આઇપીએલ જેવા સહેલા ઈન્ટરવ્યુ !

આઈપીએલની મેચ પતે પછી અથવા ચાલુ મેચે જે ઇન્ટરવ્યુ લેવાતા હોય છે એમાં કેવા લોલીપોપ જેવા સહેલા સવાલો પૂછાતા હોય છે ! ઉપરથી એના જવાબો પણ એટલા જ ગોળગોળ હોય છે !

કલ્પના કરો કે એવા જ ઇન્ટરવ્યુ આજકાલના નેતાઓના આવતા હોત તો…

*** 

એકનાથ શિંદે :
પત્રકાર : અભિનંદન શિંદેજી ! આપ ફરી સમાચારોની સુર્ખિયોમાં આવી ગયા છો ! આપના શિવસૈનિકોએ જબરી તોડફોડ મચાવી દીધી !

શિંદે : અં… યાહ… વેલ, અમારા શિવસૈનિકોને તોડફોડનો બહુ વરસો જુનો એક્પિરીયન્સ છે… એટલે આ તો બહુ સહેલું હતું !

પત્રકાર : તમને ‘ગદ્દાર’ની નવી પદવી પણ મળી ગઈ છે. કૈસા લગતા હૈ ?

શિંદે : વેલ, સાચું કહું તો હું એને લાયક નથી. મારા સિનિયર અને બાલાસાહેબના સુપુત્રને આ પદવી બહુ પહેલાં મળી જવી જોઈતી હતી, જ્યારે એમણે કોંગ્રેસ અને એનસીપીની ટીમ જોઈન કરી લીધી હતી ! એમને બહુ મોટો અન્યાય થયો છે…

*** 

દેવેન્દ્ર ફડનવીસ :
પત્રકાર : વેલ ડન સર ! નાગપુરમાં તમે રમખાણોને ઝડપથી કાબૂમાં કરી લીધાં !

ફડનવીસ : થેન્ક યુ ! જોકે અમે સત્તા સંભાળી ત્યારથી આ જ તકની રાહ જોઈ રહ્યા હતા કે રમખાણો ક્યારે થાય અને ક્યારે સ્થિતિને કાબૂમાં લઈ લઈએ !

પત્રકાર : આમાં એક ‘છાવા’ નામની ફિલ્મનો પણ બહુ મોટો ફાળો છે, રાઈટ ?

ફડનવીસ : ઓ યસ યસ ! અગાઉ અમે ફિલ્મોનાં પોસ્ટર ઉપર ડામર ચોપડતા હતા. પણ હવે અમે રણનિતી બદલી છે, હવે અમે ફિલ્મોને સપોર્ટ કરીએ છીએ. કેમ કે દરેક ફીલ્ડમાં પોઝિટીવીટી બહુ જરૂરી છે…

*** 

રાહુલ ગાંધી :
પત્રકાર : સાંભળ્યું છે કે તમે ગુજરાતમાં અશ્વ સંવર્ધન સંસ્થા શરૂ કરી રહ્યા છો ?

રાહુલજી : ઓ યાહ ! અમે ઓલરેડી ઘોડાઓની બે નસલને આઈડેન્ટીફાય કરી લીધી છે. ૭મી એપ્રિલથી ત્રણ દિવસ માટે અમે ગુજરાતમાં અમારા તમામ અશ્વોનું એક નસલ પરીક્ષણ પણ યોજી રહ્યા છીએ ! હોપફૂલી એમાંથી નવી નવી અશ્વ નસલો પેદા થશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments