ઘડપણનાં પાંચ સ્ટેજીસ !

એક ફેમસ વાક્ય છે કે ‘વરસાદ પડે ને જે નહાવા દોડે એ કોઈપણ ઉંમરનો યુવાન છે, એ વરસાદ પડે ત્યારે છાપરું શોધે એ કોઈપણ ઉંમરનો વૃદ્ધ છે !’

આ તો સારું છે કે ‘વરસાદ’ની જગ્યાએ કોઈ ‘યુવતી’ની કલ્પના નથી કરી ! કેમકે એમાં કોઈપણ ઉંમરે ‘છૂટાછેડા’ થવાના ચાન્સ વધી જાય છે.

પણ સિરિયસલી, માણસ ઘરડો થાય એનાં અલગ અલગ પાંચ સ્ટેજ હોય છે…

*** 

સ્ટેજ (૧) ૫૦ થી ૫૫ વરસ :
આ ઉંમરે તમે વાળને ડાઈ કરીને જુવાનીનું પૂંછડું પકડી રાખવાની કોશિશ કરો છો, કોઈ યુવતીને જોઈને પેટ પાછું સંકોચવાની હરકતો કરો છો.. પણ શું ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે એની સલાહો અમલમાં મુકવા કરતાં ‘આપવામાં’ વધારે રસ ધરાવો છો.

*** 

સ્ટેજ (૨) ૫૬ થી ૬૦ વરસ :
વાળને ડાઈ કરવાનું રહી જાય છે, કોઈ યુવતી ‘અંકલ’ કહી જાય તો ખોટું લાગતું નથી અને સાલું, જિમ જોઈન કરવું કે યોગાવાળું ચાલું કરવું, એમાં ને એમાં બીપી, શ્યુગર અને કોલોસ્ટ્રોલ વધી જાય છે !

*** 

સ્ટેજ (૩) ૬૦ થી ૬૫ વરસ :
સૌથી પહેલું તો પેલું ‘લાઈફ બિગીન્સ એટ સિક્સ્ટી’નું સ્લોગન અપનાવીને નવા નવા શોખમાં ઝંપલાવો છો ! કરાઓકેમાં જુનાં ગાયનો ગાવા લાગો છો, રંગીન ટી-શર્ટો પહેરવા માંડો છો અને કાશ્મીરથી કુઆલાલમ્પુર અથવા ચાર ધામ કે અયોધ્યા-પ્રયાગરાજની જાત્રાઓ કરી નાંખવાના ઝનૂનો ચડે છે…

એટલું જ નહીં, સમાજને સુધારી નાંખવાનાં, સેવાની ધૂણી ધખાવવાના કે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાના નિષ્ફળ પ્રયાસો પછી… મેડિકલ રીપોર્ટો જોઈને ઢીલા થવા લાગો છો !

*** 

સ્ટેજ (૪) ૬૫ થી ૭૫ વરસ :
શેરબજાર અને ફિક્સ ડિપોઝિટોની ફાઈલ કરતાં મેડિકલ રીપોર્ટોની ફાઈલો મોટી થતી જાય છે… અને ‘મારા ગયા પછી’નું પ્લાનિંગ કરતાં ‘હું છું ત્યાં સુધી’નું પ્લાનિંગ વધારે મહત્વનું બની જાય છે !

*** 

સ્ટેજ (૫) ૭૦ થી આગળ :
આ સ્ટેજમાં માણસનું એક જ ફોકસ હોય છે ; ‘મારે કયા રોગથી નથી મરવું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments