામથી આગળ ભીનાર ગામમાં જે દારૂનું પીઠું ચલાવતો છે તે મકનો !’

‘તમે કેમ જાઈણું કે તે જ ચોર છે ?’

‘કેમકે…’ ખંડુકાકાએ કીધું ‘એ હહરીનો મારી પાંહે હીખવા (શીખવા) આવેલો કે કાકા, આ પેટ્રોમેક્સ કેમ કરીને હલગાવવાનું (સળગાવવાનું) તે મને હીખવોનીં ?’ (શીખવોને)

લો બોલો. સોમલા ભગલાનું પીઠું ધમધોકાર ચાલતું હતું તેનાથી નજીકના ગામના મકના છનિયાની ઘરાકી અડધી થઈ ગઈ હતી. એટલે એક રાત્રે તેણે ચોરી લીધું હતું.

- પણ ભાઈ, પેટ્રોમેક્સ ચાલુ કરવાની ‘કળા’ કંઈ રસ્તામાં થોડી પડી છે ? ‘ગુરુ’ કરવા પડે, ભાઈ ‘ગુરુ’ !

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. વાહ ભાય વાહ !!🍺🍺🍺बडो मझो आयो बाबक बडो मझो आयो!

    ReplyDelete
  2. નોસ્ટાલ્જિક

    ReplyDelete

Post a Comment