આજકાલ ઓટીટી અને યુ-ટ્યુબ જેવા મિડીયા ઉપર સેન્સરશીપ રાખવાની ચર્ચા જોરથી ચાલી રહી છે. આમાં અમે થોડા ટેકનોલોજીકલ સુધારા કરવાનાં સૂચનો કરી રહ્યા છીએ ! જુઓ..
***
ગાળ મ્યુટ ઓપ્શન :
ડ્રોઈંગરૂમમાં ફેમિલી સાથે વેબસિરીઝ જોતાં જોતાં ક્યારે કયું પાત્ર ગંદી ગાળ બોલી નાંખે તેની કોઈ ‘ચેતવણી’ તો મળતી જ નથી ! એના કરતાં શરૂઆતમાં જ ‘ગાળ મ્યુટ’નો ઓપ્શન આપો ને ? જેથી એ અપશબ્દ એની મેળે જ ‘ચૂપ’ થઈ જાય !
***
વલ્ગર સીન વોર્નિંગ :
આમેય મૂળ સ્ટોરી સાથે કોઈ જ લેવાદેવા ન હોય છતાં વેબસિરીઝોમાં વચ્ચે વચ્ચે ગમે ત્યાં, (અને અચાનક) કોઈ ‘ઉઘાડો’ સીન ટપકી પડે છે ! આપણે રીમોટ વડે ફોરવર્ડ કરવા જઈએ ત્યાં ન જોવાનું તો દેખાઈ જ જાય છે !
તો ભૈશાબ, એવું દ્રશ્ય આવવાનું હોય એની ત્રણ ચાર મિનિટ પહેલા ટીવીના એક ખૂણે ‘ટાઈમર’ સાથે વોર્નિંગ લબૂક ઝબૂક થતી હોય એવું સેટિંગ આપો ને ?
***
વલ્ગર સીન સ્કીપ :
જે રીતે વેબસિરીઝનો નવો એપિસોડ શરૂ થાય ત્યારે ‘સ્કીપ ઇન્ટ્રો’નો ઓપ્શન આવે જ છે ને ? એ રીતે ‘સ્કીપ ન્યુડ સીન’ કે ‘સ્કીપ વલ્ગર સીન’નું ઓપ્શન કેમ ફરજિયાત નથી કરતા ?
(જો કે હા, અમુક શોખીનો ‘રીપીટ વલ્ગર સીન’ના ઓપ્શનની માગણી ‘ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન’ના નામે કરવાના જ છે ! તો ભલે ને કરતા ? એનો એકસ્ટ્રા ચાર્જ લો !)
***
ટોક્સિક મીટર ઓપ્શન :
જે રીતે નવી પેઢી કાંડા ઉપર સ્માર્ટ વોચ પહેરીને ગણતરી રાખે છે કે પોતે કેટલા ડગલાં ચાલ્યા, કેટલી કેલરી બાળી… ઉપરથી સ્માર્ટફોનમાં ‘એપ-મીટર’ રાખે છે જેમાં ખબર પડે કે કેટલા કલાક કયા એપમાં વેડફાઈ ગયા…
એ જ રીતે ઓટીટીમાં એક ‘ટોક્સિક મીટર’ રાખો. જેમાં સતત ગણતરી બતાડશે કે તમે કેટલી ગાળો સાંભળી, કેટલા અભદ્ર સીન જોયા, કેટલી મિનિટ હિંસક કન્ટેન્ટ જોયું, કેટલું ડ્રગ-એબ્યુઝ જોયું… વગેરે !
(આ ઓપ્શન આજની ‘જેન-ઝિ’ માટે છે જેમને લાઇફમાં ‘ટોક્સિક’ લોકો તો જરાય પસંદ નથી !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment