ત્રણ જનરેશન, ત્રણ એટીટ્યુડ !

અગાઉ બે જ પેઢીઓ હતી. એક બાપ-દાદાની પેઢી અને બીજી જુવાનિયાઓની. આજે ત્રણ જનરેશન છે. એક યંગ જનરેશન, બીજી મિડલ જનરેશન અને ત્રીજી સિનિયર જનરેશન.

આ ત્રણેના અલગ અલગ એટીટ્યૂડ છે ! જુઓ…

*** 

મેન્ટલ હેલ્થ વિશે…
યંગ જનરેશન : ‘લોકો મને પ્રોપરલી એપ્રિશીયેટ નથી કરતા એમાં ડિપ્રેશન આવી જાય છે !’

મિડલ જનરેશન : ‘ડિપ્રેશનનાં બે જ કારણ હોય… એક બોસ અને બીજી વાઈફ !’ 

સિનિયર જનરેશન : ‘શેનું ડિપ્રેશન અલ્યા ? બહુ વિચારો જ નંઈ કરવાના !’

*** 

સેલ્ફ એસ્ટિમ વિશે…
યંગ જનરેશન : ‘લોકો આપણને ઓલ ટાઇમ જજ કરે છે ! ટોક્સિક કોમેન્ટ્સ પાસ કરે છે, મોરાલ ડાઉન કરી નાંખે છે.’

મિડલ જનરેશન : ‘ભઈ, તમે ઉછળીને ઊંધા પડી જાવ તો બી વાઈફની નજરમાં તો રૂપિયા કમાનારા મજુર જ રહેવાના !’

સિનિયર જનરેશન : ‘અલ્યા એ વળી શેનો મોટો બિલ્ડર ? અમારી જોડે સ્કુલમાં હતો ત્યારે નાકમાંથી શેડા લબડતા હતા !’

*** 

રીલેશનશીપ વિશે…
યંગ જનરેશન : ‘મારી ગર્લફ્રેન્ડે મને હજી ફ્રેન્ડ-ઝોનમાં રાખ્યો છે કે રીલેશનશીપમાં જવુ છે એની ક્લેરીટી નથી કરતી !’

મિડલ જનરેશન : ‘બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક, જ્યાં રહેતા હોઈએ એની આસપાસમાં ફાંફાં નંઈ મારવાના અને બે, મોબાઈલમાં કશું સેવ નંઈ કરવાનું !’

સિનિયર જનરેશન : ‘જુઓ વડીલ, રીલેસન બધાં જોડે રાખવાનાં… જેની જોડે લફરું કરેલું હોય એની જોડે પણ !’

*** 

સકસેસ વિશે :
યંગ જનરેશન : ‘મારે લાઈફમાં કંઇક ડિફરન્ટ કરવું છે. યુસી, સમથિંગ યુનિક !’

મિડલ જનરેશન : ‘તંબૂરો સકસેસ ? અહીં ગધ્ધામજુરી કરીને તૂટી જઈએ તોય મેનેજમેન્ટને કશી કદર નથી. આના કરતાં પાનનો ગલ્લો સ્ટાર્ટ કર્યો હોત તો…’

સિનિયર જનરેશન : ‘જો બકા, આનંદમાં રહેવું એ જ સફળતા છે ! મને જ જોને, હું રિટાયર થયા ‘પછી’ કેટલો ખુશ છું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments