જીવોભાઈ 'ડુનિયાં' છોડીને ચાલી ગિયો !

'કેટલો કચાટ (કંકાસ) કરિયા કરે તમે લોકો ? મન હખેથી (સુખેથી) ઊંઘવા હો નીં દેતા, ને હખેથી જીવવા હો નીં દેતા ! તમે જોજો, એક દા’ડો આ ડુનિયાં જ છોડીને ચાઈલો જવા, મેં !'

અમારા ગડત ગામના જીવાભાઈ ભગાભાઈની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જોવાની વાત એ હતી કે એ ઊંઘ રાતની નહીં પણ દિવસની હતી ! કારણ શું ?

કારણ કે બાંસઠ વરસનો જીવો ભગો ગામડેથી છેક નવસારીમાં આવેલી એક ખાનગી ફેકટરીમાં રાતના ચોકીદારની નોકરી કરે. રાત્રે જે છેલ્લી બસ રિટર્ન થાય તેમાં તે નવસારી જાય અને આખી રાત નોકરું ટીચ્યા પછી સવારે નવસારીથી જે પહેલી બસ આવે એમાં બેસીને ઘેર આવે. થરથરતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ હોય, એનો રોજનો આ જ ક્રમ.

ઘરે આવતાં જીવાભાઈને સાડા છ જેવા વાગી જાય.. એ પછી એ હજી માંડ અડધો કલાકે ઊંઘ કાઢવાનું શરૂ કરે ત્યાં તો ઘરમાં કઢાપો (કચાટ-કંકાસ) ચાલુ થઈ જાય !

જીવા ભગાના બંને દિકરા ભણ્યા તો નહીં જ, પણ ગણ્યા ય નહીં. ભગાભાઈને એમ, કે જો એ  પરણશે તો જવાબદારી સમજતા થશે. પણ થયું ઊંધું ! ઘરમાં આવેલી બંને વહુઓ રોજ એકબીજા સાથે ઝગડે અને એની સાસુ સાથે ઝગડવામાં એકબીજાના વારા કાઢે ! 

એમની સાસુ, એટલે કે જીવા-ભગાની બૈરી પણ કંઈ ઓછી નહોતી ! એ પણ સામી ચોપડાવે ! આમાં ને આમાં જીવાભાઈની ઊંઘ કદરાઈ જાય, જીવ ખાટો થઈ જાય અને ‘ડુનિયાં’ છોડી જવાના વિચારો આવવા લાગે !

આખા કિસ્સામાં જોવા જેવું એ થયું કે ભર ચોમાસામાં જ્યારે સળંગ છ દિવસથી ધોધમાર વરસાદ વરસતો રહ્યો હતો એવા એક દિવસે જીવાભાઈ ખરેખર દુનિયા છોડીને જતા રહ્યા ! 

જોકે એની ખબર ઘરવાળાને બહુ મોડે મોડી પડી ! છેક બપોરે બંને વહુઓએ લડી ઝગડી લીધા પછી સસરા માટે જે દાઝી ગયેલા વગારવાળું શાક, ઊભરાઈ ગયેલા ભાત, બળી ગયેલો રોટલો અને ગઈકાલની વાસી દાળ ભાણામાં પીરસી હતી તે થાળી લઈને એમને જગાડવા માટે ગઈ, ત્યારે જુએ છે કે પથારી તો ખાલી છે !

બંને દીકરા તો ગામમાં ક્યાંક રખડતા હતા, પણ સાસુને પડી ફાળ ! ‘હહરીનો મારો ધણી કાં ગિયો ?’

ફળિયામાં તપાસ કરી, ગામમાં તપાસ કરી પણ જીવાભાઈનો ક્યાંય પતો નથી ! એવામાં ખબર આવી કે ‘હવારવારી બસ તો પૂલ પરથી નદીમાં ગબડી પડેલી ! અંબિકા નદીમાં પૂર આવેલું તેમાં આખી બસ ઘંહલાઈ (ઘસડાઈ) ગેલી ! આપણા ગામનો જીવોભાઈ હો તેમાં જ ઉતો !’

