આ એ જમાનાની વાત છે જ્યારે ટીવીમાં દૂરદર્શનનો દબદબો હતો. મુંબઈગરાઓને યાદ હશે કે જ્યારે એક રવિવારની સાંજે ટીવીમાં ‘શોલે’ આવવાનું હતું ત્યારે આખા શહેરમાં રીતસર કરફ્યુ જેવું લાગતું હતું ! કેમકે સૌ પોતપોતાનાં ઘરમાં ટીવી સામે ચોંટી ગયેલા !
એ પછી તો આખા દેશમાં દૂરદર્શન દેખાતું થયું. ત્યારે વળી રવિવારની સવારનો વટ હતો, કેમકે તે વખતે ‘રામાયણ’ સિરીયલ આવતી.
જોકે અમારા ગામડાંમાં ટીવી સાવ ઓછાં એમાંય અનાવલ ગામનું એક ઉચ્ચ વર્ણનું ફળિયું ખાધેપીધે સુખી ઘરોનું હોવા છતાં ફળિયામાં એક જ ઘરે ટીવી. એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ. એ ઘર હતું રાયજીકાકાનું.
રાયજીકાકાનું મોટું ચાર માળાવાળું મકાન. મકાનની આગળ મોટો લાદી જડેલો ઓટલો. અને ઓટલા ઉપર દર રવિવારની સવારે ભેગું થાય આખા ફળિયાનું ઓડિયન્સ.
જે રીતે સિનેમાઘરોમાં બાલ્કની, અપર સ્ટોલ અને લોઅર સ્ટોલ હોય એમ અહીં પણ બાલ્કનીનો દરજ્જો હતો રાયજીકાકાના બાંકડાનો ! એ બાંકડા ઉપર બે જ વડીલો બેસે. એક રાયજીકાકા પોતે અને બીજા એમની જ ઉંમરના વડીલ દુર્લભકાકા.
આ દુર્લભકાકા સંપત્તિની દૃષ્ટિએ રાયજીકાકા કરતાં પણ મોટું માથું ગણાય. પણ એમની ટીવી માટેની છાપ એવી કે ‘હહરીનાં એમાં પેમલા-પેમલીનાં (પ્રેમી-પ્રેમિકાના) ગાયનો આવે ! ને મારામારીનાં પિકચર આવે ! એ જોઈને ઘરનાં પોયરાં બગડી જાય…’ આ સૈદ્ધાંતિક કારણસર એમના ધજમજેના પાંચ ગાળાના પાકા મકાનમાં ટીવીને પ્રવેશ મળ્યો નહોતો.
પરંતુ ‘રામાયણ’ની તો વાત જ અનોખી ને ? એટલે દુર્લભકાકા દર રવિવારે રાયજીકાકાને ત્યાં રામાયણ જોવા પધારે. પેલા એકમાત્ર બાંકડા પર રાયજીકાકાની જોડાજોડ બેસે. ઘરની વહુ એમના માટે ખાસ મસાલાવાળી ચા બનાવીને હાથોહાથ આપવા આવે !
આમ તો બાલ્કનીના આ બાંકડાની આજુબાજુ ઘરના દિકરાઓ માટે ખુરશીઓ હોય. પણ ‘બાલ્કની’ એટલામાં જ પતી જાય.
ત્યારબાદ નીચે જે શેતરંજીઓ પાથરેલી હોય તે ‘અપર સ્ટોલ’ ! જેની ઉપર પહેલાં રાયજીકાકાનાં વહુઆરુઓ હોય, પછી દુર્લભકાકાને ત્યાંની વહુઓ, દિકરાઓ હોય અને એની આગળ ‘લોઅર સ્ટોલ’માં ફળિયાંની બીજી પ્રજા.. અને સૌથી આગળ ટેણિયાં-મેણિયાં.
પરંતુ એક રવિવારે આ ગોઠવણમાં મોટો ભૂકંપ આવી ગયો ! વાત એમ બનેલી કે રાયજીકાકાનો મુંબઈમાં રહેતો દિકરો જે વેકેશનમાં અહીં આવેલો, તેનાં લાડકાં આઠ અને દસ વરસનાં બે બાબલાં પેલા લાકડાના બાંકડા ઉપર દાદાજીની બાજુમાં ગોઠવાઈ ગયેલાં.
આપણા દુર્લભકાકા તો આમેય માન માગવા માટે મોડા મોડા પધારે ? પણ એ આવીને જુએ છે કે એમની રિઝર્વ સીટ ઉપર તો કોઈ ટાબરિયાં બેઠા છે ! એમણે અમારી ટિપિકલ તોછડી સુરતી બોલીમાં કીધું : ‘એઈ પોરિયાંઓ, ઊઠો ! તમે અંઈ બેસહે તો તમારો દુલ્લભદાદો કાં બેહવાનો ?’
આ સાંભળતાં જ ઘરની મોટી વહુએ રોકડું પરખાવ્યું ‘દાદા તમે જરીક ખુરશીમાં બેસહે તો કંઈ નાલ્લા નીં થેઈ જવાના.’
