ભયંકર ભવિષ્ય છે બોલરોનું !

ઓવરમાં એક જ બાઉન્સર, કમરથી ઊંચો ફૂલટોસ નાંખો તો નો-બોલ, લેગ સાઈડમાં પગથી માંડ છ ઈંચ દૂર બોલ નાખો તો વાઈડ, એક બોલરને ચાર જ ઓવર, પહેલી છ ઓવરમાં બાઉન્ડ્રી પર બે જ ફિલ્ડર, દસ ઓવર પછી નવો બોલ…

આ તમામ નિયમો જાણે ઓછા હોય તેમ આઈપીએલમાં હવે બોલરોની કબર જેવી ડેડ-પિચો બની રહી છે ! શા માટે ?

કેમકે તમાશો જોવા આવેલા ઓડિયન્સને ચોગ્ગા ને છગ્ગા જ જોવા છે ! જો આમ જ ચાલ્યું તો ભવિષ્યમાં…

*** 

નેટ પ્રેક્ટિસમાં કોચ બોલરોને કહેતો હશે : ‘અલ્યાઓ, આ શુ ક્યારના યોર્કર, ગુગલી અને સ્વીંગ બોલિંગની પ્રેક્ટિસ કર્યા કરો છો ? સ્લોટમાં બોલ નાંખો સ્લોટમાં ! તમારી એક ઓવરમાં મિનિમમ એક સિક્સર અને બે ચોગ્ગા નહીં પડે તો ટીમમાંથી ડ્રોપ થઈ જશો, ડ્રોપ !’

*** 

ડ્રેસિંગ રૂમમાં મોટા પોસ્ટરો લાગ્યાં હશે : ‘બોલરો યાદ રાખો, આઈપીએલને જીવતી રાખવા માટે તમારે જ ભોગ આપવાનો છે !’

*** 

સાસુઓ એમની વહુઓને શ્રાપ આપતી હશે : ‘તેં મને આટલી હેરાન કરી છે ને ? તો જા… તારો દિકરો આઈપીએલમાં બોલર બનશે !’

*** 

આઈપીએલની હરાજીમાં બોલરોની જે કિંમત હોય તેની ઉપર ૨૦ ટકા રકમ દરેક બોલરને ડિપ્રેશનની સારવાર માટે એકસ્ટ્રા આપવાની રહેશે !

*** 

આ ઉપરાંત મેચના અંતે જે બોલરની સૌથી વધુ ધૂલાઈ થઈ હોય તેને સ્ટેન્ડ-અપ કોમેડી શોના ફ્રી પાસ આપવામાં આવશે. (આ પણ ડિપ્રેશનની સારવારનો ભાગ હશે.)

*** 

આઈપીએલમાં હવે નવા રૂલ્સ પણ આવવાના છે :

(હવે કોઈપણ બોલર વધુમા વધુ બે જ ઓવર નાંખી શકશે. (જેથી દસે દસ ફિલ્ડરોને બોલિંગ કરવી પડશે.)

કોઈપણ ફીલ્ડર પોતાની જગ્યાએથી આગળ પાછળ કે ડાબે જમણે માત્ર દસ જ ફૂટ જેટલું હલનચલન કરી શકશે !

અને… એલબીડબલ્યુનો આખો રૂલ જ રદબાતલ કરવામાં આવશે ! બીસીસીઆઈ ઝિન્દાબાદ !

***

- મન્નુ શેખચલ્લી

Comments