વીસરાતી જતી ઠગાઈ કળાઓ !

આજના જમાનામાં ઓનલાઇન ફ્રોડ કેટલા બધા વધી ગયા છે ? (ઉપરથી એ ઠગ લોકો ‘વર્ક ફ્રોમ હોમ’ કરે છે, બોલો !) પરંતુ યાદ કરો એ જમાનો… જ્યારે ઠગ લોકો ‘ઓફલાઈન’ કામ કરતા હતા…

પ્રસ્તુત છે એક નાનકડી યાદી… એવી ‘ઠગાઈ કલાઓ’ને શ્રદ્ધાંજલિ રૂપે…

*** 

યાદ છે ? બહેનો કે માજીઓ મંદિરે જતા હોય તો એમને વચ્ચે અટકાવીને આ લોકો કહેતા હતા ‘આગળ ઘરેણાં ખેંચી જનારા ગુંડાઓ છે ! લાવો, તમારાં ઘરેણાં તમારી થેલીમાં મુકી આપું !’
પછી મહિલાઓની ‘નજર સામે’ ઘરેણાં સેરવી લેતા હતા !

હાથચાલાકી બોસ, માત્ર હાથચાલાકી !

*** 

હજી યાદ કરો… અમુક લોકો બપોરના સમયે ઘરે આવતા, ઘરની ગૃહિણીને કહેતા ‘તમારાં ઘરેણાંને ચમકદાર બનાવવાનું કેમિકલ વેચીએ છીએ ! લાવો, ડેમોન્સ્ટ્રેશન બતાડું…’

એમ કરીને તમારા ઘરના જ વાસણમાં પ્રવાહી રેડીને ઘરેણાં મુકીને કહેતા. ‘બસ, દસ મિનિટ પછી ઢાંકણું ખોલજો !’

આ હતી હાથચાલાકી પ્લસ નજરબંધીનો ખેલ ! કોને આવડે છે આજે ?
*** 

ગરીબ ગભરુ જેવા ગામડીયા કોઈ શહેરીના બંગલે આવતા. ‘અમારા ખેતરમોંથી સોનું નેંકળ્યું છે… પણ બજારમોં વેચવા જઈએ તો પોલીસ પકડી લે ! તમોંને જોઈએ છે ? ઘરમોં મોટી મુસીબત આઈ છ… પૈશાની સખત જરૂર છે બાપલ્યા !’

શહેરી માણસને ખાત્રી કરાવવા માટે અસલી સોનાના સિક્કા આપે… પછી સસ્તામાં સોદો કરવા ગામડે બોલાવે… અને છેવટે પેલા ‘ચરૂ’માંથી નીકળે કાંકરા !

આમાં તો અભિનય કલા, વાક-ચતુરાઈ, હાથચાલાકી, નજરબંધી અને ટીમ-વર્ક… બધું જ જોઈએ ! છે કોઈ પાસે આજે ?

*** 

બીજો એક ખેલ તો ગજબનો હતો ! એ લોકો એવા ‘ચશ્મા’ બતાડતા કે જેમાંથી સામેવાળાનાં વસ્ત્રો ગાયબ થઈ જાય ! એનું ડેમોન્સ્ટ્રેશન કરે ત્યારે પેલાને ‘એવી’ સ્ત્રી દેખાય પણ ખરી !

અને પછી અમાસની રાતે, મંત્ર-તંત્રની વિધી ચાલે… (ક્યારેક તો સોનાનો વરસાદ કરાવતા) અને છેલ્લે ? ટોપી !

આમાં તો સાલું ‘હિપ્નોટિઝમ’ પણ આવી ગયું !

*** 
આજે તો આવી અભિનય કલા, વાક-ચતુરાઈ, હાથચાલાકી, નજરબંધી અને હિપ્નોટીઝમ… આવું બધું તો દેશમાં માત્ર એક જ નેતાને આવડે છે ! 

તમે જાણો છો એને…

***

- મન્નુ શેખચલ્લી

Comments