દુર્લભદાદાને ખોટું તો લાગ્યું પણ મન મારીને બાજુની ખુરશીમાં જઈને બેઠા. હવે ટીવીમાં રામાયણ ચાલુ થઈ… અને આ બાજુ દુર્લભદાદાની ‘રામાયણ’ ચાલું થઈ : ‘પોરી, આજે મને ચા નીં પીવડાવી ?’
વહુને ચચરી ગઈ ! એક તો ટીવીમાં રામાયણ ચાલુ થઈ ગઈ અને ઊઠવું પડ્યું, એની રીસ, ઉપરથી રસોડામાં ચા પતી ગયેલી (મુંબઈનાં મહેમાનોને લીધે) એટલે નવેસરથી મુકવી પડી ! મોટી વહુએ જાણી જોઈને ખાંડ વગરની અને સાવ કસ વગરની પાણી જેવી ચા બનાવીને દુર્લભકાકાના હાથમાં ચિપીયો પછાડતી હોય તેમ પકડાવી.
દુર્લભકાકો ચાનો સબડકો લઈન કહે છે : ‘પોરી, આજે ચામાં કંઈ હવાદ જ નીં મલે !’
મોટી વહુએ છણકો કર્યો ‘બો હવાદવાળી જોઈતી ઓય તો ઘેરેથી જ પીને આવવા જોયે ને ?’
બસ, આ સીન જોઈને દુર્લભકાકો જેટલો અકળાયો એના કરતા દુર્લભકાકાની મોટી વહુ બમણી છંછેડાઈ ગઈ ! રામાયણ પત્યા પછી ઘરે આવતાંની સાથે એણે ઉપાડો લીધો : ‘એ વળી હાંની (શેની) મોટી શેઠાંણી થતી છે ? આપણી પાંહે પૈહા નીં મલે કે ? આપણે હો ટીવી લેઈ આવો !’
આમ, જે રીતે રામાયણમાં કૈકેયીએ રૂસણાં લીધાં હતાં અને એમને મનાવવા માટે રામને વનવાસ આપવો પડેલો, એ જ રીતે મોટી વહુનાં રીસામણાં સામે દુર્લભકાકાએ ઝુકી જવું પડ્યું.
ઉપરથી વહુએ છેલ્લો પાસો ફેંક્યો ‘નવુ ટીવી લાવવાનાં જ છે તો કલર ટીવી જ લાવજો ! રાયજીકાકાની વો’ઉ હો યાદ કરહે !’
આમ, અમારા ગામના આ ફળિયામાં ‘રામાયણ’ની પાછળ સ્પર્ધાનું ‘મહાભારત’ શરૂ થયું ! દુર્લભકાકાને ત્યાં નવું નક્કોર કલર ટીવી હોય તો રાયજીકાકાનો ભાવ કોણ પૂછે ? પણ ઊભા રહો, થોડા દિવસ પછી રાયજીકાકાના મુંબઈવાળા દીકરાએ લેટેસ્ટ મોડલનું ‘મોટી સાઇઝ’નું કલર ટીવી મોકલી આપ્યું ! આવી જાવ !
આમ જોવા જાવ તો એક જાતનો ‘રેકોર્ડ’ હતો કેમકે માત્ર અમારા આ ફળિયામાં જ નહીં, આસપાસનાં પાંચ ગામમાં ક્યાંય કલર ટીવી હતાં જ નહીં ! જ્યારે અહીં તો એક જ ફળિયામાં બબ્બે ! અમુક ઓડિયન્સ માટે તો આ રવિવારની સવાર ‘જાત્રા’ જેવું હતું !
જોકે, રાયજીકાકાને ત્યાંનું કલર ટીવી પિક્ચર ક્વોલિટી ઉપરાંત સાઉન્ડ ક્વોલિટીમાં તો મારફાડ હતું ! એમની રામાયણનો અવાજ છેક દુર્લભકાકાની રામાયણમાં સંભળાય !
આમ તો ‘રામાયણ’ સિરીયલ પતે પછી આ ચડસાચડસી લગભગ પતી જ ગઈ હોત, પરંતુ અમારા ફળિયાનાં નસીબ જુઓ, એક દિવસ દુર્લભકાકાના નાના દિકરાને ચીખલી ટાઉનમાં કોઈકને ત્યાં આખેઆખું પિકચર બતાડતું ‘વીસીઆર’ દેખાઈ ગયું !
પછી શું ? એ તો બાપાને પૂછ્યા વિના લઈ આવ્યો ‘વીસીઆર’ ! અને સાથે ‘શોલે’ની એક કેસેટ ! આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે ‘દુલ્લભકાકાને તાં તો શોલે પિચ્ચર બતલાવવાના !’
આજુબાજુના પાંચ ગામ માટે આ નવી નવાઈનું કૌતુક હતું. ‘હહરીનું, આખ્ખું પિચ્ચર ચાંપ દબાવે એટલે ચાલે, ને ચાંપ દબાવે તાં ઊભું રેઈ જાય ! એની બેનને, હેમામાલિનીનું ગાંઈન (ગાયન) બબ્બે વાર જોવું ઓય, તો તે એમાં હો ચાંપ દબાવે તેમ નાંચિયા કરે !’
