ગુજરાતી તો ગુજરાતી છે પરંતુ છાપાંની ગુજરાતી ભાષામાં અમુક ‘રૂઢિપ્રયોગો’ ફિક્સ છે ! જુઓ…
***
ચીનની ‘દાનત’ હંમેશાં ‘ખોરી’ જ હોય…
અને ચીનનો ‘ડોળો’ ભારતની ધરતી ઉપર જ હોય !
***
પાકિસ્તાન વરસોથી ‘કાશ્મીરનો રાગ આલાપે’ છે !
***
સરકારી તંત્ર હંમેશાં હંમેશાં ‘ઊંઘતું ઝડપાયું’ હોય !
***
સરકારના દાવાઓની ‘પોલ’ લગભગ આંતરે દહાડે ‘ખુલતી’ જ રહેવાની…
***
અધિકારીઓ અને પોલીસો ઘટનાસ્થળે ‘દોડી આવ્યા’ ! (તો એમને કાર અને જીપ શેના માટે આપી હશે ?)
***
રૂપિયામાં કદી ચડ-ઉતર નથી હોતી ! કાં તો રૂપિયો ‘ગગડ્યો’ અથવા તો ‘ઉછળ્યો’ !
***
શેરબજારમાં રોકાણકારોની ‘મૂડી’નું હંમેશાં ‘ધોવાણ’ જ થાય !
***
અને શેરબજારમાં તેજી હંમેશાં ‘આગઝરતી’ હોય ! પણ મંદીના માત્ર ‘ભણકારા’ હોય !
***
અચ્છા, ભારત વસતીની દૃષ્ટિએ નંબર વન શી રીતે બની ગયું ?... ‘ચીનને પછાડીને !’ (એટલે, કોણ કોણ ગયેલું ચીનને પછાડવા ?)
***
દારૂની ‘મહેફિલ માણતા’ હંમેશા ‘નબીરાઓ’ જ પકડાય છે ! (કડકાઓ કેમ નહીં ?)
***
ક્રિકેટમાં તો દર બીજી મેચમાં કોઈ ને કોઈ ‘ઇતિહાસ રચાયો’ હોય છે ! કાં તો રોહિતે, કાં તો કોહલીએ, કાં તો ભારતીય ટીમે… અરે છેવટે બુમરાહે ઇન્જર્ડ રહેવામાં ઇતિહાસ રચ્યો હોય !
***
કેન્સર, લિવર, એઇડ્ઝ કે હૃદય બાબતનાં તમામ સંશોધનો ‘અમેરિકાની એક યુનિવર્સિટી’માં થતાં હોય છે…
અને અટપટા આંકડાવાળી માહિતીઓ ‘તાજેતરમાં થયેલા એક સરવે’માંથી બહાર આવી હોય છે !
(આ ‘તાજેતર’ ક્યાં આવ્યું, ભૈશાબ ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment