અમદાવાદમાં એરપોર્ટની સોંઘવારી !

લો, ભારતના માનનીય ઉડ્ડયનમંત્રીએ અમદાવાદના એરપોર્ટ ઉપર હવે વિમાનના પ્રવાસીઓ માટે ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્‌ઘાટન કર્યું છે !

અહીં દસ રૂપિયામાં ચા, દસ રૂપિયામાં પાણી અને વીસ રૂપિયામાં સમોસા (કે સમોસું?) મળશે ! બોલો.
જોકે આમાં થોડી કડવી જોક્સ પણ ‘ફ્રી’માં મળે છે…

*** 

- પહેલાં પાર્કિંગના ભાવ ડબલ કર્યા.
- પછી પાર્કિંગનો સમય અડધો કરી નાંખ્યો.
- પછી એરપોર્ટ પર આવનારી ટેક્સી અને રીક્ષાઓ ઉપર ચાર્જ લગાડ્યો.
- અને હવે ‘સસ્તામાં’ ચા-પાણી આપે છે ! વાહ સાહેબ વાહ !

*** 

યાર, એ લોકોનું શું થશે જેઓ ૨૦૦૦ના શૂઝ, ૪૦૦૦નું ટી-શર્ટ અને ૧૨૦૦૦ની બેગ લઈને એરપોર્ટ પર આવતા હશે…?
એ લોકો ૧૦-૧૦ રૂપિયામાં ચા-પાણી કરતા દેખાશે તો કેવા લાગશે ?

*** 

સાહેબ, અમે તો મલ્ટિપ્લેક્સોમાં કોફી અને પોપકોર્નના જે ચીરી નાંખે એવા ભાવ લે છે એ ઓછા કરવાનું કહ્યું હતું…

જોકે શાકભાજી, કરિયાણું અને પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઓછા કરવાનું કીધું હતું… પણ ચાલો, હવે એરપોર્ટમાં એ બધું પણ સસ્તું આપશોને ?

*** 

અચ્છા, મારો બાબો પૂછાવે છે કે, ૨૦ રૂપિયાના સમોસા (કે સમોસું) ‘સ્વીગી’ કરીએ તો ઘરે આપવા આવશે ને ?

*** 

‘જાગો ગ્રાહક જાગો’વાળા એક ભાઈને પણ જાણવું છે કે પેલા સમોસા ઉપર ‘એક્સ્પાયરી ડેટ’ તો લખેલી હશે ને ?
- કેમકે આ તો ‘એરપોર્ટનું સમોસું’ છે ભઈ, એને ‘વાસી’ શી રીતે કહેવાય ?

*** 

રાજકોટવાળા તો રાહ જુએ છે કે એમના એરપોર્ટ પર આવું કાફે ક્યારે ચાલુ થાય ! કેમકે મેનુમાં એમની ઇચ્છા છે કે ‘માવા’નો પણ ઉમેરો થાય !

*** 

બાકી અમદાવાદ એરપોર્ટ ઉપર આવું કાફે તો જ ચાલશે, જો ત્યાં એક ચા ઉપર બીજી ‘ફ્રી’ આપશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments