અનોખા કર્મચારીની ગજબની શરતો !

એક મોટી કંપનીના જોબ ઇન્ટરવ્યુમાં એક ઉમેદવાર સિલેક્ટ થઈ ગયો. પણ એ જબરો હતો. એણે કહ્યું :

‘જુઓ, તમે મને નોકરી તો આપી છે પણ મારી કેટલીક શરતો છે.’

‘બોલો.’

‘હું ભલે તમારી નોકરી કરતો હોઉં પણ એ દરમ્યાન હું મારો પોતાનો જે કંઈ ધંધો, કારોબાર, દલાલી કે ગુંડાગીરી કરું છું તે ચાલુ રાખીશ.’

‘એવું તે કંઈ -’

‘અને સાંભળો, મારા કામ કરવાના કલાકો ફીક્સ નહીં હોય ! મારું મન થાય ત્યારે મને રસ હોય એટલાં જ કામો કરીશ !’

‘આ તો જરા -’

‘જરા નહીં, પુરું સાંભળો ! હું તમારું કામ કરવા માટે પગાર, ભથ્થું, મફત વીજળી પાણી, મફત વિમાન પ્રવાસ એ બધું તો લઈશ જ ! ઉપરથી મારી ઓફિસ ચલાવવા માટે મહિને ૬૦,૦૦૦ વધારાના લઈશ !’

‘આ જરા વધારે પડતું છે.’

‘જરાય નહીં ! કેમકે આ બધું જ લીધા છતાં હું ક્યાં છું અને શું કરી રહ્યો છું એ તમને નહીં જણાવું !’

‘પણ વરસમાં બે ત્રણ વાર જ્યારે બધા કર્મચારી ભેગા થાય ત્યારે -’

‘ત્યારે એ મિટિંગોમાં હાજર રહેવાનું દૈનિક ૨૫૦૦ રૂપિયા એકસ્ટ્રા આપવા પડશે ! એટલું જ નહીં, બારે મહિના માટે બંગલો, ગાડી, નોકર ચાકર ડ્રાઈવર એ બધું તો આપવું જ પડશે.’

‘એવું ?’

‘અને હા, એ મિટિંગોમાં હું બેઠો બેઠો ઝોકાં ખાઉં, ઊંઘી જાઉં કે ખાલીખાલી હોબાળો કર્યા કરું… કે મનફાવે ત્યારે ગુટલી મારી જઉં, એ મારી મરજી ! ’

‘આ તો હદ કહેવાય !’

‘હજી બાકી છે… હું જો કોઈ ગોટાળા કરું, કૌભાંડ કરું કે ક્રિમિનલ જેવાં ગુના કરું તો પણ મારી સામે કાર્યવાહી કરવા માટે તમારે કોર્ટથી પરમિશન લેવી પડશે !’

‘ઓ ભાઈ, આવી શરતો હોય તો કોઈ નોકરી આપતું હશે ?’

‘આપે જ છે ને ! આ દેશના સાંસદો અને વિધાનસભ્યો આવી જ શરતોથી પ્રજાની નોકરી વટ કે સાથ, કરે જ છે ને !’

***

- મન્નુ શેખચલ્લી

Comments