હવે તમને શું લાગે છે, રાયજીકાકાનાં દિકરા-વહુઓ આ બધું સહન કરી લે ખરાં ? એ પણ લઈ આવ્યા ‘વીસીઆર’ !
પછી તો રીતસર હરિફાઈ ચાલતી, ‘આજે કોણને તાં કયું પિચ્ચર મુકવાનાં ?’ જો આ બાજુ અમિતાભનું ‘જંજીર’ હોય તો સામે ટક્કર લેવા માટે અમિતાભનું ‘મુકદ્દર કા સિકંદર’ હોય ! અહીં ‘આરાધના’ લાવે તો ત્યાં ‘કટી પતંગ’ ચગાવે ! આ બાજુ ‘જય સતોષી મા’ પધારે તો પેલી બાજુ ગુજરાતીમાં ‘ગંગા સતી’ને લઈ આવ્યાં હોય…
તમે નહીં માનો, પણ ચાર ગામ છોડીને એક ભાઈએ કંતાન-તાડપત્રી વગેરે બાંધીને એક મિનિ-થિયેટર ઊભું કરેલું, જેમાં તે ચાર-ચાર આનામાં રોજ એક ફિલ્મ બતાડતો હતો, એનાં પાટિયાં પડી ગયેલાં ! બિચારો અમારા ગામમાં આવીને બંને વડીલોને ત્યાં હાથ જોડી ગયેલો કે ‘તમે તો મારો ધંધો ભંગાવી લાખવાના !’
આ બાજુ શરૂશરૂમાં તો દરરોજ, પછી આંતરે દહાડે, અને પછી લગભગ દર શનિ-રવિમાં બને ઘરે પિચ્ચર પડતાં ! અમારા ગામનાં બીજાં ફળિયાવાળાં તેમજ નજીકના ગામના અમુક જુવાનિયાઓ અને નોકરીયાતો રેગ્યુલર ‘ઘરાક’ (મફતિયા સ્તો) બની ગયેલા.
રાત્રે આઠેક વાગે તમે બે ચાર છોકરીઓને ફળિયામાંથી બહાર જતી જુઓ, અને પૂછો કે ‘પોરીઓ કાં ચાલી ?’ તો જવાબ મળતો ‘દુલ્લભકાકાને તાં પિચ્ચર જોવા !’
આમાં ને આમાં એક રિયલ ‘લવ-સ્ટોરી’ બની ગઈ ! થયું એવું કે બાજુના ગામવાલો કોલેજિયન કમલેશ અને અમારા ગામની બીજા ફળિયામાં રહેતી ફટાકડી સ્મિતાની આંખો આ ઓપન એર થિયેટરના ચાંદરણાવાળા અંધારામાં મળી ગઈ !
શરૂશરૂમાં તો પિચ્ચર છૂટે ત્યારે કમલેશ ગાયન ગાતો નીકળે ‘કોરા કાગજ થા યે મન મેરા, લિખ લિયા નામ ઉસ પે તેરા’… પછી તો સ્મિતા પણ સ્મિત સાથે જવાબ આપતી ‘એક ડાલ પર તોતા બોલે, એક ડાલ પર મૈના…’
એમાં એકવાર જ્યારે કમલેશે સ્મિતાનો હાથ પકડીને પૂછેલું કે ‘યું હી તુમ મુજ સે બાત કરતી હો, યા કોઈ પ્યાર કા ઇરાદા હૈ ?’… એ પછી એવું બનતું કે બંને પિક્ચર શરૂ થવાના ટાઈમે તો અલગ અલગ બેઠાં હોય, પણ પછી પિક્ચર બરાબર જામે ત્યારે વારાફરતી બંને જણાં અંધારામાં ક્યાંક સરી જતાં !
અને તમે તો જાણો જ છો, ગામડા ગામમાં રાતના ટાઈમે કંઈ ‘ખૂણા’ ના શોધવા પડે ! ત્યાં તો ખેતર પાછળનં ઝાડ પણ આડશ તરીકે ચાલે !
પરંતુ નખ્ખોદ જજો એ હિન્દી ફિલ્મી ગાયનોનું, કેમકે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં બંને પ્રેમીપંખીડા એક દિવસ ભાગી ગયેલાં ! ગામમા હાહાકાર મચી ગયો !
પછી જ્યારે એમની લવ-સ્ટોરીનો ‘ફ્લેશ-બેક’ ગામના વડીલો આગળ ખુલ્યો ત્યારે પંચ બેસાડ્યા વિના જ અમારા ફળિયાના બે મોભીઓને ફરમાન થયું :
'આ તમારાં પિચ્ચર બતલાવતાં ડબલાંએ જ મોંકાણ કરેલી છે ! એટલે જો હમજીને બંને ઘરવાળા આ ધતિંગ બંધ નીં કરહે તો પછી -’
પછી શું ? પાંચ ગામના લોકોના ફ્રી મનોરંજન ઉપર જ પાટિયાં પડી ગયાં. ધી એન્ડ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment