બકાનો 'શુનીતાવારો' કાગર !

અમારો એક મહેસાણાનો ‘બકો’ છે. એ વરસો પહેલાં અમને અવારનવાર કાગળ લખતો હતો. વચમાં એ ખોવાઈ ગયો હતો પણ હમણાં જ એનો એક પત્ર આવ્યો છે !

વાંચો એના છૂટાછવાયા અંશ…

*** 

મન્નુભઈ, તમીં જુદા જુદા લોકોની બોલીમાં જાતજાતનું લખો છો, એ બરોબર પણ અમારા મેંહોંણાની બોલીમોં ઘણા ટાઈમથી ચમ કોંય લખતા નહીં ? અવ લખજો…

*** 

આ આપડોં શુનીતાબોંન લગભગ નવ મહિનોં લગીન અવકાશયાનમોં ર’યા પછેં ધરતી પર આયોં ઈમોં તો આપડા એક કવિએ લોંબી કવિતા લખીન શોસિયલ મિડીયામોં ચડાઈ મેલી !

મું કવ છું, આ હાહરા ‘નાશા’વારા આવા બે ચાર ઇંગ્લીસ કવિઓને નોંકરીએ ચમ નહીં રાખતા ?

આ ધોરિયાઓને કોંય આવડતું જ નંઈ ?

*** 

ત્યોં અમેરિકાવારા ટ્રમ્પને ય રોલા મારતોં નહીં આવડતું ? શુનીતાબોંન એકલોં એકલોં આકાશમંથી ઉતર્યોં, તાણ હોંમે લેવા ય ના જ્યા ?

ચલો હેંડો, ના જ્યાં, પણ ઇનું લાઈવ બતાડતા હોય તાંણે ‘નાશા’ની ઓફિસમોં જઈન બેહી ના જઈએ ? આપડા મોદી સાયેબ ચેવા ‘ઇશરો’મોં જઈન બેહી જયા તા ?

આવું ધોરિયાઓને ચમ નહીં આવડતું ?

*** 

ત્યોંના વિરોધ પક્સવારા ય હાવ મોળા નેંકળ્યા, મન્નુભઈ ! મું કઉં છું, કે શુનીતાબોંનને તો છ-છ મહિના પેલોં ધરતી પર લાબ્બાના હતોં ! તો ઇમોં આટલા ડખા ચમના થ્યા ? શરકારે ચ્યોં ઊંધું માર્યું ? ‘નાશા’એ ધ્યોંન ચમ ના આલ્યું ?

આખ્ખરે પેલા એલનભઈને જ ચમ વચમોં આવવું પડ્યું ? આવા શવાલો તો ત્યોંની લોકશભામોં કરીએ ક નંઈ ?

પણ આ ધોરિયા તો હાવ પોંણીમોં બેહી જ્યા !

*** 

ના ના, કોંઈ નંઈ તો છેવટે આપડા કેજરીવાલની જેમ દેકારો ના કરી મેલીએ ? કે શુનીતાબોંન અવકાસમાં જ અ’તા ઇના પુરાવા ક્યોં છ ?

મન્નુભઈ, હાચું કવ ? અમેરિકામોં આપડા ભારત જેવી લોકસાહી નંઈ !


***

- મન્નુ શેખચલ્લી

Comments