આમ તો અમારે આ રોજનું થયું, પણ આજે ખુલ્લેઆમ ધૂળેટીનું બહાનું છે ! અને હા, આજે જ ચૂંટિયો ખણી લીધા પછી ‘સોરી’ નહીં કહેવાનો રીવાજ છે…
***
ડિયર પર્યાવરણવાદીઓ,
આ વખતે શું થયું ? ‘પાણી બચાવો’ના મેસેજો ખૂટી પડ્યા ? કે પછી ઝુંબેશ જ પાણીમાં બેસી ગઈ ?
- બૂરા ન માનો, હોલી હૈ !
***
ડિયર ગુલાલ હોળીવાળા,
અલ્યા, પાણી ઉડાડીએ તો હવાનાં રજકણો બેસી જાય, પણ ગુલાલ ઉડાડીએ તો શ્ર્વાસમાં નહીં જાય ? ફેફસાં નહીં, દિમાગ બચાવો !
- બૂરા ન માનો, હોલી હૈ !
***
ડિયર શેરબજાર એક્સ્પર્ટો,
ભારતના શેરબજાર તૂટ્યાં તો એમાં ફોરેન ઇન્વેસ્ટરોનો વાંક… પણ હવે અમેરિકા અને યુરોપનાં બજારોમાં કડાકો બોલી ગયો… ત્યાં ‘ફોરેનવાળા’ ક્યાં ગયા ?
- બૂરા ન માનો, હોલી હૈ !
***
ડિયર પાકિસ્તાનીઓ,
ભારત ચેમ્પિયન્સ ટ્રોફી લઈ ગયું એમાં બીસીસીઆઈનો હાથ હતો… તો હવે તમારા ક્વેટામાં આખેઆખી ટ્રેન હાઈજેક થઈ ગઈ એમાં પણ તમને ભારતનો હાથ જ દેખાશે ને ?
- બૂરા ન માનો, હોલી હૈ !
***
ડિયર બોલીવૂડવાળા,
કરણ જોહરને તો આદર પૂનાવાલાના ૧૦૦ કરોડ મળી ગયા, પણ તમે તો પ્રેક્ષકોનો ‘આદર’ ગુમાવીને ‘ચૂનાવાલા’ બની ગયા !
- બૂરા ન માનો, હોલી હૈ !
***
ડિયર વિશ્વશાંતિવાળાઓ,
સ્વમાનથી છાતી કાઢીને યુદ્ધ ચાલુ રાખનારા ઝેલેન્સ્કી સારા ? અને દાદાગિરી કરીને યુદ્ધ બંધ કરાવવા માગતા ટ્રમ્પ ખરાબ ? ગૂંચવાડો ગ્રેટ છે ને ?
- બૂરા ન માનો, હોલી હૈ !
***
ડિયર કેજરીવાલજી,
ખુશ થાઓ ! કેમકે હવે તો તમારા ચહેરા ઉપર મેશ ચોપડવા માટે પણ કોઈ નવરું નથી !
- બૂરા ન માનો, હોલી હૈ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment