આજકાલ દુનિયામાં એવી વિચિત્ર ઘટનાઓ બની રહી છે કે એને જરા જુદી રીતે સમજો તો વધારે મજા પડશે ! જેમકે…
***
પાકિસ્તાનનું આર્મી હવે બાંગ્લાદેશના સૈનિકોને તાલીમ આપશે !
- આ તો એવી વાત થઈ કે બે ભિખારીઓએ હાથ મિલાવી લીધા અને નક્કી કર્યું કે ‘અહીંથી હવે પેલા શેઠીયાની મર્સિડીસ કાર પસાર થાય ને, તો આપણે એની ઉપર પથ્થર મારીશું ! તું પેલી બાજુથી મારજે અને હું આ બાજુથી મારીશ ! બહુ મજા આવશે !’
***
ટ્રમ્પ ઘડીકમાં યુક્રેનના ઝેલેન્સકીને સમજાવે છે, તો ઘડીકમાં રશિયાના પુતિનને સમજાવે છે ! પણ કોઈ ગાંઠતું નથી…
- આ તો એવી વાત થઈ કે ગલીમાં એક ગલુડીયું અને ડાઘિયો કૂતરો ક્યારનાં સામસામું ભસ્યા કરતાં હતાં પણ કોઈને પરવા નહોતી. પણ એક નવો નવો જમાદાર ડંડો લઈને અહીંથી નીકળ્યો એ ચીડાઈ ગયો ! એણે જોરજોરથી ડંડો પછાડવા માંડ્યો !
હવે હાલત એ છે કે બંને કૂતરા જમાદારને ગાંઠતા નથી ! ભસાભસી એટલી વધી ગઈ છે કે ખુદ જમાદાર પણ ભસવા લાગ્યો છે !
***
ટ્રમ્પ અને એલન મસ્કે ધડાધડ એક પછી એક એવાં ઉતાવળીયાં અને ચોંકાવનારા પગલાં લેવા માંડ્યાં છે કે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે !
- આ તો એવી વાત થઈ કે સરકસમાં લાલ મોઢાવાળાં બે નવાં ઉરાંગ-ઉટાંગ વાંદરાના ખેલ જોવા માટે લોકોએ હોંશેહોંશે ટીકીટો લીધેલા… પણ આ બે વાંદરા તો હુપાહુપ કરતાં ઓડિયન્સમાં ઘૂસી ગયા છે અને હવે તો સરકસનો તંબૂ જ હચમચાવી નાંખ્યો છે !
***
સંભાજીનગરમાં ઔરંગઝેબની કબરને નામે સામસામાં ટોળાં, નેતાઓ, પાર્ટીઓ અને વિચારવંત લોકોમાં ઘર્ષણ ફાટી નીકળ્યું છે…
- આ તો એવી વાત થઈ કે એક ઝાડ ઉપર બહુ મોટો મધપૂડો જોઈને બે પાર્ટીને આકડે મધ દેખાયું ! પણ કોઈકે જરીક અમથો કાંકરીચાળો કરતાં જ મધમાખીઓ છંછેડાઈ ગઈ ! આમાં ને આમાં એમના ડંખથી બધાનાં મોઢાં સુજી ગયાં છે ! લેતા જાવ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment