કુણાલ કામરાની સાઈડ ઈફેક્ટો !

કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રની શિવસેનાના નેતા માટે એક પેરોડી ગાયન શું ગાયું, હિન્દી ચેનલોની ભાષામાં, કહીએ તો ‘હડકંપ’ મચી ગયો છે !

જોકે એની રમૂજી સાઈડ ઈફેક્ટો પણ થઈ છે….

*** 

મોટાભાગના સ્ટેન્ડ અપ કોમેડીયનો કુણાલ કામરાથી જલી ગયા છે ! એ લોકો બિચારાઓ વિડીયો બનાવી બનાવીને થાક્યા…

અને આ માણસ એક જ ફાલતુ પેરોડીમાં ‘નેશનલ કોમેડી સ્ટાર’ બની ગયો ?

*** 

એક ખતરનાક અફવા એવી છે કે કુણાલ કામરા હવે રાજકારણમાં ઝંપલાવશે.

બીજી વધુ ખતરનાક અફવા એવી છે કે કુણાલ કામરા પેલા ઝેલન્સ્કીને પોતાની પ્રેરણા માને છે ! બોલો, હવે દેશને કોણ બચાવશે ?

*** 

કેટલાક લોકોનું માનવું છે કે કોમેડીના મામલે હવે રાહુલ ગાંધીનુ વર્ચસ્વ ખતરામાં છે !

*** 

કુણાલ કામરાએ એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કીધા છે એ તો સૌ જાણે છે પરંતુ ખાનગી વાત એવી છે કે પાટલી બદલીને ભાજપમાં પહોંચી ગયેલા કોંગ્રેસી નેતાઓ આ બાબતે ‘કોપીરાઈટ ભંગ’નો કેસ કરવાના છે ! 

એમનું માનવું છે કે ‘ઓરીજીનલ ગદ્દારો’ તો અમે છીએ !

*** 

કહેવાય છે કે આ ઘટના પછી કુણાલ કામરાને દેશ તથા વિદેશથી લાખો રૂપિયાનું ‘દાન’ મળ્યું છે !

આ વાતે મણિશંકર ઐયર બહુ જ ચીડાયા છે. એમનું કહેવું છે કે ‘યાર મેં તો મોદીજીને ‘નીચ’ ‘ચાવાળો’ ‘કાયર’ ‘હિટલર’… આટલું બધું કીધું છે છતા મને કોઈએ એક રૂપિયો દાનમાં નથી આપ્યો !’

*** 

દાનની વાત સાંભળીને મુનવ્વર ફારુકી, વીર દાસ, સમય રૈના જેવા કોમેડિયનો પણ જલી રહ્યા છે કે ‘એક જ જોકના આટલા બધા હોતા હશે ?’

*** 

જોકે અમુક જુનાં ઓડિટોરીયમ અને જુના હોલવાળાને આમાં તક દેખાઈ રહી છે. એમને એમ છે કે આમેય રીનોવેશન માટે તોડફોડ તો કરવાની જ છે ? 

તો યાર, કુણાલ કામરાનનો એક શો જ રાખી દઈએ ને ! એક પંથ દો કાજ…

***

- મન્નુ શેખચલ્લી

Comments