‘હાય હાય ! મારો ધણી ખરેખર ડુનિયાં છોડીને ચાલી ગિયો ?’ જીવાની બૈરીએ ધોધમાર વરસાદ વચ્ચે ફળિયામાં બેસીને છાતી કૂટવા માંડી.

દિકરાઓને ખબર પહોંચી. એ પલળતી છત્રીઓ સાથે ઘરે આવી પહોંચ્યા. દસ-પંદર લોકો સાથે નદીએ પહોંચ્યા તો ત્યાંનું દૃશ્ય જોઈને સૌની છાતીના પાટિયાં બેસી ગયાં !

આખેઆખી બસ તણાઈને બ્રિજથી દૂર પાણીમાં ત્રાંસી પડી હતી. એનું માત્ર છાપરું દેખાતું હતું !

બીજા દિવસે ખબર પડી કે બસમાં ચાર પેસેન્જર હતા. એમાંથી ત્રણ લાશ મળી છે. ચોથી હજી લાપતા છે. 

એસટી બસ તણાઈને ડૂબી રહી છે એવો ખ્યાલ આવતાંની સાથે જ ડ્રાયવર અને કન્ડક્ટર કૂદી પડ્યા હતા પણ પેસેન્જરો ભર ઊંઘમાં હતા. એમને ચેતવણી મળે એ પહેલાં તો બસ ડૂબી ચૂકી હતી.

લાશનો કબજો લેવા બંને દિકરા હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં ખબર પડી કે જે ચોથી લાપતા લાશ હતી એ જ એમના બાપા હતા !

ચાર ચાર દિવસની તપાસ પછી પણ જીવાભાઈ જીવતા હોવાની કોઈ સાબિતી મળી નહીં. એટલું જ નહીં, જીવાભાઈની જીવ વિનાની લાશ પણ મળી નહીં. હવે ?

એવામાં બીજા સમાચાર આવ્યા કે ‘સરકાર આ દુર્ઘટનામાં મરનારનાં સગાંને બે-બે લાખ રૂપિયા આપશે !’

બસ, આ જાહેરાત સાથે જ આખી ટ્રેજેડીમાં અણધાર્યો વળાંક આવ્યો ! આખા વરસમાં એક રૂપિયો પણ ન કમાઈ શકતા દિકરાઓની દાઢ સળકી ! હથેળીમાં ખંજવાળ ચાલુ થઈ ! દિમાગની બત્તી ઝબૂકવા લાગી ! કે ‘હહરીની લાશ મલ્લી (મળેલી) ઓ’તે તો ધજમજેના એક-એક લાખ રૂપિયા હાથમાં આવતા કેનીં ?’

પણ એવી લાશ લાવવી ક્યાંથી ?

બંને દિકરા અભણ હતા, આળસુ હતા, હરામખોર હતા અને અક્કલના ઓથમીર પણ ભલે હતા; પરંતુ એ કંઈ ક્રિમિનલ થોડા હતા ? કે ‘એની બેનને… ચાલનીં, આપડા બાપ જેવા એકાદ ડોહલાને મારી પાડીએ, ને પછી ડોહો પાણીમાંથી મલી આઈવો… એમ કરીને -’

એવું કરવાની એમની આવડત પણ ક્યાં હતી ? પરંતુ માથે હાથ દઈને પોતાના નસીબને કોસતાં બેસી રહેલા બે ભાઈની વ્હારે હોસ્પિટલનો એક કમ્પાઉન્ડર આવ્યો :

‘ડોહાની લાશને ભૂલી જાવો ! પૈહા જોઈતા ઓય તો મેં રસ્તો બતલાવું ! કલેક્ટર ઓફિસમાં મારો ભાણિયો બેહતો છે..’

જીવાભાઈના બંને દિકરાઓને હવે ‘જીવમાં જીવ’ આવ્યો ! એ પહોંચ્યા કલેક્ટર ઓફિસે ત્યાં કારકુન તરીકે બેસતા ભાણિયાએ કહ્યું : ‘પૈહા ખવડાવવા પાહે. જરીક વાર લાગહે, પણ તમારું કામ થેઈ જહે. પુરા બે લાખનો ચેક મલહે !’

‘પૈહા કેટલા ખવડાવવા પડહે  ?’

‘દહ ટકા.’

દસ ટકા કેટલા, તે ગણતાં બે ડોબાઓને થોડી વાર લાગી. પણ જ્યારે ૨૦,૦૦૦નો આંકડો સમજાયો ત્યારે બંને સાથે બોલી પડ્યા : ‘ઓહોહો ? એટલા બધા ?’

‘હારા, તમું લોકોએ તમારા બાપ-જન્મારામાં બે લાખ રૂપિયા જોયેલા ખરા કે ? દહ-દહ વરહ લગી ખાયા કરહે તો બીનીં ખૂટવા કરે…’

દિકરાઓને દોળે દહાડે સપનાં આવવા લાગ્યાં. પણ કારકૂને સપનામાં પંચર પાડતા કહ્યું, ‘વીહ અજ્જાર પેલ્લાં આપવા પડહે તો જ ફાઈલ આગળ ચાલવાની.’

હવે આ કડકાઓ પાસે એવડી મોટી રકમ ક્યાંથી હોય ? અને લાવે પણ ક્યાંથી ? ત્યારે કારકૂને જ રસ્તો બતાડ્યો :

‘નવસારીમાં એક હેઠીયો (શેઠીયો) ધીરધારનો ધંધો કરતો છે. મેં તમુંને ચિઠ્ઠી લખી આપું. તે લેઈને જાવો, ને રૂપિયા લેઈ આવો.’

અભણ, એદી, આળસુ દિકરાઓને થયું કે વીસ હજાર આપતાં બે લાખ તો મળે છે ને ? ‘બાપો, ભલે ડુનિયાં થોડીને ગિયો, પણ અવે તો ડાયરેક સ્વરગમાં જેઈને બેહવાનો !’

નવસારીના પેલા શેઠીયાએ ૨૦,૦૦૦ રોકડા આપતાં કહ્યું કે ‘એક ટકો વ્યાજ લાગહે. તમારો ચેક જમાં થાય તે દા’ડે જો વ્યાજનીં મઈલું તો મારા માણહ, તમારાં માથાં ભાંગી લાખહે, ઇ યાદ રાખજો !’

હવે આ ડોબાઓને શું ખબર હોય કે એક ટકો વ્યાજ એક વરસનું નહીં, એક દિવસનું હોય ? છતાં જ્યારે ખબર પડી ત્યારે તો એમની ચટપટી વધી ગઈ ‘હાહરીનાં, રોજના બે હજ્જાર રૂપિયા કપાઈ જવાનાં ? આ ઓફિસવારા ઝટ કરે તો હારું !’

પણ આ તો સરકારી કામકાજ ! એમ કંઈ પાર થોડો આવે ? ‘ફાઈલ ઉપર ગેલી છે’ ‘સાયેબની સહીમાં છે’ ‘સાયેબ ટૂરમાં ફરતા છે’ ‘ફાઈલ ગાંધીનગર મોકલાવલી છે’ ‘બસ, આજકાલમાં પતી જાહે…’ ‘રોજ આવીને મથા પર ની’ બેહવાનું ! કેટલી વાર કે’યું ?’

આમ હડધૂત થતાં થતાં, ધક્કા ખાતાં ખાતાં છેવટે પૂરા બત્રીસમા દિવસે ફાઈલ પાસ થઈ ! તેત્રીસમા દિવસે હતો શનિવાર, ચોંત્રીસમાં દિવસે રવિવારે બેંક બંધ ! એટલે પાંત્રીસમાં દિવસે સાંજે પાંચ વાગે ચેક આવ્યો હાથમાં !

પણ એમ કંઈ પેંડા ખવાય ? હજી તો એ ચેક દિકરાઓના જોઈન્ટ ખાતામાં જમા થાય… પછી પાસ થવા જાય.. ચાર દહાડે પાસ થાય… ત્યારે છેવટે બેન્ક મેનેજરે કહ્યું : ‘હહરીનાઓ પેંડા ખવડાવો ! તમારા ખાતામાં આઈવા પુરા બે લાખ !’

એ દહાડે રૂપિયા ઉપાડવા માટે વાજતે ગાજતે જે મંડળી બેન્કમાં ગઈ હતી તેમાં બંને વહુઓ, એક વઢકણી (પણ આજે હરખાતી) સાસુ ઉપરાંત પેલો કારકુન, એના સાહેબનો ખાસ માણસ, પેલો શેઠીયો અને… ‘સાક્ષી’ તરીકે સહી કરનાર બસના કંડકટર અને ડ્રાઈવર પણ હતા !’

અરે ભાઈ, એ ડ્રાયવર અને કંડક્ટરે જ જુબાની આપી હતી ને, કે ‘હા, તે દા’ડે જીવો ભાઈ બસમાં જ ઉતો ! જુઓ ટિકિટ બી ફાડેલી !’

આમ પુરા ૩૯ દિવસનું વ્યાજ, પ્લસ ડ્રાયવર કંડકટરનો ભાગ બાદ કરતાં ભાઈઓના હાથમાં જમા ખાતે શ્રીપુરાંત, પુરા ૯૭,૫૦૦ રૂપિયા બચ્યા હતા !

મનમાં થોડું દુઃખ હતું કે ‘હહરીના અડધા હો નીં બઈચા !’ બીજી બાજુ ખુશ પણ હતા કે ‘એની બેનને… હત્તાણું અજ્જાર બાપ જનમારામાં હો કોઈ દા’ડો કમાઈ રેલા ઓતે કે ? આ તો હારું થિયું કે બાપ તે દા’ડે -’

પણ ના ! હકીકતમાં બાપ તે દહાડે દુનિયા છોડીને નહીં, માત્ર ‘સંસાર’ છોડીને ચાલ્યો ગયો હતો ! 

ઘરમાં સતત ચાલ્યા કરતા ‘કચાટ’થી ત્રાસીને તે પેલી ધસમસતી અંબિકા નદી આવે તે પહેલાં જ ધૂંધળી સવારે, વરસતા વરસાદમાં, જ્યારે ડ્રાઈવર-કંડકટર છત્રીઓ લઈને ચા પીવા માટે એક ચોકડી પર ઉતર્યા હતા ત્યારે જીવો ભગો તાડપત્રી ઓઢીને ચૂપચાપ ઉતરી ગયો હતો !

પછી તે ક્યાં ગયો હતો ? અરે, બાવો બની ગયો હતો !

પણ સાલું, જીવાભાઈને બાવાની દુનિયામાં ફાવ્યું જ નહીં ! એટલે તે એક દિવસ પાછો આવેલો !

પણ નસીબ તો જુઓ ? જ્યારે ખબર પડી કે ‘હહરીનાં મારાં જ પોયરાઓએ મને હત્તાણું અજ્જારમાં વેચી ખાધો…’ તે દિવસે, કહે છે કે, જીવોભાઈ પાછો બાવો બનવા જતો રહેલો !

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Shakespearen tragedy

    ReplyDelete
  2. જોરદાર.. સારું થયું જીવો આવીને પાછો જંગલ ભેગો થયો નહિ તો બૈરી છોકરા જેલ ભેગા થાત....

    ReplyDelete

Post a Comment