અમુક લોકો રોદણાં રડતા રહે છે કે બહારના દેશો ભારતની ટેલેન્ટને ખેંચી જાય છે. પણ સાહેબો, અહીં અમુક ટેલેન્ટો એવી છે જે દુનિયામાં ક્યાંય નથી ! જુઓ…
***
કરુબાજ ટેલેન્ટ :
બેન્કોના ફ્રોડ કરવામાં આપણા પ્રતિભાશાળી કરુબાજોએ ૧ લાખ ૨૫ હજાર કરોડનું ‘કરી’ નાંખ્યું છે ! અમે તો કહીએ છીએ કે આવા લોકોને પાકિસ્તાનમાં મોકલો !
***
ઓનલાઇન કરુબાજ ટેલેન્ટ :
આમાં પણ ઇન્ડિયાનો વટ છે ! એક જ વરસમાં આ જિનિયસ કરુબાજોએ ૪ લાખ ૨૨ હજાર કરોડનું કરી નાંખ્યું છે ! હવે તો એમની ચાઈના જોડે ફ્રેન્ચાઈઝી છે !
***
યુ-ટ્યુબર ટેલેન્ટ :
માત્ર યુ-ટ્યુબ જ શું કામ ? ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ રોજના કરોડોના હિસાબે રીલ્સ અપ-લોડ થાય છે ! અરે હવે તો હોસ્પિટલના મહિલા પેશન્ટોના વિડીયો પણ વેચાય છે. બોલો, ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે ટેલેન્ટ ?
***
ફોટોગ્રાફી ટેલેન્ટ :
આમાં પણ મેઇન છે ‘સેલ્ફી’ ટેલેન્ટ ! હવે તો ફિલ્ટરો પણ એટલા બધાં આવી ગયાં છે કે બ્યુટિશીયનોની ટેલેન્ટ નકામી થવા લાગી છે !
***
ફિલ્મ-રિવ્યુ ટેલેન્ટ :
દેશમાં જેટલી ફિલ્મો બને છે એનાથી દસ ગણા તો એના ‘રિવ્યુકારો’ છે ! એમાંથી અમુક તો માત્ર એક સોફ્ટ ડ્રીંક અને એક પોપકોર્ન લીધા વિના પણ ‘વખાણ’ લખી શકે છે !
***
કવિ ટેલેન્ટ :
જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે તો ફેસબુકીયા કવિઓનો રાફડો ફાટે છે ! અને આમેય, દેશના હજારો કવિઓ વિનામુલ્યે આ સેવા આપી રહ્યા છે. કોઈ તો કદર કરો ?
***
ટ્રોલ ટેલેન્ટ :
અપશબ્દો, અપમાન, ગાળાગાળી, રેપની ધમકી, મારી નાંખવાની ધમકી… આવું જેના માટે રોજનું થયું છે એવા લાખો ટ્રોલ-ટપોરી તો આપણા દેશની ‘તાકાત’ છે ! કાલે ઉઠીને આ લોકો એક આખી રાજકીય પાર્ટી બનાવી શકે છે ! …. રીસ્પેક્ટ, પ્લીઝ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment